Page Views: 11634

બ્રેક ધ ચેઇન’ ટેક્સટાઇલ માર્કેટો- ડાયમંડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો દ્વારા સ્વયંભૂ બંધ માટેની ચેમ્બર ઓફ કોમર્સની અપીલને સાર્વત્રિક આવકાર

‘જાન હૈ તો જહાન હૈ’એ ઉક્તિને આજે સુરતના વેપાર – ઉદ્યોગે સાચી ઠેરવી

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા ‘બ્રેક ધ ચેઈન’બે દિવસ સ્વયંભૂ બંધના એલાનને પગલે સમગ્ર ટેકસટાઈલ માર્કેટ વિસ્તાર સંપૂર્ણ સજ્જડ રીતે બંધ રહ્યો હતો. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે જ્યારથી આ એલાનની જાહેરાત થઇ ત્યારથી ૧પ૦થી વધુ એસોસીએશનોએ પોતાનો ટેકો આ સ્વયંભૂ બંધને જાહેર કર્યો છે કે જે બતાવે છે કે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી શહેરીજનોની સુખાકારી અને સ્વાસ્થ્ય માટે કેટલી જાગૃત છે. ‘જાન હૈ તો જહાન હૈ’એ ઉક્તિને આજે સુરતના વેપાર – ઉદ્યોગે સાચી ઠેરવી હતી. ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, ધી સુરત મર્કન્ટાઈલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ, સાઉથ ગુજરાત ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ સાવરમલ બુધિયાના નેતૃત્વ હેઠળ તમામ ટેકસટાઈલ માર્કેટો સજ્જડ રીતે બંધ રહી હતી. સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ નાનુ વેકરીયા, સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી કાનજી ભાલાળા, લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ હરિ કથીરીયાના નેતૃત્વ હેઠળ મીની બજાર, વરાછા રોડ અને મહિધરપુરા હીરાબજાર સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા.  

ચેમ્બરના પ્રમુખ ઇલેકટ આશિષ ગુજરાતી અને પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડના વિમલ બેકાવાલાના નેતૃત્વ હેઠળ પાંડેસરા – બમરોલી વિવિંગ ઇન્ડસ્ટ્રીએ પણ સજ્જડ બંધ પાળ્યો હતો. સચિનના વિવર અગ્રણી મયુર ગોળવાલા તથા નિલેશ ગામીએ પણ ચેમ્બરની પહેલને માન આપીને સચિનના વિવિંગ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રખાવ્યા હતા. સચિનના રેપીયર તથા શટલ લૂમ્સના ખાતાઓ પણ સ્વયંભૂ બંધ રહયા હતા. આ ઉપરાંત સ્ટેશન રોડ પર આવેલી તમામ રિટેલ દુકાનો CAIT ની આગેવાની હેઠળ બંધ રહયા હતા.  આવતીકાલે રવિવારે પણ આ ચેઈનને વધુ મજબૂત બનાવવા માટે ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવે છે. રવિવારે બહાર ફરવાનો મોહ જતો કરી આપને અને આપના પરિવારને સુરક્ષિત રાખવા માટે સૌને અનુરોધ કરીએ છીએ.