Page Views: 7504

દારૂના નશામાં મહિલાને કારથી ઉડાવી દેનાર અતુલ બેકરીનો માલિક પોલીસમાં હાજર- કોરોના પોઝીટવ હોવાથી પહેલા સારવાર અપાશે

અગાઉ ઉમરા પોલીસે રાજકીય દબાણ હેઠળ હળવી કલમો લગાવી આરોપી અતુલ વેકરિયાને જામીન મળે એ માટે વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ મેડીકલ ચેકઅપમાં પીધેલો હોવાનું સામે આવતા સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો હતો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

 સુરત શહેરમાં  સંખ્યાબંધ શાખાઓ ધરાવતી અને જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કાર અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. હીટ એન્ડ રનના આ કેસમાં પોલીસે રાજકીય દબાણને વશ થઇને અતુલ વેકરિયાને જામીન મળી જાય એ પ્રકારની કલમો લગાવીને ગુનો દાખલ કર્યો હતો. જો કે, મેડીકલ ચેકઅપમાં અતુલ વેકરિયાએ  દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા તેની  ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન મેળવવા માટે અતુલ વેકરિયાએ ધમપછાડા કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થયો હતો. પોલીસે તેની ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો અતુલનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અતુલ વેકરિયાને કોરોના પોઝીટીવ હોવાને કારણે તેને પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને તેને કોરોના સારો થશે બાદમાં પોલીસ તેની ધરપકડ કરી તપાસ હાથ ધરશે.

હોળી અગાઉ આરોપી વેકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં વેસુના સોમેશ્વરા સ્કેવર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી 26મી માર્ચે રાત્રે પોતાની બહેન ઉર્વશીને મોપેડ પર ફ્રેન્કી ખાવા લઈ ગયો હતો. જે દરમિયાન પાર્ક કરેલી મોપેડ પર બેઠેલી 28 વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેકરિયાએ અડફટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું.. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો. બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. સમગ્ર ઘટનામાં પોલીસની ભુંડી ભૂમિકા હોવાનું સામે આવ્યા બાદ હવે પોલીસે મેડીકલ રિપોર્ટના આધારે નાક લિટી તાણીને પણ માલેતુજાર એવા અતુલ વેકરિયાની ધરપકડ કરવાની નૌબત આવી છે હવે પછીની તપાસમાં અતુલ સામે પોલીસ કેવુ વલણ દાખવે છે એ પણ જોવાનું રહેશે.