Page Views: 4641

ચૂંટણી વખતે રેલીઓના તાયફા કરતી સરકારની આંખ ઉઘડી- હવે 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી કરફ્યુ લાગુ

વેપારી મંડળો દ્વારા વિક એન્ડમાં બે દિવસ કરફ્યુ રાખવા માંગણી કરી

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી અમલી બને તે રીતે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો નિર્ણય જાહેર કર્યો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતા આ દિવસો જોવાનો વારો આવ્યો છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના નિર્ણય બાબતે રાજ્યની કોર કમિટિની સાંજે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા નવી સ્ટ્રેટેજી શું રાખવી તે બાબતે પણ અમિત શાહ સાથે રુપાણી અને નીતિન પટેલ વાતચીત કરી હોવાનું મનાય છે. ગુજરાતમાં મોટા ભાગનાં વેપારી એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે. વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ. આ સ્થિતિમાં શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ.