Page Views: 8640

ચેમ્બરનો કેરીયર ગાઇડન્સ મહોત્સવ- જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા ધોરણ બાર સાયન્સ પછી શું એ અંગે વિગતો આપવામાં આવી

નીટ વગર ક્યાં પ્રવેશ મળે અને જેઇઇ માં ઓછો સ્કોર હોય તો ગુજકેટના આધારે ક્યાં પ્રવેશ મળે

સુરત-વર્તમાનન્ચૂઝ.કોમ

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા બાદ ક્યા ક્યા ક્ષેત્રમાં કારકીર્દીની તકો રહેલી હોય છે તે અંગે તેઓને સમયસર યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીયર ગાઇડન્સ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલારૂપે ફિઝીકલ સેમિનારને બદલે વેબિનારના માધ્યમથી વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે.

સોમવાર તા.19 એપ્રિલ 2021ના રોજ પ્રથમ દિવસે શિક્ષણ સર્વદા અને સીઆઇએ લાઇવ ન્યૂઝ પોર્ટલના તંત્રી જયેશ બ્રહ્મભટ્ટે ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓને બાયોલોજી અને મેથ્સ ગ્રુપમાં કારકિર્દીના વિકલ્પોની જાણકારી આપી હતી. સ્થાનિક સ્તરથી લઇને રાષ્ટ્રીય સ્તર સુધી પ્રવેશની કાર્યવાહી અંગે માહિતી આપી હતી. તેમણે વેબસાઇટ અંગે જાણકારી આપી મેરીટની ગણતરી કઇ રીતે કરવામાં આવે છે તથા ક્યા ક્યા પ્રકારની પ્રવેશ પરીક્ષા આપવી જોઇએ તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ધોરણ 12ના વિદ્યાર્થીઓને નીટ વગર ક્યાં પ્રવેશ મળી શકે છે તે અંગે પણ માહિતી આપી હતી. જેઇઇમાં ઓછો સ્કોર આવ્યો હોય તો ગુજકેટ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે ક્યાં પ્રવેશ મળે છે તે વિશે વિસ્તૃત મહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે આથી વિદ્યાર્થીઓ એગ્રીકલ્ચર ફિલ્ડમાં પણ કારકિર્દી બનાવી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને એ અને બી ગ્રુપ મળી રોબોટીક, સાયબર, એરોનોટીક, પેટ્રોલિયમ, મિકેનિકલ, ઇન્ફ્રા, સ્ટેમ સેલ, બાયોટેક, ફાર્મસી, ફોરેન્સીક, જેનેટીક, અને વેટરીનરીમાં કારકિર્દી બનાવવા માટે માહિતગાર કર્યા હતા. તદ ઉપરાંત તેમણે વિદેશમાં એમ બી બી એસ માટે કઇ કઇ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી શકાય છે તે વિશે જાણકારી આપી હતી.

વેબિનાર દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા પુછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના તેમણે સંતોષકારક જવાબ આપ્યા હતા. ચેમ્બરની એજ્યુકેશન એન્ડ એકેડેમિક કોર્ષિસ કમિટીના એડવાઇઝર તથા લાઇબ્રેરી કમિટીના ચેરમેન અજીત શાહ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું.

વિદ્યાર્થીઓ અને વાલીઓ કારકિર્દી માર્ગદર્શન અંક મેળવવા માટે તેમજ રૂબરૂ માર્ગદર્શનથી જયેશ બ્રહ્મભટ્ટનો ફોન નંબર 8320012935 અથવા 9825344944 ઉપર સંપર્ક કરી શકે છે.