Page Views: 18876

સુખની ચાવી

મયંકે આજે અચાનક પુછ્યું, "ગુરુજી સુખની ચાવી ક્યાં મળે અને કેવી હોય? "

સંવેદના સભર વાર્તાની સિરિઝમાં આજે માણો મોરબીના જાગૃતિ કૈલાની વાર્તા સુખની ચાવી, આખરે આ સંસારમાં જીવ માત્ર સુખની શોધમાં હોય છે વાસ્તવમાં કોણ સુખી છે એ નક્કી કરવાનું કામ ખુબ અઘરૂ છે. કદાચ આ વાર્તા વાંચ્યા પછી તમને તેનો ઉત્તર મળી જશે. હા આ વાર્તા આપને કેવી લાગી તે અંગે અમને વોટસએપ નંબર 91735 32179 ઉપર જણાવશો તો ગમશે...

વર્તમાનન્ચૂઝ.કોમ - જાગૃતિ કૈલા દ્વારા (મોરબી- સંકલન – નૂતન તુષાર કોઠારી)

મયંકના ગુરુજી એટલે મયંકનો જ મિત્ર રાઘવ, રાઘવ મયંકથી પાંચેક વર્ષ મોટો પણ મયંકની હર એક સમસ્યા નિવારણ રાઘવ પાસે થઈ જતું એટલે મયંક લાડમાં ગુરુજી કહેતો. 

મયંકે આજે અચાનક પુછ્યું, "ગુરુજી સુખની ચાવી ક્યાં મળે અને કેવી હોય? "

રાઘવે મયંક સામુ જોઈ અને થોડી વાર વિચાર્યું પછી કહ્યું, "તું પત્રકાર છો તો તને સુખી દેખાય એમના ઈન્ટરવ્યુ લઈ જો, પછી હું મારી વાત કરૂ. બરાબર? "

પછી બંને જુદા પડ્યા, મયંકને થયુ આમા શું મોટી વાત હમણાં જ ઈન્ટરવ્યુ લઈ આવું. 

મયંકે પહેલી જ પસંદગી કરી કલેક્ટરની, થોડા આડા અવળા સવાલ કરી પુછી જ લીધું, "આટલી નાની ઉંમર અને આટલુ માન, સન્માન, પૈસા તમે ખૂબ સુખી ગણાવ ખરૂ ને..? "

તરત જ કલેક્ટર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, "શું ખાખ સુખી..! પહેલા ભણ્યો અને હવે આ જવાબદારી..કંટાળી ગયો છું. " બીજા થોડા સવાલો પૂછ્યા અને મયંક નીકળી ગયો.

પછી મયંક ગયો ધનાઢ્ય શેઠ પાસે તો એ પૈસે ટકે સુખી પણ શરીર બિમારીનું ઘર એટલે તમે ખૂબ સુખી માણસ છો એમ કહ્યું તો શેઠ રાતા પીળા થઈ ગયા.

પછી મયંકે પસંદગી કરી એવા કપલની જેમને લવ મેરેજ કરેલા અને એક જ કંપનીમાં સાથે જોબ કરતાં હતાં એમને પુછ્યું કે "તમે તો ખૂબ સુખી પરિવાર છો ખરુ ને..? " ત્યાં તો બંને પતિ પત્ની એ દુઃખોનું લિસ્ટ બનાવી આપ્યું.

અંતે છેલ્લી પસંદગી એક બેંક કર્મચારીની લીધી અને પુછ્યું, "ફિક્સ પગાર, રિટાયર્ડ થયા પછી પણ ખૂબ સારી સુવિધા, હોસ્પિટલના ખર્ચ માટે પેકેજ આવુ તો ઘણુ બધુ.. તો તમે ખૂશ હશો બરાબર ને..?" ઓફિસર નિસાસો નાખતા કહે, "આ બધુ શું કામનું? વાપરનાર સંતાન જ નથી તો.. "

હવે મયંકે ગુરુજીને મળવાનું વિચાર્યું અને ગયો રાઘવ પાસે, આજે રાઘવે મયંકને એક ચાની લારી પર બોલાવ્યો હતો.

મયંક પહોંચ્યો એટલે રાઘવે બૂમ પાડી," છોટુ બે ચા આપજે" પંદરેક વરસનો છોકરો આવ્યો એક હાથ નહોતો, પગ જરા અચકાતો હતો પરંતુ આંખ અને ચહેરા પર ચમક હતી, મોં પર મીઠું સ્મિત અને વાતમાં ખુશીની લહેર, રાઘવે પુછ્યું, "શું છોટુ મોજમાં?" તરત જ છોટુ નિખાલસ હાસ્ય સાથે કહે, "હા શેઠ આપણે તો મોજ, હમણાં અહીંથી છુટીશ, રસોઈ બનાવી જમીશ અને પછી નો ફિકર.. આરામે આરામ." અને છોટુ મરકતા મુખડે ચાલ્યો ગયો.

અને રાઘવે મયંકને પુછ્યું "સુખની ચાવી મળી?"અને મયંકે પણ સંતોષકારક જવાબ આપ્યો ,"જી ગુરુજી અત્યારે જ મળી." અને રાઘવે પ્રેમથી મયંકની પીઠ થપથપાવી.