Page Views: 10900

નિવૃત મહિલા પ્રોફેસરે આઇસોલેશન સેન્ટરમાં મહિલા કર્મચારીઓને પગાર ચુકવ્યો

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નાના વરાછા કોમ્યુનિટી હોલ ખાતે ચલાવાતા આઇસોલેશન સેન્ટરમાં કામ કરતી મહિલા કર્મચારીઓને એક લાખના દાનમાંથી પગાર કરાયો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

કોરોના આઇસોલેશન સેન્ટરમાં જીવના જોખમે સેવાભાવી કાર્યકર્તાઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવા આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતા પેરા મેડીકલ સ્ટાફને પગાર ચુકવવા માટે એક નિવૃત મહિલા પ્રોફેસરે નિર્ણય લીધો હતો. નિવૃત મહિલા પ્રોફેસર કોકિલાબેન મજીઠીયાએ તેમના પેન્શન અને નિવૃતિ મુડીમાંથી આજે કોરોના આઇસોલેશન સેન્ટરમાં આરોગ્ય સેવા આપતી બહેને તેમના પગારના ચેક આપ્યા હતા. નાના વરાછા કોમ્પ્યુનિટી હોલ ખાતે સંસ્કૃતિ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા વતી આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતી કું.દિપાલી રાજેશભાઇ કીકાણી, ભૂમિકા દેવરાજભાઇ મીરોલિયાને પગારના ચેક કોકીલાબેન તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉત્રાણ ગામ ખાતે કોમ્પ્યુનિટી હોલમાં લાઇફ લાઇન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કોરોના આઇસોલેશન સેન્ટરમાં કામ કરતા કલ્પનાબેન પરમાર, અરવિંદભાઇ ચાવડાને તેમની સેવાના મુલ્ય પેટે ચેક આપવામાં આવ્યા હતા.

કોરોનાની મહામારીમાં લોકોને મદદરૂપ થવા માટે સુરતમાં અનેક કોરોના આઇસોલેશન સેન્ટર શરૂ થયા છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી સુરત અને અન્ય દાતાઓ અને સંસ્થાઓ તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. 60થી વધારે સંસ્થા ભેગી મળીને શરૂ કરેલા આ સેવા સંસ્થાના માધ્યમથી પંદર જેટલા આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. એક નિવૃત પ્રોફેસર તરીકે હવે કોકીલાબેન સેવા નહીં કરી શકે પરંતુ સેવા કરતા વ્યક્તિને હું પગાર આપીશ એવી સંવેદના સાથે તેમણે દાન આપવાનો સંકલ્પ કર્યો હતો.

આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતને કોકીલાબેન મજીઠીયાએ રૂપિયા એક લાખનો ચેક કોરોના કેર ફંડમાં આપ્યો હતો. ફંડમાંથી સમાજ મહિલા સ્ટાફને વેતન ચુકવશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, ઇનર વ્હીલ ક્લબના શ્રીમતી જયશ્રી બેન કાનજીભાઇ ભાલાળા સહિત સવજીભાઇ વેકરિયા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઇ કથિરીયા વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.