Page Views: 6421

અત્યારનો સમય વિદ્યાર્થીઓ માટે અપ સ્કીલિંગ અને રિસ્કીલિંગ માટેનો છે : મુકેશ વસાવા

કેરીયર ગાઇડન્સ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી તેમજ નેશનલ કેરીયર સર્વિસ વિશે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આસિસ્ટન્ટ ડાયરેકટર (એમ્પ્લોઇમેન્ટ) ઓફિસ / મોડેલ કેરીયર સેન્ટર– સુરત (ગુજરાત સરકાર)ના સંયુકત ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ કયા – કયા ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે તે અંગે તેઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવ ચાલી રહયો છે. સોમવાર, તા. ૩ મે ર૦ર૧ના રોજ રોજગાર કચેરી, સુરતના રિજનલ ડેપ્યુટી ડાયરેકટર મુકેશ વસાવાએ વિદ્યાર્થીઓને નેશનલ કેરીયર સર્વિસ તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. 

મુકેશ વસાવાએ વિદ્યાર્થીઓને સ્કીલ અપગ્રેડેશનની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને કારણે તેમજ ભવિષ્યમાં પણ ખૂબ જ મોટા ઉપાડે હેલ્થ સેકટરમાં નોકરીની વિપુલ તકો રહેનાર છે. એન્જીનિયરીંગ ક્ષેત્રમાં પણ સફળ કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીઓએ જુદી–જુદી સ્કીલ કેળવવી જોઇએ. જેમ કે તેઓને સોફટવેર આવડવા જોઇએ અને સાથે જ ઓનલાઇન પ્લેટફોર્મનો પણ સરળતાથી ઉપયોગ કરતા આવડવો જોઇએ. વિદ્યાર્થીઓ માટે લેવાતી ઓનલાઇન ટેસ્ટ જેવી કે એમકેટ અને ગેટ વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. અત્યારનો સમય વિદ્યાર્થીઓ માટે અપ સ્કીલિંગ અને રિસ્કીલિંગ માટેનો છે તેમ તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવ્યું હતું. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી., ઇન્ડિયન એન્જીનિયરીંગ સર્વિસની પરીક્ષા, ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત ગૌણ પસંદગી મંડળ, પોલીસ દળ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી વિશે માર્ગદર્શન આપ્યું હતું. યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી કરાવતું ઓનલાઇન પ્લેટફોર્મ અનએકેડેમિક વિશે તેમણે ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓ હાલ કોરોનાની સ્થિતિમાં ઘરે જ રહીને મોબાઇલમાં યુટયુબ પરથી કરન્ટ અફેર્સનું નોલેજ મેળવી શકે છે. અત્યારનો સમય પોતાનામાં ઇન્વેસ્ટ કરવા માટેનો સમય છે તે બાબતની તેમણે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. તેમણે કહયું હતું કે, જેની પાસે સ્કીલ હશે અને અપડેટ હશે એની જ નોકરી સુરક્ષિત છે. તેમણે નેશનલ કેરીયર સર્વિસ તથા વિદ્યાર્થીઓ માટેના તાલિમ ખાતા વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. એમ્પ્લોયર, એમ્પ્લોઇ અને વિદ્યાર્થીઓ માટે કેરીયર ગાઇડન્સ સંબંધિત વર્ચ્યુઅલ પ્લેટફોર્મ વિશે માહિતી આપી હતી. તેમણે કહયું કે, વિદ્યાર્થીઓ કોલ સેન્ટર ૬૩પ૭૩૯૦૩૯૦ ઉપર સવારે ૧૧થી સાંજે ૬ સુધી તેમજ નેશનલ કેરીયર સર્વિસના હેલ્પલાઇન નંબર ૧૮૦૦૪રપ૧પ૧૪ ઉપર સવારે ૮થી રાત્રે ૮ સુધી કારકિર્દી અને રોજગાર સંબંધિત માહિતી મેળવી શકે છે. તેમણે ઓનલાઇન પ્લેટફોર્મ મોડેલ કેરીયર સેન્ટર, સુરત વિશે માહિતી આપી હતી. સાથે જ નેશનલ કેરીયર સર્વિસની વેબસાઇટ www.ncs.gov.in ની મુલાકાત લેવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્સિસ કમિટીના એડવાઇઝર તથા લાયબ્રેરી કમિટીના ચેરમેન અજિત શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. આ વેબિનારને સફળ બનાવવા માટે રોજગાર કચેરી, સુરતના ડિસ્ટ્રીકટ કેરીયર કાઉન્સીલર બિપીન માંગુકીયા અને ડિસ્ટ્રીકટ એમ્પ્લોઇમેન્ટ ઓફિસર પારૂલ પટેલે વિશેષ સહયોગ આપ્યો હતો.