Page Views: 16965

સુરતના પિંજરતગામ ખાતેથી ગ્લુકોઝ અને પાણીથી બનાવેલા રેમડિસિવિર ઇન્જેકશનનો જથ્થો ઝડપાયો- પાંચ હજાર ઇન્જેકશન દર્દીઓને વેંચી દીધાનો પર્દાફાશ

સુરતનો કૌશલ વોરા મુખ્ય ભેજાબાજ- અન્ય છ આરોપી પણ ઝડપાયા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને રેમડેસિવીર ઇન્જેક્શનથી કોરોનાના દર્દીઓને રાહત થતી હોવાથી કોરોનાના દર્દીના સગાઓ આ ઇન્જેક્શન મેળવવા માટે મોં માંગી કિંમત આપવા રાજી થઇ જાય છે. ત્યારે સુરત નજીકના ઓલપાડના પીંજરત ગામ ખાતે ફાર્મ હાઉસમાંથી બનાવટી રેમડેસીવીર ઇન્જેકશન બનાવવાની આખી ફેક્ટરી સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઝડપી પાડી છે. થોડા દિવસ પહેલા મોરબી અને બે દિવસ પહેલા વડોદરામાં નકલી ઇન્જેક્શન પકડાયા હતા અને હાલ તેનું સીધુ કનેક્શન સુરતના ઓલપાડમાં આવેલા પિંજરત ગામમાં ખુલ્યું છે. જ્યાં એકસાથે હજારો નકલી ઇન્જેક્શન અને ખોખાને ખોખા મળી આવતા ચારેબાજુ હાહાકાર મચી ગયો છે.

સુરતના ઓલપાડ વિસ્તારમાં આવેલા પિંજરત ગામના રોયલ વિલા ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ ઈન્જેક્શન બનાવવામાં આવતા હતા.જેમાંથી પાંચ હજાર ઈન્જેક્શન વેચી મરાયા હોવાનો ખુલાસો થયો છે. સાથે જ 60 હજાર જેટલા ડુપ્લિકેટ ઈન્જેક્શનનો સ્ટોક સાથે સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યાં છે.પકડાયેલામાં મહારાષ્ટ્ર અને બિહારના લોકો હોવાનું સામે આવ્યું છે. ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે. ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં. નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે.અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ વડોદરા અને મોરબીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

મોરબીથી તપાસનો રેલો પિંજરત સુધી પહોંચ્યો અને સુરતનો મુખ્ય ભેજાબાજ

મોરબીમાંથી ઝડપાયેલા નકલી રેમડેસિવીર ઇન્જેક્શનની તપાસ કરતા જુહાપુરાના મહમદ આસીમ ઉર્ફે આસીફ રમીઝ કાદરીનું નામ ખુલ્યું હતું. મોરબી પોલીસે જુહાપુરા ખાતે છાપો મારીને મહમદ આસીમને રૂ.56 લાખ 16 હજારની કિંમતના ડુપ્લીકેટ ઇન્જેકશન સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી 17 લાખ 37 હજાર 700 મળ્યા હતા. તેની તપાસમાં આ ઇન્જેકશન સુરતના અડાજણમાં રહેતા કૌશલ મહેન્દ્ર વોરા દ્વારા સપ્લાય કરાયાનું ખુલ્યું હતું. મોરબી પોલીસે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને ઓલપાડના પિંજરત ગામ ખાતે આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં છાપો માર્યો હતો અને ત્યાંથી કૌશલના ભાગીદાર મુંબઇના થાણે ખાતે રહેતા પુનિત ગુણવંતલાલ શાહ સહિત મહમદ આસીમ, રમીઝ સૈયદ હુસેન કાદરી, રાહુલ અશ્વીન કોટેચા, રવિરાજ ઉર્ફે રાજ મનોજ હીરાણી વિગેરેને ઝડપી પાડ્યા છે.

કેટલો મુદામાલ હાથ લાગ્યો....

ભેળસેળ યુક્ત નકલી રેમડેસીવીર ઇન્જેકશન નંગ-3371 રૂ.એક કરોડ 61 લાખ 80 હજાર 800

ઇન્જેકશન વેંચાણના રૂ.90 લાખ 27 હજાર 500

ખાલી વાયલ (બોટલ) 63 હજાર 138 નંગ-રૂ.1 લાખ 89 હજાર 414

નવ નંગ મોબાઇલ રૂ.1 લાખ 50 હજાર

એપલ કંપનીનું લેપટોપ રૂ.1 લાખ 75 હજાર

ગ્લુકોઝ પાવડર થેલી-40 નંગ રૂ.8000

રેમડેસીવીર લખેલા સ્ટીકર- 262 પાના- કિંમત રૂ.78 હજાર 600

વજન કાંટા- ચાર નંગ

ઇનોવા કાર રૂ.8 લાખ