Page Views: 17295

હિન્દી ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીતને લોકપ્રિય બનાવનાર મહાન સંગીતકાર નૌશાદ

પદ્મ ભૂષણ અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનારા સંગીતકાર નૌશાદે અનેક ગીતોને પોતાના સંગીતથી અમર બનાવ્યા છે

સુરત-નરેશ કાપડીઆદ્વારા

હિન્દી ફિલ્મોના ટોચના સંગીતકાર નૌશાદઅલીને જન્નત નશીન થયાનેચૌદ વર્ષ થયાં. ૫ મે, ૨૦૦૬ના રોજ તેમનું ૮૬ વર્ષની વયે નિધન થયું હતું. આ એ સંગીતકાર છે, જેમણે હિન્દી ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીતનો ઉપયોગ પણ કર્યો અને તેને લોકપ્રિય પણ બનાવ્યું. નૌશાદ સાહેબની સફળતા ગઝબની હતી. તેમની ૩૫ ફિલ્મો સિલ્વર જુબિલી, ૧૨ ગોલ્ડન જુબિલી અને ૩એ ડાયમંડ જુબિલી ઉજવી હતી. ભારત સરકારે ૧૯૮૨માં નૌશાદ સાહેબને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ અને ૧૯૯૨માં ‘પદ્મભૂષણ’ના ઈલ્કાબથી સન્માનિત કર્યા હતા.

ઇસ્લામિક તેહ્જીબ માટે જાણીતા એવા લખનૌ શહેરમાં ૨૫ ડીસેમ્બર, ૧૯૧૯ના રોજ નૌશાદનો જન્મ. તેમના પિતા વાહિદ અલી મુન્શી હતા. બાળક રૂપે નૌશાદે બારાબંકીના દેવા શરીફના વાર્ષિક મેળામાં મહાન કવ્વાલો અને ગાયકો-સંગીતકારોને સાંભળ્યા હતાં. તેમણે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો અને હાર્મોનિયમ પણ રીપેર કર્યા. એ જમાનામાં મૂંગી ફિલ્મો આવતી. સ્થાનિક સંગીતકારો તેમાં જીવંત સંગીત ઉમેરતા, તે બાળપણમાં નૌશાદે નજીકથી જોયું હતું. તેમને સંગીત તાલીમ સાથે વિવિધ વિસ્તારના લોક સંગીતનો પણ પરિચય થયો. ૧૯૩૧માં ભારતીય ફિલ્મોમાં અવાજ ઉમેરાયો ત્યારે નૌશાદ ૧૩ વર્ષના હતા. તેમના ઘરના ઇસ્લામિક સંસ્કાર તેમને સંગીતથી દૂર રાખતા હતા માટે તેઓ ૧૯ વર્ષની ઉમરે ભાગીને મુંબઈ ગયા, સંઘર્ષ કર્યો, ફૂટપાથ પર સુતા. સંગીતકાર ખેમચંદ પ્રકાશે મદદ કરી, જેમને નૌશાદ પોતાના ગુરુ માનતા.

સ્વતંત્ર સંગીતકાર રૂપે નૌશાદ સાહેબની પહેલી ફિલ્મ ‘પ્રેમ નગર’ (૧૯૪૦) આવી.કારદારની ‘નઈ દુનિયા’ (૧૯૪૨)માં નૌશાદને સંગીતકાર રૂપે ક્રેડીટ મળી. તો તેમને પહેલી સફળતા ‘રતન’ (૧૯૪૪)માં મળી હતી. ૭૫ હજારમાં બનેલી ‘રતન’ને માત્ર  સંગીતની રોયલ્ટીમાંથી ત્રણ લાખ રૂપિયા મળ્યાં હતાં. પરિવારને તો કહેવાય તેમ નહોતું કે પોતે સંગીતકાર છે, એવા નૌશાદના લગ્નમાં લખનૌમાં બેન્ડ-વાજાવાળા ‘રતન’ના ગીતો વગાડતા હતાં.

હવે નૌશાદને ફિલ્મ દીઠ રૂ. ૨૫ હજાર મળતાં હતા. ત્યાર બાદ તેમણે કદી પાછું વાળીને જોયું નહોતું.૧૯૪૨થી ૧૯૬૦  સુધી નૌશાદ ટોચના સંગીતકાર રહ્યાં. નૌશાદના મુખ્ય ગીતકાર શકીલ બદાયુંની હતા.

નૌશાદ સાહેબ હંમેશા જે ફિલ્મોના તેમના બેનમુન સંગીત માટે યાદ રહેશે તેમાં ‘રતન’, ‘અનમોલ ઘડી’, સાયગલ સાહેબ સાથેની ‘શાહજહાં’, ‘મેલા’, ‘અંદાઝ’, ‘દિલ્લગી’, ‘દુલારી’, ‘બાબુલ’, ‘દાસ્તાન’, ‘દીદાર’, ‘આન’, ‘બૈજુ બાવરા’, ‘અમર’, ‘શબાબ’, ‘ઉડન ખટોલા’, ‘મધર ઇન્ડિયા’, ‘કોહિનૂર’, ‘મુઘલ એ આઝમ’, ‘ગંગા જમુના’, ‘સન ઓફ ઇન્ડિયા’, ‘મેરે મેહબૂબ’, ‘લીડર’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘આદમી’, ‘પાલકી’, ‘સાથી’ના ગીત-સંગીત અને ‘પાકીઝા’નું પાશ્વસંગીત યાદ રહેશે.

ફિલ્મ સંગીતકાર ઉપરાંત હરીહરને ગયેલી ગઝલોના આલબમ ‘આઠવા સૂર’નું સંગીત નૌશાદનું હતું. તેમણે ‘માલિક’, ‘બાબુલ’ અને ‘ઉડન ખટોલા’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું તો ‘પાલકી’ અને તેમના દીકરા દ્વારા નિર્મિત ‘તેરી પાયલ મેરે ગીત’ ની કથા લખી હતી.

‘અકબર ધ ગ્રેટ’ અને ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’ જેવી ટીવી શ્રેણીનું પાશ્વસંગીત પણ નૌશાદે આપ્યું હતું. નૌશાદે ૮૬ વર્ષની ઉમરે ‘તાજ મહાલ: ઈટર્નલ લવ સ્ટોરી’ (૨૦૦૫) માટે સંગીત આપ્યું હતું. તેમના કાર્ય પર પાંચેક ફિલ્મો બની છે. તો તેમના જીવન ચરિત્રના પુસ્તકો પણ થયાં છે. જેમાં ગુજરાતી ‘આજ ગાવત મન મેરો’ પણ સામેલ છે. નૌશાદે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગેલી જમીન પર ‘નૌશાદ એકેડમી ઓફ હિન્દુસ્તાની સંગીત’ પણ બની હતી. પાંચ મે, ૨૦૦૬ના રોજ નૌશાદ સાહેબનું ૮૬ વર્ષની વયે નિધન થયું ત્યારે સુરતના સાહિત્ય સંગમમાં ભગવતીકુમાર શર્માના પ્રમુખ પદે તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

નૌશાદના યાદગાર ગીતો: અખિયાં મિલા કે, રીમઝીમ બરસે બાદારવા, જબ તુમ હી ચલે પરદેસ (રતન), આવાઝ દે કહાં હૈ, મેરે બચપન કે સાથી (અનમોલ ઘડી), જબ દિલ હી તૂટ ગયા, ગમ દિયે મુસ્તકિલ (શાહજહાં), અફસાના લિખ રહી હું (દર્દ), ભૂલનેવાલે યાદ ન આ (અનોખી અદા), ગાયે જા ગીત મિલન કે, ધરતી કો આકાશ પુકારે (મેલા), ઝૂમ ઝૂમ કે નાચો આજ, તું કહે અગર, ઉઠાયે જા ઉનકે સિતમ (અંદાઝ), તુ મેરા ચાંદ મૈ તેરી ચાંદની, મુરલીવાલે મુરલી બજા (દિલ્લગી), મિલતે હી આંખે, મેરા જીવનસાથી બિછડ ગયા, છોડ બાબુલ કા ઘર (બાબુલ), દેખ લિયા મૈને, ચમન કે રેહ કે વીરાના (દીદાર), તુઝે ખો દિયા મૈને (આન), તું ગંગા કી મૌજ મેં, બચપન કી મોહબ્બત કો, ઝૂલે મેં પવન કે, દૂર કોઈ ગાયે (બૈજુ બાવરા), ના મિલતા ગમ તો (અમર), જોગન બન જાઉંગી, ચંદન કા પલના (જોગન), મેરા સલામ લેજા, હમારે દિલ સે જાના, મોરે સૈયાજી ઉતરેંગે પાર હો (ઉડન ખટોલા), મતવાલા જીયા, નગરી નગરી દ્વારે દ્વારે (મધર ઇન્ડિયા), દો સિતારોં કા જમી પર હૈ મિલન, ચલેંગે તીર જબ દિલ પર (કોહિનૂર), જબ પ્યાર કિયા તો ડરના ક્યા,મોહે પનઘટ પે (મુઘલ એ આઝમ), ઢૂંઢો ઢૂંઢો રે સાજના, દો હંસો કા જોડા (ગંગા જમુના), નન્હા મુન્ના રાહી હું (સન ઓફ ઇન્ડિયા), મેરે મેહબૂબ તુઝે, યાદ મેં તેરી (મેરે મેહબૂબ), તેરે હુસન કી ક્યા તારીફ કરું, આજ હૈ પ્યાર કા ફૈસલા (લીડર), સાવન આયે યા ન આયે, ફિર તેરી કહાની યાદ આઈ (દિલ દિયા દર્દ લિયા), મૈને કબ તુજ સે કહા થા, આઈ હૈ બહારે (રામ ઔર શ્યામ), કલ કે સપને આજે ભી આના (આદમી), મેરા પ્યાર ભી તુ હૈ, હુસ્ન જાના ઇધર આ, મેરે જીવન સાથી (સાથી).

નૌશાદજીના નિધન સાથે મારી વ્યક્તિગત યાદ સંકળાઈ છે. ૨૦૦૬નું એ વર્ષ. ત્યારે મેં મિત્ર જનક નાયકને સૂચવેલું કે નૌશાદસાહેબની શોકસભા સાહિત્ય સંગમમાંયોજીએ. ભગવતીકુમારશર્માએ એ વિચાર વધાવીને કહેલું કે ‘હું નૌશાદ વિષે બોલીશ’. અમે નૌશાદ સાહેબ પર પહેલી દ્રશ્ય-શ્રાવ્ય રજૂઆત બે દિવસમાં તૈયાર કરી. અમે તેમના ૧૧૬ ગીતો ભેગા કરીને પહેલીવાર સીડી બનાવીને આખા પ્રેક્ષકગણને નિશુલ્ક વહેંચી. મને ત્યારે ભગવતીકુમારે ખુબ પ્રોત્સાહિત કર્યો હતો, ‘તમે આ કામ ઉપાડી લો. જુના કલાકારો અને જુના સંગીતને જાળવવા માટે થાય તે બધું તમે કરો.’ ત્યારથી આ ચૌદ વર્ષોમાં એ દિશામાં મેં ઊંડાણપૂર્વક કાર્ય કર્યું. મને વ્યક્તિગત રીતે તેનાથી ઘણો આનંદ મળ્યો છે અને પ્રેક્ષકો-શ્રોતાઓને પણ થોડો આનંદ આપી શકવાનું ગૌરવ છે.