Page Views: 12922

કોરોના સંક્રમણની ચેઇન તોડવા સુરતમાં શનિ-રવિ બે દિવસ હીરા બજાર અને તમામ ટેક્સટાઇલ માર્કેટો બંધ રાખવા નિર્ણય

ફોસ્ટા અને હીરા બજારના સંગઠનોએ ચેમ્બર ઓફ કોમર્સના અનુરોધ પછી સર્વાનુમતે લીધો નિર્ણય

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા સહિતના અગ્રણીઓએ ઉદ્યોગોના વિવિધ સંગઠનો સાથે મળીને કોરોનાની ચેઇન તોડવા માટે સ્વયંભૂ બજારો તેમજ વેપાર ઉદ્યોગ બંધ રાખવા અનુરોધ કર્યો હતો. જેનો યોગ્ય પ્રતિસાદ આપતા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન ફોસ્ટા તેમજ સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા રિંગરોડની તમામ ટેક્સટાઇલ માર્કેટો સહિત વરાછા રોડ મીની હીરા બજાર, ચોકસી બજાર અને મહિધરપુરા સ્થિત મોટી હીરા બજાર શનિવારે તેમજ રવિવારના રોજ સજ્જડ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. બે દિવસ સુધી વેપારીઓ તેમજ બજારમાં કામ કરતા દલાલો, મજૂરો વિગેરે સહિતના તમામ લોકો સ્વયંભૂ લોક ડાઉનનો અમલ કરીને કોરોનાની ચેઇન તોડવા માટે પોતાના ઘરે જ રહેશે. જેના કારણે આ સંક્રમણની ચેઇન તોડી શકાય. સુરતના અન્ય વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ ચેમ્બરની અપીલને માન આપીને બંધ રાખવા રાજી થયા છે.