Page Views: 58239

કિરણ જેમ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરી 882 યુનિટ રક્તદાન કરાયું

કિરણ જેમ્સના સંચાલક વલ્લભભાઇ લાખાણી દ્વારા વિકટ પરિસ્થિતિમાં અનોખી સમાજ સેવા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ છે. હાલમાં સુરત શહેરની તમામ બ્લડ બેન્કમાં રક્તની અછત છે અને યુવાનોને કોરોનાનું વેક્સિનેશન શરૂ કરવામાં આવતા તબીબોના મત પ્રમાણે કોરોનાની રસી લેનારા વ્યક્તિ બે મહિના સુધી રક્તદાન કરી શકતા નથી. આવા સંજોગોમાં શહેરની બ્લડ બેન્કોમાં રક્તની અછત વધારે ઘેરી બને એવી દહેશત ઉભી થઇ છે. ત્યારે સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી કિરણ જેમ્સના સંચાલક વલ્લભભાઇ લાખાણીએ વરાછા રોડ ઉમિયાધામ નજીક આવેલા કિરણ જેમ્સ ખાતે કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે મેગા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં સુરતના લોક સમર્પણ રક્તદાન કેન્દ્રને 552 યુનિટ જ્યારે સ્મિમેર હોસ્પિટલના રક્તદાન કેન્દ્રને 330 યુનિટ રક્તદાન કિરણ જેમ્સ પરિવાર તરફથી કરવામાં આવ્યુ હતું. સુરત શહેરમાં રક્તની કારમી અછત છે અને બ્લડ બેન્કો દાતાઓને વિનંતી કરીને બ્લડ ડોનેશન માટે સતત મનાવવાના પ્રયાસો કરતી હોય છે. આવા સંજોગોમાં અણમોલ માનવ જિંદગીઓને બચાવવા માટે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરીને વલ્લભભાઇ લાખાણી અને સમગ્ર કિરણ જેમ્સ પરિવાર દ્વારા સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યુ છે. રક્તદાન શિબિરને સફળ બનાવવામાં વરૂણભાઇ લાખાણી, નીતિનભાઇ સવાણી, વશરામભાઇસ હરીભાઇ કથિરિયા, જયસુખભાઇ ઝાલાવાડિયા, ડો.સુભાષ ખેની સહિતના અગ્રણી મહાનુભાવોનો સહકાર મળ્યો હતો.