Page Views: 4625

સબળ સફળ અને સક્ષમ અભિનેતા ઈરફાન ખાન

અભિનયની દૂનિયામાં ઇરફાન ખાને એક આગવી છાપ છોડી હતી

સુરત-નરેશ કાપડીઆ

મુખ્યત્વે હિન્દી અને યાદગાર બ્રિટીશ અને અમેરિકન ફિલ્મોમાં અદભુત અભિનય કરીને દર્શકોના મનમાં જગ્યા બનાવનાર અભિનેતા ઈરફાન ખાનનું ગયા વર્ષે ૨૯ એપ્રિલ, ૨૦૨૦ની સવારે નિધન થયું હતું.તેઓ માત્ર ૫૩ વર્ષના હતા. ૩૦ વર્ષ સુધી વિસ્તરેલી તેમની કરિયરમાં ઇરફાને પચાસથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને અભિનયના સંખ્યાબંધ એવોર્ડ્સ મળ્યાં હતાં, જેમાં નેશનલ એવોર્ડ અને ચાર કેટેગરીમાં ફિલ્મફેર એવોર્ડ સામેલ છે. ફિલ્મ સમીક્ષકો, સમકાલીનો અને અન્ય નિષ્ણાતો ઈરફાનને ભારતીય સિનેમાના એક શ્રેષ્ઠ અદાકાર તરીકે નવાજતા હતાં. ૨૦૧૧માં ઈરફાન ખાનને પદ્મશ્રીથી નવાજાયા હતા.

છેક ૧૯૮૮ની ‘સલામ બોમ્બે!’માં ઇરફાને એક નાનકડી ભૂમિકા કરી હતી. ત્યાર બાદ તેમણે વર્ષો સુધી કામ મેળવવાનો સંઘર્ષ કર્યો હતો. છેક ૨૦૦૧માં બ્રિટીશ ફિલ્મ ‘ધ વોરિયર’માં મુખ્ય ભૂમિકા કર્યાં બાદ ઈરફાનને હિન્દી ફિલ્મોમાં કામ મળ્યું. ‘હાસિલ’ (૨૦૦૩) અને ‘મકબુલ’ (૨૦૦૪)થી તેમની સારા અભિનેતાની ઓળખ બની.  તેમની ‘ધ નેમસેક’ (૨૦૦૬), ‘લાઈફ ઇન મેટ્રો’ (૨૦૦૭) અને ‘પાન સિંઘ તોમર’ (૨૦૧૧)માટે સમીક્ષકોએ તેમના ખુબ વખાણ કર્યાં.  ‘પાન સિંઘ તોમર’ની ભૂમિકાએ તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ અપાવ્યો.

તેમની સફળ અભિનય યાત્રા જારી રહી. ‘લંચબોક્સ’ (૨૦૧૩), પિકુ (૨૦૧૫), ‘તલવાર’ (૨૦૧૫) અને ‘નો બેડ ઓફ રોઝીસ’ (૨૦૧૭) સુધી તેઓ ઉત્તમ અભિનય કરતા રહ્યા.

દરમિયાનમાં તેમને હોલીવૂડની ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ મળતી રહી. ‘ધ એમેઝીંગ સ્પાઈડર-મેન’ (૨૦૧૨), ‘લાઈફ ઓફ પાઈ’ (૨૦૧૨), ‘જુરાસિક વર્લ્ડ’ (૨૦૧૫) કે ‘ઇન્ફર્નો’ (૨૦૧૬) જેવી એ મોટી ફિલ્મો હતી. બે વર્ષ પર તેમની સૌથી સફળ કોમેડી-ડ્રામા સમી ફિલ્મ ‘હિન્દી મીડીયમ’ (૨૦૧૭) આવી અને તેઓ છવાઈ ગયા. તેઓ ફિલ્મફેરના શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીતી ગયા. એ ફિલ્મના સિક્કાના બીજા ભાગ જેવી ‘અંગ્રેજી મીડીયમ’ (૨૦૨૦) પણ આવી અને કોરોના મહામારીને કારણે ઓટીટી માધ્યમ પર આવીને તેણે ધૂમ મચાવી. ૨૦૧૭માં ઈરફાનની ફિલ્મોએ ૩.૬ બિલિયન ડોલરનો બિઝનેસ દુનિયાભરમાં કર્યો હતો.

બે વર્ષ પહેલાં ઇરફાને જણાવ્યું કે તેમને ‘ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર’ જેવો ભાગ્યે જ સાંભળવા મળે તેવો અજાણ્યો રોગ થયો છે. ૨૮ એપ્રિલે તેમને મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા અને માત્ર ૫૩ વર્ષની ઉમરે ૨૯ એપ્રિલ, ૨૦૨૦ની સવારે તો તેમના નિધનના સમાચાર આવ્યાં.

રાજસ્થાનના જયપુરમાં મુસ્લિમ પરિવારમાં ઈરફાનનો જન્મ સાહબઝાદે ઈરફાન અલી ખાન રૂપે જન્મ થયો હતો. તેમના માતા બેગમ ખાન અને પિતાજી મર્હૂમ જાગીરદાર ખાન હતાં. પિતાજી ટોંક જીલ્લાના ખજુરીયા ગામના હતાં અને તેમનો ટાયરનો બિઝનેસ હતો. ઈરફાનને ક્રિકેટર બનવું હતું. તેમના ખાસ દોસ્ત સતીશ શર્મા સાથે તેઓ ખુબ રમતાં. ઈરફાનની તો ૨૩ વર્ષ સુધીના યુવાનો માટેની સી કે નાયડુ ક્રિકેટ સ્પર્ધા માટે પસંદગી પણ થઈ હતી. જે દ્વારા તેઓ રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટમા દાખલ થાય તેમ હતા. પણ કમનસીબે નાણાના અભાવે તેઓ તે સ્પર્ધા રમી શક્યા જ નહોતા.

ખાનને ૧૯૮૪માં રાષ્ટ્રીય નાટ્ય શાળા, નવી દિલ્હી (એનએસડી)માં સ્કોલરશિપ મળી ત્યારે તેઓ એમ.એ.નો અભ્યાસ કરતા હતા. નાટક શીખીને તેઓ મુંબઈ આવ્યાં અને અનેક ટીવી શ્રેણીઓમાં કામ કર્યું. જેમાં ચાણક્ય, ભારત એક ખોજ, સારા જહાન હમારા, બનેગી અપની બાત, ચંદ્રકાંતા, શ્રીકાંત, અનુગુંજ, સ્ટાર બેસ્ટસેલર કે સ્પર્શ જેવી શ્રેણીઓ સામેલ હતી. સ્ટાર પ્લસ પરની ‘ડર’ શ્રેણીના તેઓ મુખ્ય ખલનાયક હતા. એ સાયકો સીરીયલ કિલરની ભૂમિકા હતી. ‘કહકશા’માં તેમણે માર્ક્સવાદી નેતા મખદૂમ મોહિનુંદ્દીનની ભૂમિકા કરી હતી. સાથે તેઓ નાટક કરતા રહ્યા.

મીરા નાયરે ઈરફાનને ‘સલામ બોમ્બે’માં એક કેમિયો ભૂમિકા આપી હતી, જે અંતે કાપી નખાઈ હતી. પછી, ‘કમલા કી મૌત’માં તેઓ રૂપા ગાંગુલી સામે હતા. નેવુંના દાયકામાં તેમણે નાની-મોટી એવી ભૂમિકાઓ કરી, જેના પર લોકોનું ધ્યાન ઓછું જ ગયું હતું. સંજય ખાનની ૧૯૯૮ની ટીવી શ્રેણી ‘જય હનુમાન’માં ઈરફાન વાલ્મીકીની ભૂમિકામાં દેખાયા હતા.

અનેક નિષ્ફળતાઓ જોયાં બાદ લંડનના નિર્દેશક અસીફ કાપડીઆએ તેમણે ‘ધ વોરિયર’ ફિલ્મની ભૂમિકા માટે લીધા, એ ઐતિહાસિક ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ૧૧ સપ્તાહમાં થયું હતું. તેની રજૂઆત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં થઈ અને ઈરફાનનો ચેહરો જાણતો બન્યો હતો. શેક્સપિયરના વિખ્યાત નાટક ‘મેકબેથ’ના રૂપાંતર સમી ‘મકબૂલ’ની ભૂમિકાથી તેઓ સારા અભિનેતા રૂપે ભારતમાં ઉપસી આવ્યા. હિન્દી ફિલ્મોમાં ‘રોગ’ (૨૦૦૫)માં તેમને પહેલીવાર મુખ્ય ભૂમિકા મળી હતી. પછી થોડી ખલનાયક જેવી ભૂમિકાઓ તેમને મળી. તેમાંથી ‘હાસિલ’ માં તેઓ તેમને શ્રેષ્ઠ ખલનાયકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.  તો કોંકણા સેન સાથેની ‘લાઈફ ઇન મેટ્રો’ માટે અને ‘ધ નેમસેક’ માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મોમાં સફળતા મળ્યા બાદ પણ ઇરફાને ટીવી માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. ‘માનો યા ન માનો’ અને ‘ક્યા કહીન’ શ્રેણીઓના તેઓ એન્કર હતા. ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમ ડોગ મિલિયોનેર’માં ઈરફાન પોલીસ અધિકારી રૂપે દેખાતા હતા. ૨૦૦૯ની ‘ન્યુ યોર્ક, આઈ લવ યુ’માં ઈરફાન ગુજરાતી હીરાના વેપારી રૂપે એફબીઆઈ એજન્ટની ભૂમિકામાં હતા. પણ, સાચા જીવનના ખેલાડીમાંથી ડાકૂ બની ગયેલા ‘પાન સિંઘ તોમર’ની ભૂમિકામાં તેઓ ખીલી ઉઠ્યા હતા અને ખુબ નામ-એવોર્ડ્સ મળ્યાં. જગપ્રસિદ્ધ બનેલી ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’માં ઈરફાન મોલિતર પટેલની ભૂમિકામાં હતા, જે સિંહ સાથે નૌકામાં ફસાયેલા બાળકની મોટા થયાં બાદની તાસીર હતી. ૨૦૧૩ની ‘લંચબોક્સ’ને કેન્સ ફિલ્મ ફેસ્ટીવલનો ગ્રાન્ડ રીલ ડી-ઓર એવોર્ડ મળ્યો, બાફ્ટા નોમિનેશન મળ્યું, એ તેમની ત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ બની. પછી ‘ગુંડે’ અને ‘એક્ષપોઝ’માં નાની નાની અને ‘હૈદર’ માં સારી ભૂમિકામાં તેઓ દેખાયા. ૨૦૧૫ની ‘પિકુ’માં ઇરફાને દીપિકા પાદુકોણ અને અમિતાભ સાથે મુખ્ય ભૂમિકા કરી હતી. તેજ વર્ષે ‘તલવાર’માં પણ તેમના વખાણ થયાં, તો ‘જઝબા’માં તેઓ ઐશ્વર્યા સાથે દેખાયા. બીજે વર્ષે તેઓ હોલીવૂડ સ્ટાર ટોમ હોન્સ્ક સાથે ‘ઇન્ફર્નો’માં દેખાતા હતા.

૨૦૧૭માં ઈરફાનની બે ફિલ્મો આવી. ‘હિન્દી મીડીયમ’ અને ‘કરીબ કરીબ સિંગલ’. ‘હિન્દી મીડીયમ’માં દિલ્હીના ચાંદની ચોકના વેપારી રાજ બાત્રા રૂપે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ભારત અને ચીનમાં આ ફિલ્મ ખુબ ચાલી. જે તેમની સૌથી સફળ ફિલ્મ બની રહી.

૨૦૧૮માં ઈરફાન ‘કારવાં’ અને ‘બ્લેકમેઇલ’ માં આવ્યા. હમણાં, ૧૩ માર્ચે ૨૦૨૦માં તેમની ‘અંગ્રેજી મીડીયમ’ આવી, ગુજરાતી પારસી હોમી અડાજણીયા, જેમણે ‘કોકટેલ’ અને ‘ફાઈન્ડીંગ ફ્રેની’ બનાવી હતી, તેમની એ ફિલ્મ છે. ઈરફાન સાથે કરીના કપૂર ખાન, રાધિકા માદન અને દીપક ડોબરીયલ તેમાં છે. હાલ તેને લોકો નેટફ્લીક્સ પર જુએ છે.

ઈરફાનને રાજસ્થાન સરકારે ‘રીસર્જન્ટ રાજસ્થાન’ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. જયપુરના વિધાન સભા રોડ પર ભારતીય સેના દ્વારા શહીદો માટે બનેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં ઈરફાન ખાનનો અવાજ છે. એ શોમાં રાજસ્થાની સૈનિકોની કુરબાનીની કથા છે.

ઇરફાને ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૫ના રોજ તેમના એનએસડી ના ગ્રેજ્યુએટ સાથી સુતાપા સીકદાર સાથે લગ્ન કર્યાં હતા અને તેમને બાબીલ અને અયાન નામે બે દીકરા છે.

ફેબ્રુઆરી, ૨૦૧૮માં ઈરફાનને ‘અજાણ્યો રોગ’ થયો. મીડિયાએ તેનો ‘બ્રેઈન કેન્સર’ રૂપે પ્રચાર કર્યો. ખુબ ધારણાઓ બાદ ઇરફાને જાતે ટ્વિટ કરીને જણાવ્યું કે તેમને 

ન્યુરોએન્ડોક્રાઇન ટ્યુમર છે, એ જવલ્લે જોવા મળે તેવું કેન્સર છે, જે શરીરના અનેક ભાગને શિકાર બનાવે છે. એની સારવાર માટે ઈરફાન લંડનની યાત્રા પણ કરી આવ્યા હતા. અંતે ૨૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજ ઈરફાનને મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા અને બીજે દિવસે તેમનું ૫૩ વર્ષની ઉમરે નિધન થયું. તેની સાથે એક સબળ સક્ષમ અભિનેતાનો યુગ પુરો થઈ ગયો.

એપ્રિલના સિતારા – નરેશ કાપડીઆ