સુરત.વર્તમાનન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૧ના રોજ ‘ભયંકર મંદી છતાં સ્ટોક માર્કેટ આટલું ઊચું કેમ જાય છે?’ વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે મુંબઇની કે.આર. ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ પ્રા.લિ.ના પ્રમોટર એન્ડ એમ.ડી. દેવેન ચોકસીએ રોકાણકારોને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. દેવેન ચોકસીએ જણાવ્યું હતું કે, ઇકવીટીથી માર્કેટમાં પૈસા આવવાના શરૂ થઇ ગયા છે. ઇકવીટીથી રિયલ એસ્ટેટ અને ત્યારબાદ કોમોડિટી સેગ્મેન્ટ તરફ પૈસા જવાના છે. ડેટ માર્કેટમાં હજી પૈસા આવવાના શરૂ થયા નથી. જો કે, ડેટ માર્કેટમાં તેજી આવશે એવા એંધાણ દેખાઇ રહયાં છે. વર્તમાન સરકારે ઇકોનોમીમાં નવા પૈસા લાવવા માટે આખું ફ્રેમવર્ક ઉભું કર્યું છે અને તેને કારણે ગ્રોથ થતો દેખાઇ રહયો છે. સરકારે રોડ, પોર્ટ, પાવર, એરપોર્ટ અને સી–પોર્ટ વિગેરે ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે. આથી ભારતના ડોમેસ્ટીક સેવીંગમાંથી રૂપિયા આવશે જ પણ તેની સાથે ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટને કારણે પણ દેશમાં રૂપિયા આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેકને માટે પોતાનું ઘર હોય તેવા અભિગમ સાથે નવી બિલ્ડીંગો ઉભી થઇ રહી છે ત્યારે દેશમાં કન્સ્ટ્રકશનની દૃષ્ટિથી વિશાળ કામગીરી થઇ રહી છે. દેશમાં મોટા પ્રોજેકટોને કારણે દિલ્હી–મુંબઇ કોરીડોર ઉભા થઇ રહયાં છે. મોટા શહેરોમાંથી ઇન્ડસ્ટ્રીને આઉટ સાઇડ ઉપર લઇ જવામાં આવી રહી છે. દેશના છથી સાત રાજ્યોમાં મોટું રોકાણ થઇ રહયું છે. જેમાંથી ૭૦થી ૮૦ ટકા રોકાણ માત્ર ગુજરાત અને રાજસ્થાન મળીને થવા જઇ રહયું છે. જેને કારણે વિશાળ રોજગારી ઉભી થશે. દેવેન ચોકસીએ વધુમાં કહયું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં ગ્રોથની પોલિસીને ધ્યાને લઇ વ્યાજદર નીચે રાખ્યા છે અને ઇકોનોમીમાં લીકવીડિટી વધારે રાખી છે. વિશ્વના મોટા રોકાણકારો ભારત તરફ આકર્ષાઇ રહયા છે. નવું કન્સ્ટ્રકશન થશે તો તેની સાથે એન્જીનિયરીંગ, મેટલ, સિમેન્ટ, ઇલેકટ્રોનિક, ઓટો, કેમિકલ અને ફાર્મા ક્ષેત્રને બુસ્ટઅપ મળશે. નવી ફેકટરીઓ નંખાશે અને નવા ધંધા ઉભા થશે. દરેક બિઝનેસમાં ગ્રોથની સંભાવના ઉભી થશે. તેમણે કહયું કે, વર્ષ ર૦રપ–ર૬ સુધીમાં ઇકોનોમી ડબલ થવાની શકયતા છે અને ત્યારબાદ ર૦૩૦ સુધીમાં ફરીથી ઇકોનોમી ડબલ થવાની સંભાવના છે. જો આવું થશે તો સ્ટોક માર્કેટ થકી રોકાણ કરનારા રોકાણકારોની વેલ્થ ઘણી વધવાની સંભાવના તેમણે વ્યકત કરી હતી. ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના એડવાઇઝર કેતન દલાલે વકતાનો ટૂંકમાં પરિચય આપ્યો હતો. જ્યારે ચેમ્બરના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસીએ વેબિનારનું સંચાલન કર્યું હતું.
• Share •