Page Views: 10319

સુરતના વેપારી પાસેથી ખરીદેલા બિલ્ડીંગ મટિરીયલ્સના રૂ.47.85 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના ગ્રીનરી ડેવલપર્સના સંચાલકને બે વર્ષની કેદ

કોર્ટે આરોપી પાસેથી દંડ પેટે 95.71 લાખ રૂપિયા વસુલવા પણ હુકમ કરી ફરિયાદીને રૂ.90 લાખ ચુકવવા હુકમ કર્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરતના બિલ્ડીંગ મટીરીયલના વેપારી પાસેથી માલ સામાન ખરીદીને રૂપિયા ચુકવવામાં અખાડા કરી ચેક આપનારા અમદાવાદના બિલ્ડરને કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે વર્ષની કેદ,રૃ.95.71 લાખ દંડ તથા ફરિયાદીને દંડમાંથી 90 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

કેસની જાણવા મળતી વિગતો અનુસાર, સુરતમાં આર્શિવાદ ટ્રેડર્સના નામે બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધો કરતા ફરિયાદી અશોક સિંઘલ પાસે ધંધાકીય સંબંધોના નાતે અમદાવાદમાં ગ્રીનરી ડેવલપર્સના આરોપી સંચાલક શાંતિલાલ પટેલે કુલ રૃ.47.85 લાખની કિંમતના સિમેન્ટ,લોખંડના સળીયા સહતિનો બિલ્ડીંગ મટીરીયલ્સના સામાનની ઉધાર ખરીદી કરી હતી. જેના પેમેન્ટ પેટે આપેલા લેણી રકમના ચેક રીટર્ન થતાં ફરિયાદી અશોક સિંઘલે એડવોકેટ વિનય શુકલા મારફતે આપેલી નોટીસનો સંતોષકારક જવાબ ન મળતાં કોર્ટ પરિયાદ નોંધાવી હતી.

આ કેસની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ ચેક રીટર્ન થયાના 30 દિવસને બદલે 31માં દિવસે ફરિયાદ કરી હોવાનો ટેકનિકલ બચાવ લીધો હતો.વધુમાં ફરીયાદીએ આરોપી ડેવલપર્સના પ્રોજેકટમાં પ્લોટ બુક કરાવ્યા હતા.પરંતુ સમયમર્યાદામાં નિયત કરેલી રકમ ચુકવવામાં ફરિયાદી નિષ્ફળ જતાં સોદો કેન્સલ થયો હતો. જેથી આરોપીના દલાલ પાસેથી આરોપીની સહીવાળા ચેક સિક્યોરીટી તરીકે આપ્યા હતા. જેનો ફરિયાદીએ દુરુપયોગ કર્યો હોવાનો બચાવ લીધો હતો. જેના વિરોધમાં ફરિયાદપક્ષે જણાવ્યું હતું  કે ચેક રીટર્ન થયાના બીજા દિવસે બાદ જ નોટીસ આપી છે. જેથી નિયત 30 દિવસમાં નોટીસ આપી છે. વધુમાં આરોપીએ પોતે આ પ્રકારનો કોઈ બાંધકામ સાથે સંકળાયેલા હોવાનો ઈન્કાર કર્યા બાદ ફરિયાદીએ પ્રોજેકટમાં પ્લોટ બુક કરાવ્યો હોવાનું જણાવ્યું છે. જેથી ફરિયાદપક્ષે નકારાયેલા ચેક પોતાના કાયદેસરના લેણાં પેટે હોવાનું પુરવાર કરતાં કોર્ટે આરોપી ડેવલપર્સને દોષી ઠેરવી અને કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથો સાથ રૂપિયા 95.71 લાખ દંડ પેટે વસુલીને તેમાંથી ફરિયાદીને રૂપિયા 90 લાખ વળતર પેટે આપવા માટે પણ હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ વિનય શુક્લ હાજર રહ્યા હતા.