Page Views: 6955

ટોળાં ભેગા કરવા એ માનવ સહજ નબળાઇ છે પણ એકલો જાજે રેની માનસિકતા ઉભી કરનાર ગુજરાતની અસ્મિતા છેઃ ડો. જય નારાયણ વ્યાસ

ચેમ્બર દ્વારા ડો. જયનારાયણ વ્યાસ સાથે ‘ગુજરાત અને ગુજરાતની અસ્મિતા’વિશે વેબિનાર યોજાયો

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧ મે ર૦ર૧ના રોજ ‘ગુજરાત અને ગુજરાતની અસ્મિતા’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતને ખૂબ જ નજીકથી ઓળખનારા ડો. જયનારાયણ વ્યાસે સંઘર્ષ, સમન્વય, સંવાદ અને સિદ્ધીથી ગુજરાતની અસ્મિતાની વિસ્તૃત સમજણ આપી હતી. 

ડો. જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાને શબ્દોથી વર્ણવા જેવી નથી. તેના રગેરગમાં, ટીપેટીપે અને રૂવાડે રૂવાડે સંસ્કારિતા છે. ગુજરાતમાં ધ્યેય સાથે મથવાની અસ્મિતા છે. રણછોડલાલ રેંટિયાવાળાએ અમદાવાદમાં પહેલી કાપડ મીલ નાંખી હતી અને ત્યારબાદ ગુજરાતમાં કાપડ ઉદ્યોગનો પાયો નંખાયો હતો. તે સમયે પણ અમદાવાદ ગુજરાતનું આર્થિક વ્યવસ્થાપનનું કેન્દ્ર હતું. જ્યારે સુરત, ભરૂચ અને ઘોઘા એ ગુજરાતનાં મુખ્ય બંદર હતાં. 

તેમણે કહયું કે, ગુજરાતમાં કયારેય કોમવાદનું વેર સાંભળ્યું નથી. અકબર રાજાનાં રાણી જોધાબાઇને શાંતિદાસ જેવા શેઠે આશ્રય આપ્યો હતો. ભરૂચના ઐયાઝ મલેક જીવ્યા ત્યાં સુધી પોર્તુગીઝોને ગુજરાતની ધરતી પર પગ મુકવા દીધો નહીં. ગુલામમાંથી સેનાપતિ બનેલા બાબા ઘોરે અકીક ઉદ્યોગની સ્થાપના કરી હતી. ઔરંગઝેબ દ્વારા જ્યારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહયું હતું ત્યારે સુરતમાં જૈન અને વૈષ્ણવ મહાજનોના આગેવાનો વીરજી વોરા અને ભીમજી પારેખે શાંતિપૂર્ણ સત્યાગ્રહ કરી ઔરંગજેબને નમાવી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરી હતી. તેમણે નાનજી કાળીદાસ, કાનજી માલમ અને રામજી માલમનો ઉલ્લેખ કર્યો હતો. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતા એટલે કરૂણા છે. મહાત્મા ગાંધીજીએ જ્યારે દેશમાં લોકોની પરિસ્થિતિને નજીકથી જોઇ ત્યારે તેમણે પોતાના શરીરના અડધા કપડાનો ત્યાગ કર્યો હતો. જ્યારે મારા દેશમાં લોકોને તન ઢાંકવા પૂરતાં કપડા નથી મળતા ત્યારે હું કપડાંનો વૈભવ કરું તે યોગ્ય નથી એવું કહીને મહાત્મા ગાંધીએ અડધા કપડાનો ત્યાગ કર્યો હતો. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલ અને તેમની પુત્રીની સાદાઈનો પણ દાખલો આપ્યો હતો. 

તેમણે કહયું કે, અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં નાંખી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉઠી જવાની સ્થિતિમાં હતી ત્યારે સુરતના આત્મારામ ભુખણની કંપનીએ અંગ્રેજોને રૂપિયા એક લાખની આંટ આપી હતી. સુરતના ભીમજી પારેખ એ પ્રિન્ટીંગ મશીન લઇ આવ્યા હતા. જ્યારે સુરતના બીજા મહાજન વીરજી વ્હોરાએ આ દેશમાં ચા અને કોફી આયાત કરવાનુ શરૂ કર્યું હતું. વીર નર્મદે સુરતને સરસ્વતીને ખોળે માથું મૂકી જીવવાની ખુમારીનો પરિચય આપ્યો હતો. ચં.ચી. મહેતાએ પોતાના પુસ્તકમાં જૂના અંબાજી માતાના મંદિરે જે ગરબા રમાતા હતા તેનું રસપ્રદ વર્ણન કર્યું છે. 

વધુમાં તેમણે કહયું કે, અસ્મિતા એટલે તમારી જાતને સિદ્ધાંતોમાં ઓગાળી દેવી. રસિકલાલ પરીખ જ્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહમંત્રી હતા ત્યારે પોલીસની સાથે બહારવટીયાને પકડવા રિવોલ્વર લઇને પહોંચી જતા હતા.  પત્રકારત્વ થકી અમૃતલાલ શેઠે અને સોરઠી ધરાના ધીંગા સાહિત્યકાર મેઘાણીએ ગુજરાતની અસ્મિતા વધારી છે. ભાવનગરનાં કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલનાં ભગવતસિંહજી કે પછી વડોદરાનાં સર સયાજી રાવ ગાયકવાડની રાજ્યવ્યવસ્થા સુશાસનનો પર્યાય બની. 

ગાંધીજીનાં અગિયાર મહાવ્રત જેમાં સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું; બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું, અભય, સ્વદેશી, સ્વાદત્યાગ ને સર્વ ધર્મ સરખા ગણવા; એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવાંની શીખનું આચરણ એ ગુજરાતની અસ્મિતા છે. ભક્ત કવિ નરસૈયો કે પછી અખો, ગુજરાતની અસ્મિતા છે. વધુમાં તેમણે કહયું કે, ટોળાં ભેગા કરવા એ માનવ સહજ નબળાઇ છે પણ એકલો જાજે રેની માનસિકતા ઉભી કરનાર ગુજરાતની અસ્મિતા છે. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સંચાલન કર્યું હતું.