Page Views: 3797

સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી પત્નીએ મોબાઇલ ન વાપરવાની ખાતરી આપતા દંપતિ વચ્ચે સમાધાન

એડવોકેટ અશ્વિન જોગડીયાના પ્રયાસોથી એક પરિવાર વિખાતો રહી ગયો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

‘સ્માર્ટ’ બની ગયેલા મોબાઇલ ફોનના સારા નરસા બંને પરિણામો જાવા મળતાં હોય છે. જેમાં ઘણી વાર મોબાઇલના કારણે પતિ-પત્ની વચ્ચેનું અંતર પણ વધી જતું હોય છે. આવા જ એક ઉદાહરણ રૂપ કેસમાં પત્નિએ મોબાઇલ ન વાપરવાની લેખિત બાંહેધરી આપતાં છ માસથી અલગ રહેતું દંપતિ એક થયું હતું.

શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતાં સીરાજના લગ્ન તા.૦૨/૦૨/૨૦૨૦ ના રોજ નજીકમાં રહેતી રૂકસાના (બંનેના નામ બદલેલ છે.) સાથે સામાજીક રીત રિવાજ મુજબ થયા હતાં. શરૂઆતમાં સારી રીતે રહયા બાદ દંપતિ વચ્ચે ખટરાગ શરૂ થયો હતો, અને પત્ની રૂકસાના પિયર જતી રહી હતી. જ્યાંથી તેણીઍ ભરણપોષણ તથા દહેજ સંબંધીના કેસો કર્યા હતાં. જેમાં પતિ સહિત સાસરિયાના ઍડવોકેટ અશ્વિન જોગડિયાએ જામીન કરાવ્યા હતાં.ત્યાર બાદ બંને વચ્ચે સમાધાનના પ્રયત્નો થયા હતાં. જેમાં પતિઍ સમાધાન માટે જો રૂકસાના મોબાઇલ ન વાપરે તો તેડી જવાની તૈયારી દર્શાવી હતી. તેની ઍવી ફરિયાદ હતી કે રૂકસાના આખો દિવસ મોબાઇલ માં જ વ્યસ્ત રહે છે અને ઘરના કામકાજમાં ધ્યાન આપતી નથી. ઉપરાંત પિયરના સભ્યો સાથે ફોન પર વાતો કરતી રહે છે અને પોતાને ઍટલે કે પતિને સમય આપતી નથી. પતિની આ વાતથી બંને પક્ષો શરૂઆતમાં ડઘાઇ ગયા હતાં પરંતુ અંતે બંનેને સાથે રહેવા સમજાવી લેવામાં આવ્યા હતાં, અને રૂકસાના ઍ પણ મોટુ મન રાખીને પોતે મોબાઇલ ન વાપરવાની લેખિત બાંહેધરી આપી હતી. આ વાતને સમર્થન આપતાં અશ્વિન ઍડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, લેખિત સમાધાન થતાં બંને પતિ-પત્ની હવે મોબાઇલ વિના સાથે રહે છે અને પત્નીઍ કરેલો ભરણપોષણનો કેસ પણ પાછો ખેંચી લીધો છે.