Page Views: 30054

18 વર્ષથી મોટી ઉમરના યુવાનોને કોરોના વેક્સિન લેતા પહેલા એક વખત અવશ્ય રક્તદાન કરવા અપીલ કરતા હરિભાઇ કથિરીયા

કોરોનાની રસી લીધા બાદ એક મહિના સુધી રક્તદાન કરી શકાતું નથી આવા સંજોગોમાં સુરતની રોજની રક્તની આવશ્યકતાને પહોંચી વળવામાં મુશ્કેલી આવી શકે તેમ હોવાથી તમામ યુવાનોને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ દ્વારા અપીલ

18 વર્ષથી મોટી ઉમરના યુવાનોને કોરોના વેક્સિન લેતા પહેલા એક વખત અવશ્ય રક્તદાન કરવા અપીલ કરતા હરિભાઇ કથિરીયા

સુરત-(કિરીટ ત્રિવેદી દ્વારા-91735 32179)

આગામી 1લી મે થી સમગ્ર દેશમાં 18 વર્ષથી મોટી ઉમરના તમામ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે જેનાથી આ મહામારી સામે આપણે જંગ જીતી શકીએ. આ ખુબ જ આવકાર દાયક બાબત છે પરંતુ કોરોનાની રસી લીધા બાદ કોઇ પણ વ્યક્તિ એક મહિના સુધી રક્તદાન કરી શકતો નથી. જે અંગે વિચાર વિમર્શ કરીને સુરત શહેરના વરાછા રોડ મીની હીરા બજાર સ્થિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિભાઇ કથિરીયાએ એક વિનંતી કરતા જણાવ્યું છે કે, સુરત શહેરમાં 18 વર્ષથી મોટી વયજુથમાં આવતો ખુબ મોટો સમુદાય કાયમી વસવાટ કરે છે. સુરતના યુવાનો રક્તદાન કરવામાં હંમેશા મોખરે રહે છે. આગામી 1લી મે થી સમગ્ર દેશમાં કોરોનાની રસી 18 વર્ષથી મોટી વયના યુવાનોને આપવામાં આવવાની છે અને જો એક વખત કોરોનાની રસી કોઇ પણ વ્યક્તિને આપવામાં આવે તો તે વ્યક્તિ એક મહિના સુધી રક્તદાન કરી શકતો નથી. જેના કારણે સુરત શહેરમાં દર રોજની જરૂરીયાત પ્રમાણે જે રક્તની આવશ્યકતા છે તેમાં મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે અને અન્ય બિમારી દર્દીઓને રક્ત આપીને જીવન બચાવવાની બાબતમાં સમસ્યા ઉભી થાય એમ છે. આ સંજોગોમાં કોરોનાની રસી લેનારા તમામ યુવાનોને અપીલ કરવામાં આવે છે કે, આપ રસી લેતા પહેલા આપના નજીકના કોઇ પણ રક્તદાન કેન્દ્રમાં જઇને એક વખત અવશ્ય રક્તદાન કરી આવશો. જેનાથી સુરતમાં રક્તની અછતની સમસ્યા ઉભી ન થાય અને આપણે લોકોની અમુલ્ય જિંદગી બચાવી શકીએ.

-સેવાભાવી સંસ્થાઓને રક્તદાન કેમ્પ દ્વારા મદદરૂપ થવા અનુરોધ

સુરત શહેરની સંખ્યાબંધ સેવાભાવી સંસ્થાઓ હાલ કોરોના કાળમાં માનવ સેવાના કાર્યમાં મદદ કરી રહી છે. આ સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓને પણ સુરતના લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, શક્ય હોય ત્યાં સુધી નાના પાયે પણ સામુહિક રક્તદાન કેમ્પનું આયોજન કરીને રક્તદાન કેન્દ્રને મદદરૂપ થવાની હાલના સંજોગોની આવશ્યકતા છે. સુરત શહેરમાં આમ પણ હાલમાં રક્તની અછત છે અને તેના કારણે દર્દીઓ અને તેના સગાઓને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે. જો સેવાભાવી સંસ્થાઓ રક્તદાન કેમ્પ દ્વારા આ સેવાના કાર્યમાં મદદરૂપ થાય તો 1લી તારીખ પછી ઉભી થનારી રક્તની અછતની સમસ્યામાંથી મહદ અંશે રાહત મળી શકે તેમ છે.

()()() જેમને કોરોના સારો થયો છે તેમને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ 

જે કોઇ વ્યક્તિને ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનામાં કોરોનાની બિમારી લાગુ પડી હોય અને તેઓ આ બિમારીથી સાજા થયા હોય તેમના દ્વારા જો પ્લાઝમા ડોનેટ કરવામાં આવે તો કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનો જીવ પણ બચી શકે તેમ છે. હાલમાં શહેરમાં કોરોનાના કેસ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે જેમને કોરોનાની બિમારી બાદ સારૂ થયું છે તેમને પ્લાઝમા ડોનેટ કરવા માટે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. 

()()()સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળની અપીલ 

શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પ્રમુખ ડો.સી.એમ. વાઘાણી અને મંત્રી ડો.મુકેશ નાવડિયા દ્વારા પણ શહેરીજનોને કોરોનાની વેક્સિન લેતા પહેલા રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. ડો.સી.એમ.વાઘાણી અને ડો. મુકેશ નાવડિયાએ વધુમાં યુવાનોને અપીલ કરતા જણાવ્યું છે કે, પ્રત્યેક યુવાનો કોરોનાની વેક્સિન લેતા પહેલા એક વખત અવશ્ય રક્તદાન કરે જેનાથી આગામી દિવસોમાં સુરતમાં ઉભી થનારી સંભવિત રક્તની અછતની પરિસ્થિતિનો આપણે સરળતાથી સામનો કરી શકીએ. તમામ યુવાનોની રક્તદાનના આ કાર્યમાં સમાજને આવશ્યકતા છે.