Page Views: 9740

કોરોનાના વધતા ખોફ વચ્ચે સુરતમાં સ્વેચ્છીક લોક ડાઉનના બેનર લાગ્યા

સરકાર આદેશ આપે કે ન આપે વેપારીઓ અને સ્થાનિક રહીશો દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવા માટે ગંભીર વિચારણા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે વકરી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટની ટકોર બાદ પણ કરફ્યુના સમયમાં હાલ પુરતો એક કલાકનો વધારો કરીને રાત્રે નવ વાગ્યાને બદલે રાત્રે આઠ વાગ્યાથી કરફ્યુનો અમલ કરવાનું જાહેર કર્યુ છે ત્યારે હવે શહેરના પીપલોદ, ભટાર, મજૂરા સહિતના વિસ્તારમાં વેપારીઓ અને સ્થાનિક લોકો દ્વારા કોરોનાના વધતા સંક્રમણ સામે સ્વેચ્છીક લોક ડાઉન માટેની અપીલ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. મોટા ભાગના બેનરોમાં કોરોના સામે કઇ રીતે રક્ષણ મળી શકે અને ઘરમાં જ પરિવાર સાથે રહીને કોરોનાથી બચી શકાય એમ છે એવા સંદેશા પાઠવવામાં આવ્યા છે. જો કે, સરકારી તંત્ર તો લોક ડાઉન કરવાના મુડમાં નથી અને લોકો સ્વેચ્છીક રીતે લોક ડાઉન કરે તેમાં તેમને સમસ્યા પણ નથી. આ તમામ સંજોગોમાં લોકો જાગૃત થઇને પોતાની સુરક્ષા પોતાના જ હાથમાં હોવાનું માનીને આગળ આવ્યા છે. વિસ્તાર પ્રમાણે વેપારીઓ અને સ્થાનિક રહીશો સ્વેચ્છીક જનતા લોક ડાઉનની તરફેણમાં હોય એવુ વાતાવરણ બની રહ્યું છે. જો કે, પાલિકાનું તંત્ર કે પોલીસ સવારે થતી શાક માર્કેટની ભીડને પણ કાબુમાં લેવા માટે સક્ષમ ન હોવાનું હવે લોકો સમજી ચુક્યા છે ત્યારે જનતા લોક ડાઉન થકી વિસ્તાર પ્રમાણે કોરોનાનું સંક્રમણ અટકે એ દિશામાં પ્રયાસ કરવા લોકો સ્વયંભૂ રીતે જ આગળ વધી રહ્યા હોય એવુ લાગી રહ્યું છે.