Page Views: 8340

સુરતમાં કોરોનાની સ્થિતિનો સાચો ચિતાર રજૂ કરતા મુખ્યમંત્રી- લોકોને ઓછી તકલીફ થાય એવો નિર્ણય લેશે રાજ્ય સરકાર

સુરતમાં નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

 નવસારી ખાતેથી સીધા સુરત દોડી આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પત્રકારોને વિગતો આપી હતી. મુખ્યમંત્રીઍ જણાવ્યુ હતું કે ગુજરાતની પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો પ્રજાહિતનો નિર્ણય લેવાશે. વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટની બેન્ચમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા થઇ છે આ સંદર્ભે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે વાતચીત થઇ છે. આજે હાઇકોર્ટના અક્ષરશ: અહેવાલ મળ્યા બાદ કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે. લોકો ચિંતા ન કરે સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને લોકોમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે પણ જોવાની જવાબદારી અમારી છે. તેને ધ્યાનમાં રાખીને લોકહિતમાં અમે નિર્ણય કરીશું તેમ મુખ્યમંત્રીએ આજે સુરત ખાતે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીએ જણાવ્યા કેટલાક મહત્વના મુદા

અત્યાર સુધીમાં કુલ-૭૦ લાખ લોકોને ગુજરાતમાં વેક્સિન અપાઇ છે અને હાલમાં દૈનિક ૪ લાખ લોકોનું વેક્સિનેશન કરવામાં આવે રહ્યું છે જેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

- રાજ્યના કોરોના કુલ કેસના ૬૦ ટકા કેસ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જોવા મળ્યા છે.

-સુરતની ૮૦૦ બેડની કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે શરૂ કરાશે.

- સુરત શહેરને ૩૦૦ નવા વેન્ટિલેટર ઉપલબ્ધ કરાશે તેમાંથી ખાનગી હોસ્પિટલને પણ જરૂરિયાત મુજબ ફાળવવામાં આવશે.

- રાજ્ય સરકારે વધુ ૩ લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે જેમાંથી સરકારી હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે આ ઇન્જેક્શન આપવામાં આવશે.

- ખાનગી હોસ્પિટલને પણ આમાંથી જરૂરી જથ્થો આપવામાં આવશે.

- સુરત શહેરને આજે વધુ ૨૫૦૦ જેટલા રેમડેસિવીર ઇન્જેક્શન આપવાનો નિર્ણય કરાયો છે.

- સુરત સહિત રાજ્યભરમાં સંજીવની રથની સુવિધા ઉપલબ્ધ છે. હોમ ક્વોરન્ટાઇન થયેલા લોકોને આ રથ દ્વારા ઘરે બેઠા દૈનિક સારવાર અપાશે.

- સુરતમાં અગાઉ ૫૦ અને આજે નવા ૫૦ એમ કુલ ૧૦૦ સંજીવની રથ કાર્યરત કરાયા છે.

- સુરતમાં ૧૦-૨૦ બેડની સુવિધાવાળા નર્સિંગહોમ પણ કોવિડ માઇલ્ડ- એ સિન્ટોમેટિક વાળા દર્દીને સારવાર આપી શકે તેવો નિર્ણય કરાયો છે આવા ગંભીર દર્દીઓને સરકાર હોસ્પિટલમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

-માસ્ક પહેરવાથી કોરોનાથી ૯૮ ટકા રક્ષણ મળે છે.

- ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો તેની સામે ડર્યા વિના સાવચેતી રાખવાની જરૂરી છે.

- - વેક્સિનેશનનો બીજો ડોઝ ૪૦ દિવસ બાદ આપવામાં આવશે.

- જ્યાં સુધી કોરોનાના કેસ ન ઘટે ત્યાં સુધી બચવા વેક્સિન અને માસ્ક એક માત્ર ઉપાય છે.

- - કોરોના સંક્રમણ અટકાવવા અત્યારે દૈનિક ૬૦,૦૦૦ના ટેસ્ટિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં ૧.૨૦ લાખ સુધી લઈ જવાશે.

- ટેસ્ટિંગ બાદ ટ્રેસિંગ અને ત્યારબાદ આવા લોકોને શોધીને સારવાર આપવામાં આવશે.

- કોરોના સંક્રમિતને ઝડપી સારવાર મળે તે માટે ૧૦૪ની વ્યવસ્થા ઉપલબ્ધ છે જેને શરદી અને તાવની અસર હોય તે ૧૦૪ સેવા સારવારની લાભ લઈ શકે.