Page Views: 5823

ચેમ્બર દ્વારા ઇન્કમ ટેકસ એકટ ૧૯૬૧ હેઠળ ટ્રસ્ટ અને એનજીઓની નોંધણી માટેની નવી કાર્યવાહી અંગે વેબિનાર યોજાયો

ચેરીટીની વ્યાખ્યામાં ફાયનાન્સ એક્ટ મુજબ સુધારો કરવામાં આવ્યો છે

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૬ એપ્રિલ ર૦ર૧ના રોજ ઇન્કમ ટેકસ એકટ ૧૯૬૧ હેઠળ ટ્રસ્ટ અને એનજીઓની નોંધણી માટેની નવી કાર્યવાહી વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે અમદાવાદના એડવોકેટ ધ્રુવેન શાહે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. 

એડવોકેટ ધ્રુવેન શાહે જણાવ્યું હતું કે, ચેરીટીની વ્યાખ્યામાં ફાયનાન્સ એકટ મુજબ સુધારો કરવામાં આવે છે. નોન ગર્વમેન્ટ ઓર્ગેનાઇઝેશન (એનજીઓ), નોન પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન (એનપીઓ), ટ્રસ્ટ, પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ, વિવિધ એસોસીએશન્સ, સિવિલ સોસાયટી અને ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેરીટી કરવામાં આવે છે. તેમણે કહયું કે, સમાજની સેવા કરવા માટે ટ્રસ્ટીઓ દાન ઉઘરાવે છે અને સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હોય અથવા કોઇ આફતના કે મુશ્કેલીના સમયમાં સમાજની પડખે ઉભા રહેવા માટે સેવાયજ્ઞનું કાર્ય કરે છે. આથી સૌપ્રથમ તેમણે આ દિશામાં ચેરીટીની વિસ્તૃત સમજણ આપી હતી. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષથી ઇન્કમ ટેકસ ધારામાં સુધારા લાવવામાં આવ્યા છે અને દરેક ટ્રસ્ટે જેમણે આ અગાઉ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમણે પણ ફરીથી રિન્યુઅલ કરાવવાનું રહેશે. આ તમામ પ્રોસિજર સંપૂર્ણપણે ફેસલેસ રાખવામાં આવી છે. ટ્રસ્ટના રિન્યુઅલ તથા નવી નોંધણી માટેની અરજીની પ્રોસિજરની દરેક કોલમવાઇઝ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે ઇન્કમ ટેકસ કાયદામાં ટ્રસ્ટ અને એનજીઓ અંગે જે સુધારા કરવામાં આવ્યા છે તેની પણ વિસ્તૃત રીતે ચર્ચા કરી હતી. ઇન્કમ ટેકસ એકટની કલમ ૧૧–૧રના સુધારાઓની પણ સમજણ આપી હતી અને તેની અસરો કયાં કેવી રીતે વર્તાશે તેની પણ સંપૂર્ણ જાણકારી આપી હતી. 

આ વેબિનારમાં ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન– સુરત, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટ, ઇન્કમ ટેકસ બાર એસોસીએશન– અમદાવાદ, સીએ એસોસીએશન– સુરત અને સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ સહિત તમામ એસોસીએશનના હોદ્દેદારો તથા સભ્યો જોડાયા હતા. તેમના દ્વારા પુછવામાં આવેલા વિવિધ સવાલોના વકતાએ સંતોષકારક જવાબ આપ્યા હતા. 

વેબિનારનું સમગ્ર સંચાલન ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ વિરેશ રૂદલાલે કર્યું હતું. એ.જી.એફ.ટી.સી.ના પ્રમુખ ભરત શેઠે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રમુખ આશુતોષ ઠકકર અને સીએ એસોસીએશનના પ્રમુખ રષેશ શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રમુખ એડવોકેટ અનિલ શાહે વકતાનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરની જીએસટી કમિટીના કો–ચેરમેન અવિનાશ પોદ્દારે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું. આ વેબિનારને સફળ બનાવવા માટે ચેમ્બરની એકાઉન્ટ્‌સ કમિટીના કો–ચેરમેન દિપેશ શાકવાલાએ વિશેષ સહયોગ આપ્યો હતો.