Page Views: 7145

માજી મેયર ડો.જગદીશ પટેલે 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરી માનવતા મહેકાવી

સોશિયલ મિડીયામાં મેસેજ મળતા જ નાના વરાછા સ્થિત ચીકુવાડી ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી બાળકીના બ્લડ સાથે મેચ કરવા માટે સેમ્પલ આપ્યું અને સેમ્પલ મેચ થતા સ્મીમેર હોસ્પિટલ ખાતે જઇ પ્લાઝમા ડોનેટ કર્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના નાના વરાછા ચીકુવાડી ખાતે આવેલી માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ ખાતે  કોરોના સારવાર લઈ રહેલી 11 દિવસની બાળકીને પ્લાઝમાની જરૂર ઉભી થઇ હતી.  બાળકીને પ્લાઝમાની જરૂર હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા  સુરત શહેરના માજી મેયર ડો. જગદીશ પટેલ પ્લાઝમા ડોનેટ કરીને માનવતાનું કામ કર્યું છે. આજે સ્મીમેર ખાતે ડોક્ટર જગદીશ પટેલ 11 દિવસની બાળકીને કોરોના સારવારમાં મદદરૂપ થવા માટે પ્લાઝમા ડોનેટ કર્યું હતું. સાથે તેમણે કહ્યું કે, કોરોનામુક્ત થયેલા લોકો પોતાના પ્લાઝમા દાન જેટલું વધુ કરશે તેટલા જ ગંભીર દર્દીઓની સારવારમાં ઉપયોગી થઈ શકે છે. માટે દરેક લોકો આગળ આવે તેવો મેસેજ પણ તેમણે આપ્યો હતો. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પ્લાઝમા સારવાર દરમિયાન ખૂબ જ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે. ત્યારે સુરત ડાયમંડ હોસ્પિટલમાં 11 દિવસના નવજાત બાળકને ડોક્ટર દ્વારા કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર આપવાની શરૂ કરાઇ છે. સારવાર દરમિયાન જાણવા મળ્યું કે, બાળકનું CRP ખૂબ વધુ પ્રમાણમાં છે. સરળ ભાષામાં કહીએ તો બાળકીના બોડીમાં બ્લડમાં ઈંફેક્શન જોવા મળ્યું હતું. બાળકીનો પ્લેટલેટ ડાઉન થવાની શરૂઆત થઈ હતી. રેમડેસિવિર ઇન્જેક્શનો પણ યોગ્ય પ્રમાણમાં રિસ્પોન્સ મળ્યો નહોતો. જેથી ડોક્ટરે નક્કી કર્યું કે બાળકીને પ્લાઝમાંની જરૂરિયાત છે. સોશિયલ મીડિયામાં બાળકીને પ્લાઝમાની તત્કાળ જરૂરીયાત હોવાનો મેસેજ વાયરલ થયો હતો. આ મેસેજ સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલને મળતા તેમણે બાળકીના બ્લડ સેમ્પલ અને પોતાના બ્લડ સેમ્પલ મેચ કરતા તેમની સાથે મેચ થઈ ગયું હતું. જગદીશ પટેલે તાત્કાલિક અસરથી બાળકીને પ્લાઝમા આપવાનો નિર્ણય લીધો અને સ્મીમેર હોસ્પિટલ પહોંચી બાળક માટે પ્લાઝમા ડોનેટ કર્યા હતાં. જગદીશ પટેલે જણાવ્યું કે, સુરત શહેરની સ્થિતિ ખૂબ જ ગંભીર થતી જાય છે, ત્યારે દરેક વ્યક્તિએ પોતાની રીતે મહામારીમાં શહેરના દરેક વ્યક્તિને મદદરૂપ થવાની નૈતિક જવાબદારી છે, પ્લાઝમા ડોનેટ કરવું ખૂબ જરૂરી છે, કારણ કે કોરોના સંક્રમિત વ્યક્તિને સારવાર દરમિયાન તે મદદરૂપ થઈ શકે છે. પ્લાઝમા ડોનેટ માટે ડોક્ટરો દ્વારા સામાજિક કાર્યકરો અને વિવિધ યંત્રો દ્વારા લોકોમાં જાગૃતિના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપણે સવારે આશા રાખીએ કે, પ્લાઝમા ડોનેટ કરવાથી કોરોના સંક્રમિત બાળકી સત્વરે સારી થઈ જાય. ડાયમંડ હોસ્પિટલના પીડિયાટ્રિશ્યન ડૉ. અલ્પેશ સિંઘવી જણાવ્યું કે,બાળકીનું ગઈકાલથી તબિયત વધુ બગડી છે. જેથી તેને પ્લાઝમાની જરૂર પડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા તાત્કાલિક અસરથી પ્લાઝમાં મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. વિવિધ હોસ્પિટલોમાં બાળકીના બ્લડ સેમ્પલને ક્રોસ મેચ કરવા માટે મોકલી આપ્યા હતાં. સ્મીમેર હોસ્પિટલમાં બાળકીનો એબી પોઝિટિવ બ્લડ ગ્રુપ જગદીશ પટેલના બ્લડ ગ્રુપ સાથે મેચ થઈ ગયું હતું. જગદીશ પટેલે સ્વૈચ્છિક રીતે બાળકીને પ્લાઝમા ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા લેવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જ્યાં પ્લાઝમા ડોનેટ કરીને બાળકી માટે આપવામાં આવ્યું છે.