Page Views: 4133

ચેમ્બર દ્વારા વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ એજ્યુકેશન એન્ડ જોબ સકસેસ વિશે માહિતી અપાઇ

કેરીયર ગાઇડન્સ મહોત્સવ અંતર્ગત દર રોજ વિદ્યાર્થીઓને અપાય છે માર્ગદર્શન

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને આસિસ્ટન્ટ ડાયરેકટર (એમ્પ્લોઇમેન્ટ) ઓફિસ / મોડેલ કેરીયર સેન્ટર– સુરત (ગુજરાત સરકાર)ના સંયુકત ઉપક્રમે ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ કયા – કયા ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે તે અંગે તેઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કેરીયર ગાઇડન્સ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. શુક્રવાર, તા. ૩૦ એપ્રિલ ર૦ર૧ના રોજ અગ્યારમા દિવસે ‘મેનેજમેન્ટ એજ્યુકેશન (બીબીએ – એમબીએ) એન્ડ જોબ સકસેસ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીના પ્રોફેસરો ડો. ૠત્વી, કૃણાલ પટેલ, વિશ્વજીત બારકોડા અને સના મિસ્ત્રી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ડો. ૠત્વીએ જણાવ્યું હતું કે, બારડોલી પ્રદેશ કેળવણી મંડળ દ્વારા ઉકા તરસાડીયા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. બારડોલીના માલીબા કેમ્પસમાં વિદ્યાર્થીઓ શહેરના ઘોંઘાટથી બહાર નીકળીને અભ્યાસ ઉપર ફોકસ કરી શકે તે હેતુથી અહીં યુનિવર્સિટીની સ્થાપના કરાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટીમાં ફાર્મસી, ફિઝીયોથેરાપી, મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર સાયન્સ વિગેરે જુદી–જુદી આઠ શાખાઓ છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ જુદી–જુદી શાખાનો અભ્યાસ કરીને કારકિર્દી બનાવી શકે છે.

કૃણાલ પટેલે ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ટીગ્રેટેડ એમબીએ પ્રોગ્રામ અંતર્ગત ધોરણ ૧રના વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનની સાથે માસ્ટર ડીગ્રી પણ મેળવી શકે છે. જેમાં ત્રણ વર્ષનો બીબીએ અને બે વર્ષનો એમબીએ પ્રોગ્રામ હોય છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને યુએસ તથા અન્ય દેશોમાં જઇને કારકિર્દી બનાવવામાં રસ હોય તેઓ હોટેલ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો કોર્સ કરીને આગળ વધી શકે છે. સામાન્યપણે આ કોર્સ ત્રણથી ચાર વર્ષનો હોય છે. તદુપરાંત મેનેજમેન્ટની સાથે લોની શાખા સાથે સંલગ્ન એવો બીબીએ એલએલબી ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રૂરલ વિસ્તારમાં સ્મોલ અને માઇક્રો બિઝનેસ એન્ટરપ્રાઇઝીસ હોય છે. સાથે જ એગ્રીકલ્ચર બિઝનેસનું અસરકારક સંચાલન કરવા માટે વિદ્યાર્થીઓ રૂરલ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરી શકે છે. આ પ્રોગ્રામ ત્રણ વર્ષનો હોય છે અને છ સેમેસ્ટરની અંદર વિદ્યાર્થીઓ ભણી શકે છે. વધુમાં તેમણે કહયું કે, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર સ્પેશ્યલાઇઝેશન કરી શકાય છે. ત્રીજા વર્ષે તેઓ સ્પેશ્યલ વિષય પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓ ફાયનાન્સ, માર્કેટીંગ, હયુમન રિસોર્સ, આંત્રપ્રિન્યોરશિપ અને ઇન્ટરનેશનલ બિઝનેસ પસંદ કરીને આગળ વધી શકે છે.

વિશ્વજીત બારકોડાએ કોમ્પ્યુટરની સાથે સંલગ્ન પ્રોગ્રામ વિશે માહિતી આપી હતી. જ્યારે સના મિસ્ત્રીએ વિદ્યાર્થીઓને બી.કોમ., એમ.કોમ. અને મેનેજમેન્ટ કોર્સ વિશે જાણકારી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાના પેશન મુજબ અભ્યાસક્રમ પસંદ કરીને ભણવાની સલાહ આપી હતી.ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્સિસ કમિટીના એડવાઇઝર તથા લાયબ્રેરી કમિટીના ચેરમેન અજિત શાહે સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.