Page Views: 13302

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં મધરાતે આગ-કોરોનાના દર્દીઓ સહિત 18ના કમકમાટી ભર્યા મોત

મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનાની તપાસ માટે બે આઇએએસ અધિકારીને ભરૂચ રવાના કર્યા

ભરૂચ-વર્તમાનન્યૂઝ.કોમ

રાજ્યમાં કોરોનાની મહામારી સાથે કોવિડ હોસ્પિટલોમાં આગની દુર્ઘટનાઓમાં પણ ભયંકર વધારો થઇ રહ્યો હોય એવુ લાગી રહ્યું છે. ગઇ મધરાતે ભરૂચના  જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગતા કોરોનાના 12 દર્દીઓ સહિત કુલ 18 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત થયા છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ બે આઇએએસ અધિકારીને સોંપી છે.  

મળતી વિગતો અનુસાર, જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 18 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા. હોસ્પિટલમાં મધ્યરાત્રીએ લાગેલી ભયંકર આગમાં 12 દર્દીઓ સહિત 18 લોકો બેડમાં બળીને ખાક થઇ ગયા હોવાનુ પ્રથામિક તબક્કે જાણવા મળી રહ્યું છે. જ્યારે અન્ય દર્દીઓને બીજી હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યૂલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફલો અને ફાયર બ્રીગેડના 12થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ICU વોર્ડમાં 27 દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જેમાંથી અનેક દર્દીઓ બેડ પર જ જીવતા ભડતું થઈ ગયા છે. આગની દુર્ઘટના અંગે મુખ્યંમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને બે આઇએએસ અધિકારીઓને સમગ્ર ઘટનાની તપાસ માટે ભરૂચ રવાના કર્યાનું જાણવા મળે છે.