Page Views: 12806

કોહીનુર માર્કેટના વેપારીને આગથી થયેલી નુકસાનીની કાપી લીધેલી રકમ રૂ.52.37 લાખ ચુકવવા વીમા કંપનીને હુકમ

માર્કેટના વેપારીના સ્ટોકની ગણતરીમાં સર્વેયરે પોતાની મનમાની કરીને રકમ લખી હતી જેની સામે વેપારીએ સ્ટેટ કન્ઝ્યુમર ફોરમમાં પોતાના એડવોકેટ શ્રેયસ દેસાઇ મારફત ઘા નાખી હતી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના રિંગરોડ પર આવેલી કોહીનુર ટેક્ષટાઈલ માર્કેટમાં આઠ વર્ષ અગાઉ લાગેલી આગમાં માલની નુકશાનીનો ક્લેઈમ ટેક્સટાઇલના વેપારી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ક્લેઇમની રકમ ખોટી રીતે કાપીને સર્વેયરના રિપોર્ટ મુજબ ક્લેઈમની રકમ સ્વીકારવા દબાણ કરનાર વીમા કંપનીની અનફેર ટ્રેડ પ્રેકટીશ બદલ સ્ટેટ કમિશને એડવોકેટ શ્રેયસ દેસાઇનની દલીલોને ગ્રાહ્ય રાખીને વીમા કંપનીનો કાન આમળી સુરતના ટેક્ષટાઈલ ટ્રેડર્સને  વાર્ષિક 9  ટકાના વ્યાજ સહિત 52.37 લાખ તથા ત્રાસ બદલ 10 હજાર રૂપુયી અલગથી ચુકવવા ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.

કોહીનુર ટેક્ષટાઈલ માર્કેટમાં 20 જેટલી દુકાન ધરાવતા ફરિયાદી સાલાસર લીન ડ્રેસ ફેબ પ્રા.લિ.ના ફરિયાદી સંચાલક પોતાની દુકાનોના માલસ્ટોકનો વર્ષ-2012-13 માટે કુલ રૃ.1.5 કરોડનો વીમો ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી લીધો હતો. જેની પોલીસી અમલમાં હોવા દરમિયાન તા.13-5-12 ના રોજ કોહીનુર ટેક્ષટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. જે આગમાં ફરિયાદીની દુકાનમાં રહેલા 1.63  કરોડની કિંમતના માલ સ્ટોક પૈકી 91.64 લાખની કિંમતના માલને નુકશાન જતાં વીમા કંપની પાસે ક્લેઈમ કર્યો હતો.પરંતુ વીમા કંપનીના સર્વેયરે આગ વખતે માલનો સ્ટોક 1.21 કરોડનો હોવાનું માનીને 38.76 લાખનો કલેઈમ ચુકવવાપાત્ર હોવાનું જણાવીને સ્વીકારવા માટે દબાણ કર્યું હતુ. જેથી આગથી થયેલા મોટા નુકશાનના લીધે નાણાંભીડ અનુભવતા ફરિયાદી વેપારીએ વીમા કંપનીના સર્વેયરના નમૂના મુજબ એફીડેવિટ કરવાની ફરજ પડી હતી. જેના પર વાંધા સાથે સ્વીકાર કરતા હોવાનું પણ નોધ કરવાની છુટ ન હતી. ફરિયાદીએ સર્વેયરના રીપોર્ટ મુજબની ક્લેઈમની 38.76 લાખની રકમ સ્વીકાર કર્યાની જાણ કરી વીમા કંપનીએ બાકીની રકમ ચુકવી આપવા માંગ કરી હતી.પરંતુ વીમા કંપનીએ દાદ ન આપતાં ફરિયાદીએ એડવોકેટ શ્રેયશ દેસાઈ મારફતે વીમા કંપનીએ ખોટી રીતે કાપી લીધેલી ક્લેઈમની બાકી રકમ 52.87 લાખ વ્યાજ સહિત વસુલ અપાવવા સ્ટેટ કમિશનમાં ધા નાખી હતી. જેની સુનાવણી બાદ ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના મેમ્બર શ્રીમતી જે.વાય.શુક્લાએ વીમાદાર વેપારીની તરફેણમાં ચુકાદો આપીને વીમા કંપનીને 7 ટકાના વ્યાજ સહિત ખોટી રીતે કાપી લીધેલી ક્લેઈમની રકમ ત્રણ માસમાં  ચુકવવા હુકમ કર્યો છે. જો  વીમા કંપની ન ચુકવે તો ત્રણ માસ પછી 9 ટકાના વ્યાજ સહિત ક્લેઈમ ચુકવવા નિર્દેશ આપ્યો છે. વીમા કંપનીના સર્વેયર દ્વારા ખોટી રીતે કાપવામાં આવેલી ક્લેઇમની રકમ મળવા પાત્ર બની છે.