Page Views: 5567

ઓકિસજન બોટલની ખરીદીમાં પડી રહેલી મુશ્કેલી નિવારવા ચેમ્બર દ્વારા વડા પ્રધાનને રજૂઆત

ઓક્સિજન સિલિન્ડર ખરીદવામાં સેવાભાવી સંસ્થાઓને પડી રહી છે મુશ્કેલી

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઓકિસજન બેંક જે મુખ્યમંત્રીની અપીલને ધ્યાને લઇ ચાલુ કરવામાં આવેલ છે તથા ચેમ્બર દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ સેવાકીય કાર્યો અંગે આજરોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. સાથે જ ચેમ્બર દ્વારા ઉપરોકત ઓકિસજન બેંકની ક્ષમતા પ૦૦ બોટલ સુધી લઇ જવાની તૈયારી રાખવામાં આવી છે પરંતુ દેશમાં ઓકિસજન બોટલની અછત હોવાથી બોટલની ખરીદીમાં પડી રહેલી મુશ્કેલી નિવારવા માટે ચેમ્બર દ્વારા પ્રધાનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ભારતમાં જમ્બો ઓકિસજન સિલિન્ડર (૪૬.૭ લીટર) લિકવીડ ઓકિસજનની ક્ષમતા ધરાવતા સિલિન્ડરના ઉત્પાદક માત્ર ત્રણ કે ચાર જ હોવાથી અને તેમાં પણ મોટા ભાગના નિર્યાતકાર હોવાથી હાલમાં સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં આપવાની તૈયારી હોવા છતાં પણ ઓકિસજન સિલિન્ડર ઉત્પાદકો દ્વારા ઓકિસજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ઓકિસજન સપ્લાય ચેઇન ઉપર નિયંત્રણ રાખવામાં આવી રહયું છે ત્યારે આવા સંજોગોમાં ચેમ્બર અથવા કોઇ અન્ય સંસ્થા દ્વારા જ્યારે ઓકિસજનના સિલિન્ડર ખરીદવા માટે એડવાન્સમાં પેમેન્ટ આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ત્યારે ઓકિસજન સિલિન્ડરના ઉત્પાદકો દ્વારા ઓકિસજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી કરીને કોરોના સામે લડી રહેલા દર્દીઓનો જીવ બચાવી શકાય. આથી ચેમ્બર તથા અન્ય સંસ્થાઓને ઓકિસજન બોટલની ખરીદીમાં પડી રહેલી મુશ્કેલીને નિવારવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય હસ્તક્ષેપ કરે તેવી પ્રધાનમંત્રી સમક્ષ ચેમ્બર દ્વારા વિનંતી કરવામાં આવી છે.