Page Views: 14534

મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સુરતના નાગરિકોને વિનામૂલ્યે મળશે એક લાખનું કોરોના વીમા કવચ

મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સુરતના નાગરિકો માટે આવતી કાલથી સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શુભારંભ

એક કરોડ રૂ.ના પ્રીમિયમ સામે સો કરોડ રૂ.ની સમ એસ્યોર્ડ રકમ થાય છે, શુભારંભ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે, આખા કાર્યક્રમનું યુ ટ્યુબ મુક્તિતિલક ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે

 

સુરત : વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના તમામ સમાજના 18 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈ બહેનો માટે સુરતની સેવાભાવી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલી શ્રી રત્નસાગર જૈન વિદ્યાશાળામાં તા- 1લી મે શનિવારે સવારે 10 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે શુભારંભ થશે.

આ યોજનાનું સંચાલન શહેરની જાણીતી સંસ્થા મુક્તિતિલક ફાઉન્ડેશનના ચેરમેન શ્રી સુરેશ ડી. શાહ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. સુરેશ ડી. શાહ દ્વારા સંઘના, સમાજના અને શહેરની જનતા માટે સેવાના કાર્યો થઈ રહ્યા છે. એમાં આ એક નવું નજરાણું ઉમેરાઈ રહ્યું છે. વિશ્વમાં જ્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે દરેક સંસ્થા, વ્યક્તિ અલગ અલગ રીતે સેવા કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા તદ્દન અલગ પ્રકારનું આયોજન કરીને શહેરના તમામ લોકો માટે કોરોના વીમા કવચ લેવામાં આવશે. જેમાં 18 થી 65 વર્ષ સુધીની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ એસ.બી.લાઈફ ઇંશોરન્સ કંપનીની કોરોના રક્ષક પોલિસીની ટર્મ 195 દિવસની છે. અને વિમાની રકમ 1 લાખની રહેશે. પોલિસી સૌએ ઓનલાઇન લેવાની રહેશે. દરેક વ્યક્તિનો સમય બચે તેથી વ્યક્તિએ જાતેજ ઓનલાઇન પોલિસી લેવાની છે. જેમાં એસ.બી.આઈ. લાઈફ ઇંશોરન્સ કંપની દ્વારા માગેલા ડોક્યુમેન્ટની પૂર્તિ થતા પોલિસી મળી જશે. આ પોલિસી તા-1લી મે થી 5મી મે સુધીમાં લઈ લેવાની રહેશે. આ સમયગાળામાં જ લીધેલી પોલિસીનું પ્રીમિયમ મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા તમને પરત કરવામાં આવશે. 

વ્યક્તિ જાતે ઓનલાઇન પોલિસી લે ત્યારે તેનું પ્રીમિયમ તેણે જાતે જ ઓનલાઇન કરવાનું છે. જ્યારે વિમાની પોલિસી મળે ત્યારે પોલિસીની ઝેરોક્ષ, આધારકાર્ડ અને સંસ્થાનું એક ફોર્મ ભરશો એટલે તમારી ચૂકવેલી પ્રીમિયમની પુરેપુરી રકમ તમને મુક્તિતિલક ફાઉન્ડેશન દ્વારા પરત મળી જશે. 

આ યોજના શરૂ કરવા માટેનો હેતુ વર્તમાનમાં કોરોનાની કપરી પરિસ્થિતિ છે ત્યારે વ્યક્તિને આપણે કઈ રીતે મદદરૂપ થઇ શકીએ તેવા ભાવથી કરવામાં આવ્યો છે. આ યોજના સુરત શહેરના કોઇપણ સમાજના 18 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈઓ બહેનો માટે છે. 

આ યોજનાનું ઉદ્ઘાટન તા-1લી મે શનિવાર સવારે 10 વાગ્યે ગોપીપુરા સ્થિત રત્નસાગર સ્કૂલમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના વરદહસ્તે થશે. આ પ્રસંગે શ્રીમતિ દર્શનાબેન જરદોશ, નિરંજનભાઈ ઝાંઝમેરા, હર્ષભાઈ સંઘવી, અરવિંદભાઈ રાણા, સંગીતાબેન પાટીલ, મેયર હેમાલિબેન બોઘાવાળા, ડેપ્યુટી મેયર દિનેશભાઇ જોધાણી, પરેશભાઈ પટેલ, કિશોરભાઈ બિંદલ તેમજ કોર્પોરેટર મહાનુભાવો તથા સુરત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. 

આ આખો કાર્યક્રમ વર્તમાન કોવિડની સ્થિતિના કારણે યુ ટ્યુબ 'મુક્તિતિલક' ચેનલ પર લાઈવ કરવામાં આવશે. કાર્યક્રમના શુભારંભ દરમિયાન આ પોલિસી અંગેની તમામ માહિતી દર્શકોને ઓનલાઇન આપવામાં આવશે. પોલિસી ક્યારે, કઈ રીતે લેવી, પ્રીમિયમ કઈ રીતે પરત મેળવવું તે તમામ માહિતી ઘર બેઠા મુક્તિતિલક ચેનલ પર જોવા મળશે. 

આ પોલિસી માત્ર કોરોનાની સારવાર માટેની છે. તેમાં બીજીકોઈ સારવાર મળી શકશે નહીં. સરકાર માન્ય કોવિડ રિપોર્ટ અને સરકારમાન્ય હોસ્પિટલમાં 3 દિવસ વ્યક્તિ દાખલ થાય તો આ પોલિસીની એક લાખ રૂપિયા રકમ મળે છે. અમારી સંસ્થાનો એવો આશય છે કે શહેરના નાગરિકો વધુ સંખ્યામાં આ પોલિસી લે અને તેના પ્રીમિયમનો લાભ ભક્તિ સ્વરૂપે અમારી સંસ્થાને મળે. જો દસ હજાર લોકો આ પોલિસી લે તો એક વ્યક્તિના એક લાખ રૂ. ના વીમા પ્રમાણે લગભગ પ્રીમિયમ એક કરોડ જેટલું થાય. અને તેની વિમાની રકમ સો કરોડ થાય છે. આપ સૌને વિનંતી છે કે આપ આ સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો લાભ એસ.બી.આઈ. લાઈફ ઇંશોરન્સની કોરોના રક્ષક પોલિસી દ્વારા લો અને દેશને સમૃદ્ધ બનાવો.