Page Views: 17079

આજ તક ચેનલના જાણીતા પત્રકાર રોહિત સરદાનાનું અકાળે અવસાન

આજ તક ચેનલમાં તેઓ દંગલ નામે શોમાં એન્કરિંગ કરતા હતા

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

જાણીતી ન્યૂઝ ચેનલ આજ તકના  ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું આજે સવારે નિધન થયું છે. લાંબા સમયથી જી ન્યૂઝમાં એન્કર રહેલા રોહિત સરદાના હાલના દિવસોમાં આજ તક ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ કરતા હતા. લાંબા સમયથી ટીવી મીડિયાનો ચહેરો રહેલા રોહિત સરદાના હાલ આજ તકમાં પ્રસારિત થતાં શો દંગલમાં એન્કરીંગ કરતા હતા.  તેમના અકાળે અવસાન બાદ મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શુક્રવારે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું છે. આ સિવાય તેઓ કોરોનાનો ભોગ પણ બન્યા હતા, જેની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. તેમના મોતના સમાચારથી પત્રકાર જગત સ્તબ્ધ છે. ઘણા પત્રકારોએ ટ્વિટ કરીને લખ્યું છે કે તેમને આ વાત પર વિશ્વાસ નથી આવતો. ઉલ્લેખનીય છે કે રોહિત સરદાનાની ગણના દેશના ટોચના હિંદી ન્યૂઝ એન્કરોમાં થતી હતી. આજે વહેલી સવારે તેમને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને  વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા પરંતુ બચી શક્યા નહીં.  2018માં રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી નવાઝમાં આવ્યા હતા. તેમના નિધન બાદ અનેક પત્રકારો અને નેતાઓએ ટ્વિટ કરીને શોક પ્રગટ કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને લખ્યું કે રોહિત સરદાનાજીના નિધનના સમાચાર સાંભળીને દુખ થયું. દેશે એક બહાદુર પત્રકાર ગુમાવ્યો, તેમના પરિવારને ઈશ્વર આ દુ:ખ સહન કરવા શક્તિ આપે. રોહિત સરદાના વિદ્યાર્થીકાળથી જ અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા હતા. તેમજ પત્રકાર તરીકે કારકીર્દી પસંદ કરીને તેઓ ખુબ જ ટુંકા સમયગાળામાં દેશની સૌથી મોટી ન્યૂઝ ચેનલ આજ તકના જાણીતા એન્કર બન્યા હતા. રાજકીય વિશ્લેષણ અને ઘટનાને આરપાર જોવાની અનોખી આવડત તેમનામાં હતી અને તેઓ બિન્દાસ્ત રીતે દર્શકો સામે સત્ય ઉજાગર કરવામાં ક્યારેય ખચકાતા નહીં.