Page Views: 12545

જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી તેમજ ફેશન ડિઝાઇનીંગમાં કારકિર્દીની વિપુલ તકો

ચેમ્બર દ્વારા કરીયર ગાઇડન્સ મહોત્સવના ભાગરૂપે વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આસિસ્ટન્ટ ડાયરેકટર (એમ્પ્લોઇમેન્ટ) ઓફિસ / મોડેલ કેરીયર સેન્ટર– સુરત (ગુજરાત સરકાર)ના સંયુકત ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ કયા – કયા ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે તે અંગે તેઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. શનિવાર, તા. ૧ મે ર૦ર૧ના રોજ બારમા દિવસે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં તેમજ ફેશન ડિઝાઇનીંગમાં રહેલી કારકિર્દીની વિપુલ તકો વિશે વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટીટયુટના ઓપરેશન એન્ડ ટ્રેનિંગ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર હિતેશ વર્માએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે ડાયમંડ જેમ્સ એન્ડ જ્વેલરીમાં કારકિર્દીની ઉજ્જ્વળ તકો રહેલી છે. ધોરણ ૧ર બાદ વિદ્યાર્થીઓ તેમના ત્યાં ત્રણ વર્ષનો કોમ્પ્યુટર પ્રોગ્રામ કરી શકે છે અને ત્યારબાદ તેઓને નોકરી શોધવાની જરૂર રહેતી નથી. કારણ કે, પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને છ મહિનાની ઇન્ટરશિપ મળે છે અને તેમની ઇન્સ્ટીટયુટ જ વિદ્યાર્થીઓને કંપનીઓમાં નોકરીએ લગાવી દે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ જેમોલોજિસ્ટ, ડાયમંડ ગ્રેડર, જ્વેલરી ડિઝાઇનર, કવોલિટી કન્ટ્રોલર, સેલ્સ મેનેજર અને માર્કેટીંગ મેનેજર તરીકે કારકિર્દી બનાવી શકે છે. માત્ર ડાયમંડનો કોર્સ કરનાર વિદ્યાર્થી પ્લાનર, પોલીશર અને લેસરનું કામ કરી શકે છે. જ્યારે તેઓ ઉદ્યોગ સાહસિક બની પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. તેમણે કહયું કે, વિદ્યાર્થીઓ કોલેજમાં એક્ષ્ટર્નલ પ્રવેશ મેળવીને તેમની ઇન્સ્ટીટયુટમાં કોમ્પ્યુટરનો પ્રોગ્રામ કરી શકે છે. એક તરફ તેઓ પ્રોગ્રામ પૂર્ણ કરે છે અને બીજી તરફ તેઓ ગ્રેજ્યુએટ પણ થઇ જાય છે. આથી અનુભવ અને ડીગ્રીને આધારે તેઓ જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સારી જગ્યાએ નોકરી મેળવી શકે છે.ચેમ્બરના ગૃપ ચેરપર્સન તેમજ સુરત એપરલ એકેડમીના પ્રોપરાઇટર ડો. બંદના ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઇનીંગમાં યુવા વર્ગ માટે ઘણી ઉજ્જ્વળ તકો રહેલી છે. ફેશન ડિઝાઇનીંગનો બે વર્ષનો કોર્સ કર્યા બાદ વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનર, ગારમેન્ટ મેન્યુફેકચરર, એકસપોર્ટ હાઉસમાં ડિઝાઇનર, પ્રોડકશન મેનેજર અને કવોલિટી કન્ટ્રોલર તરીકે કારકિર્દી બનાવી શકે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાતી મોડલીંગ ઇન્ડસ્ટ્રીમાં પણ વિદ્યાર્થીઓ મોડલ, કોરીયોગ્રાફર, ફેશન બ્લોગર અને ફેશન કોલમીસ્ટ તરીકે કારકિર્દી બનાવી શકે છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ અને એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રી વિકસિત થઇ છે. આથી ફેશન ડિઝાઇનીંગના વિદ્યાર્થીઓ એમ્બ્રોઇડરી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની કારકિર્દી બનાવી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કોર્સ દરમ્યાન વિદ્યાર્થીઓને ટેકસટાઇલ ડિઝાઇનીંગ પણ ભણાવવામાં આવે છે. આથી ફેશન ડિઝાઇનીંગના વિદ્યાર્થીઓ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેઇનમાં સમાવિષ્ટ વિવિધ સેકટરોમાં કારકિર્દી બનાવી શકે છે. પરંતુ માત્ર ટેકસટાઇલ ડિઝાઇનીંગનો કોર્સ કરનાર વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનીંગમાં કારકિર્દી બનાવી શકતા નથી. આથી તેમણે વિદ્યાર્થીઓને ફેશન ડિઝાઇનીંગનો કોર્સ કરવાની સલાહ આપી હતી. વધુમાં તેમણે કહયું કે, આ કોર્સ થકી વિદ્યાર્થીઓ માત્ર રોજગારી જ નહીં મેળવતા પણ સમાજની પણ સેવા કરી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે પોતે ગારમેન્ટ ડિઝાઇન કરે છે અને તેઓને વિના મૂલ્યે આપી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવે છે.