Page Views: 17014

મોટા વરાછામાં ડુપ્લીકેટ ચલણી નોટ છાપનાર પિયુષ ક્યાડા ઝડપાયો

અમરોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીને આધારે પોલીસ દરોડા પાડ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં નકલી ચલણી નોટ છાપવાનું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યુ છે. અમરોલી પોલીસે મોટા વરાછા યમુના ચોક રાધીકા ઓપ્ટીમાં શોપિંગના ચોથામાળે આવેલી દુકાનમાં દરોડા પાડી ડુપ્લીકેટ નોટ છાપવાનું આખુ યુનિટ ઝડપી પાડ્યું હતું. પોલીસે દુકાનમાંથી જમીન દલાલની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 2000ના અને 200ના દરની કુલ રૂપિયા 12800ની બનાવટી ચલણી નોટ  તેમજ ડુપ્લીકેટ નોટ બનાવવાના સાધન સામાગ્રી મળી કુલ રૂપિયા 81 હજાર ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. સર્વલન્સ સ્ટાફના પીએસઆઈએ બાતમીના આધારે સર્વલન્સ સ્ટાફના માણસો સાથે મોટા વરાછા યમુના ચોક રાધીકા ઓપ્ટીમાં શોપિંગના ચોથા માળે આવેલી દુકાનમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન દુકાનમાં હાજર પિયુષકુમાર ઉર્ફે પીલો લાલજી ક્યાડા (ઉ.વ.32.રહે, એચ.આર. પી બંગ્લોઝ રોયલ રેસીડેન્સી સામે કેનાલ રોડ કામરેજ) પાસેથી ભારતીય બનાવટની ડુપ્લીકેટ ચલણી નોટ રૂપિયા 2000ના દરની 4 અને 200ના દરની 24 નોટો મળી આવી હતી.આ સ્થળ પરથી પોલીસને  બનાવટી ચલણી નોટો બનાવવાના સાધન સામગ્રી સ્કેનર, પ્રિન્ટર, મોબાઈલ, પ્રવાહીની ખાલી પ્લાસ્ટીકની બોટલ, કોરાકાગળ, પેપર કટર તેમજ રોકડા 53150 મળી કુલ રૂપિયા 81950નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો. હાલમાં અમરોલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ કેટલા સમયથી આ ગોરખધંધા તેમના દ્વારા ચલાવવામાં આવતા હતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત કેટલી માત્રામાં શહેરમાં કે અન્ય સ્થળે આ ટોળકીએ બનાવટી ચલણી નોટ ફરતી કરી છે તેની પણ ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.