Page Views: 15740

પાણી બિલ સહિત ત્રણ માંગણી સાથે વિપક્ષના નેતા ઉપવાસ પર ઉતર્યા

સતત ત્રીજા દિવસે પણ આપ દ્વારા વિરોધ કરવામાં આવતા કોર્પોરેટરો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ભાજપ શાસકોને બરાબર સાણસામાં લઇને કોઇ પણ રીતે તેમનું જ ધાર્યું થાય અને લોકોમાં ચર્ચામાં રહેવા માટે સતત વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજે સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા ઓફલાઈન રાખવાની માગ સાથે પાણીના બીલ અને ટેક્સટાઈલ માર્કેટમાં અપાયેલી સસ્તી જગ્યા સહિતના કુલ 3 મુદ્દે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી દ્વારા શાસકોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અગાઉ પાલિકામાં હોબાળો મચાવનારા વિરોધ પક્ષના કાઉન્સિલરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગતરોજ તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. જો કે 3 માગોને લઈને વિરોધ પક્ષના નેતા ઉપવાસ પર યથાવત રહ્યાં છે. વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આજે આપના કાર્યાલય ખાતે ઉપવાસ યથાવત રાખતા તેમની સાથે અન્ય કાઉન્સિલરો પણ જોડાયા છે. આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રજાલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં લેવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે. જેના વિરોધમાં ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં પાસેથી ઉપવાસ ઉપર બેસવાની જે 30મીના રોજ વિપક્ષના પ્રતિનીઘી ઘમેઁશ ભંડેરી દ્વારા જાહેરાત કરવામાં આવેલી તે જાહેરાતને યથાયત છે, ધર્મેશ ભંડેરીની સાથે ઉપવાસમાં વોર્ડ નં.3ના નગરસેવક કનુભાઇ ગેડીયા , વોર્ડ નં.4 ના નગરસેવક ધર્મેન્દ્રભાઇ વાવલીયા અને કાર્યકર્તાઓ પણ કાર્યાલય ખાતે ઉપવાસમાં જોડાયા છે. યોગ્ય નિરાકરણ ન આવે તો જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.