Page Views: 5135

ડુમસ કાદી ફળિયામાં નિવૃત એન્જિનિયરની હત્યા કમ લુંટની ઘટનામાં પડોશી મહિલાએ જ ટીપ આપી હતી- પાંચ ઝડપાયા

પોલીસે રોકડ રકમ સહિત ચોરીની બે બાઇક સાથે પાંચને દબોચી લીધા બાદ ભાંડો ફુટ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના ડુમસ ગામ કાંદી ફળિયામાં એકલા રહેતા નિવૃત એન્જિનિયરના હાથ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવાના ગુનાનો ભેદ  ગણતરીના દિવસોમાં કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ધરપકડ કરેલા પાંચ આરોપીઓની હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં મુંબઈમાં રહેતી મહિલાએ મરનાર ભુપેન્દ્રભાઈ પાસે જમીન વેચાણના ત્રણથી ચાર કરોડ આવ્યા હોવાની ટીપ આપી હતી અને બાજુમાં રહેતી તેની બહેન રેકી કરાવ્યા બાદ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં ધાડપાડુઓને લૂંટની ટીપ ઝડપાયેલા પ્રતાપ હરસુર ઉર્ફે ચીના ગીંડાને ગત તા 27મી માર્ચના રોજ મુંબઈ ખાતે રહેતી મહિલાએ ફોન કર્યો હતો. મહિલાએ જણાવ્યું હતું કે ડુમસમાં રહેતી તેની બહેન ચેતનાના બાજુમાં રહેતા ભુપેન્દ્રભાઈ પાસે જમીન વેચાણના ત્રણથી ચાર કરોડ આવ્યા છે. તે એકલો રહે છે તેના ઘરમાં લૂંટ કરવા જણાવ્યું હતું અને તેની બહેન ચેતના મળવા માટે કહ્યું હતું. આરોપીઓ ચેતનાને મળ્યા હતા બાદમાં તેમણે લુંટનો પ્લાન બનાવ્યો હતો. રાત્રે નિવૃત એન્જિનિયર ભુપેન્દ્રભાઇના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેમને પિસ્તોલનું બટ્ટ મારીને હાથ પગ બાંધી દીધા બાદ મોં મા ડુચો મારી દેતા તેનો શ્વાસ રૂધાઇ ગયો હતો અને તેઓ મોતને ભેટ્યા હતા. બાદમાં ચાર લાખ લૂંટી નાસી ગયા હતા. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ત્રણ જણાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે ડુમસ પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીફુટેજ મળી આવ્યા હતા. જેમાં પાંચ જણા ભાગતા દેખાય રહ્યા હતા. સ્થાનિક પોલીસની સાથે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પણ જોડાઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આજે આ કેસમાં બાતમીના આધારે વાંઝગામથી ખરવાસા જતા રસ્તા ઉપર નહેર પાસેથી સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે બાઈક, રોકડા એક લાખ, આઠ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,46,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરીને તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે.