Page Views: 4180

કરુણાના રાણી મહાન અભિનેત્રી મીના કુમારી

વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’.હિરોઈન તરીકેની પહેલી જ ફિલ્મથી મીના કુમારી સ્ટાર બની ગયાં

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

મશહુર અભિનેત્રી મીના કુમારીને ગુજરી જવાને ૪૯ વર્ષ થયાં. ૩૧ માર્ચ, ૧૯૭૨ના રોજ તેમનું માત્ર ૩૯ વર્ષની નાની વયે નિધન થયું હતું. મીના કુમારીનું મૂળ નામ માહજબીન બાનું હતું. તેઓ કવયિત્રી પણ હતાં. ભારતીય ફિલ્મોની સૌથી વધુ જાણીતી-માનીતી અભિનેત્રીઓમાંના તેઓ એક હતાં. તેમનાં બાળપણથી શરુ થયેલી અને મૃત્યુ સુધી જારી રહેલી તેમની કરિયર ૩૦ વર્ષ ચાલી હતી. નેવુંથી વધુ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. તેમાંની ઘણી આજે ક્લાસિક ગણાય છે.

ભારતની મધ્યમ વર્ગની પીડિત નારીના પાત્રોમાં મીના કુમારી સૌથી વધુ જચ્યા. તેમના દુઃખ અને કરુણાએ મીના કુમારીને ‘કરુણાની રાણી – ટ્રેજેડી ક્વિન’ બનાવ્યાં. તેમની આવી ભૂમિકાઓએ અનેક ફિલ્મોને સફળતા આપવી. ‘નારી તેરી યહી કહાની, ખાલી આંચલ ઔર આંખો મેં પાની’ જાણે સફળતાનો મંત્ર બની ગયો હતો.

તેમણે ભજવેલા ‘સાહિબ બીબી ઔર ગુલામ’ (૧૯૬૨)ની છોટી બહુના પાત્રની જેમ તેઓ ખુદ શરાબના રવાડે ચડી ગયાં. વધુ પડતાં શરાબ સેવનને કારણે તેમનું જીવન અને કારકિર્દી જોખમમાં મુકાયા. તેમના સંબંધો તકલીફમાં મુકાયા, આરોગ્ય કથળ્યું, અને ‘લીવર સીરોઈસિસ’ એ મીના કુમારીનો જાન લીધો. આ કલાકાર જાણે જીવનમાં પણ તેમનાં પાત્રો જ જીવી ગયાં.

અલી બક્સ અને ઇકબાલ બેગમને ખુર્શીદ અને મધુ પછી ત્રીજી દીકરી આવી. ગરીબ શિયા મુસ્લિમ મા-બાપ પાસે ડીલીવરી કરાવનાર ડો. ગદરેની ફી ચૂકવવાના પૈસા નહોતાં. બાપ આ બાળકીને મુસ્લિમ યતીમખાનામાં મૂકી આવ્યા. જોકે થોડા કલાક પછી પાછી પણ લઇ આવ્યા હતા. પિતાજી પારસી નાટકોના પીઢ કલાકાર હતા. તેઓ હાર્મોનિયમ વગાડતા, સંગીત શીખવતા, ઉર્દુ કવિતા લખતા. ‘ઇદ કા ચાંદ’ જેવી ફિલ્મોમાં તેમણે નાની ભૂમિકાઓ પણ કરી હતી તો ‘શાહી લુટેરે’ જેવી ફિલ્મોનું સંગીત પણ આપ્યું હતું.

માત્ર સાત વર્ષની કુમળી વયે જયારે માહજબીન કેમેરા સામે આવી ત્યારે તેને નામ મળ્યું, ‘બેબી મીના’. ‘ફરઝંદ-એ-વતન યાને લેધરફેસ’ (૧૯૩૯) એ તેમની પહેલી ફિલ્મ હતી. પ્રકાશ સ્ટુડીઓના વિજય ભટ્ટ તેના નિર્દેશક હતા. ૧૯૪૦ના દાયકામાં બેબી મીના એકલી જ કામ કરતી અને આખા પરિવારનું પોષણ કરતી. તેની કિશોરાવસ્થામાં તેને ‘મીના કુમારી’ નામ મળ્યું. શરૂઆતમાં તેમણે ધાર્મિક ફિલ્મો કરી. પણ ૧૯૫૨માં આવી, વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’.હિરોઈન તરીકેની પહેલી જ ફિલ્મથી મીના કુમારી સ્ટાર બની ગયાં.

મીના કુમારીને એક ફિલ્મના સેટ પર કમાલ અમરોહી મળ્યા અને પ્રેમ થયો ત્યારે મીનાની ઉમર ૧૯ અને કમાલની ઉમર ૩૪ વર્ષની હતી.ઉત્તર પ્રદેશના અમરોહાના ઉર્દુ શાયર અને સોહરાબ મોદીની ફિલ્મો અને ‘મુઘલ-એ-આઝમ’ના સંવાદ લેખક કમાલ અમરોહી ત્રણ વાર પરણ્યા હતા. પહેલા પત્ની બાનો, જેઓ નરગીસના માતા જદ્દન બાઈના સાથી હતાં, તેમનું નિધન અસ્થમાને કારણે થયું હતું. તેમના બીજા પત્ની મેહમૂદી હતાં, તેમને ત્રણ સંતાન હતાં. અમરોહીએ મીના કુમારીને સૈયદ ના હોવાને કારણે સંતાન નહોતું આપ્યું. બીજી પત્નીના દીકરા તાજદારને મીનાએ ઉછેરવાનો હતો. લગ્ન પછી તેમણે પોતાના પ્રેમ જીવન પર ‘દાયરા’ ફિલ્મ બનાવી, જે નિષ્ફળ ગઈ. બીજી ફિલ્મ ‘પાકીઝા’ ૧૯૫૬માં શરુ કરી. જે ૧૬ વર્ષે બની રહી. ૧૯૭૨માં ફિલ્મ રજૂ થઇ પરંતુ તેમનું લગ્ન જીવન તો ૧૯૫૨ – ૧૯૬૪ (૧૨ વર્ષ) જ ટક્યું. છતાં મીના કુમારી એક પીઢ અભિનેત્રીને છાજે તેમ પતિથી છુટા પડ્યા પછી પણ ‘પાકીઝા’ પૂરી કરવા માટે પોતાનાથી થાય તે બધું જ કરી છૂટ્યાં. કમાલ તો ફરી પરણ્યા પણ હતા. મીના કુમારી પોતે ભજવેલા ‘સાહિબ બીબી ઔર ગુલામ’ના છોટી બહુના પાત્રની જેમ શરાબી બની ગયાં. સ્વાસ્થ્ય જવાબ દઈ ગયું હતું. ત્યાં સુધી કે ઊભા થઈને શૂટિંગ કરવા માટે પણ જઈ શકાતું નહોતું. ‘પાકીઝા’ના દૂરથી લેવાયેલાં અનેક દ્રશ્યોમાં મીના કુમારીને બદલે અભિનેત્રી પદ્મા ખન્નાને ‘ડબલ’ તરીકે ઊભા રખાયા હતાં. અંતે ‘પાકીઝા’ માર્ચ, ૧૯૭૨માં રજૂ થઇ અને નિષ્ફળ ગઈ. મીના કુમારી પૂર્ણ રીતે ભાંગી પડ્યા હતાં. અંતે, ‘પાકીઝા’ રજૂ થયાના ત્રીજા સપ્તાહે ૨૮ માર્ચે મીના કુમારીને સેન્ટ એલીઝાબેથ નર્સિંગ હોમમાં દાખલ કરાયા. તેમણે કમાલને છેલ્લા શબ્દો કહ્યાં, ‘મારે તમારા હાથમાં મરવું છે.’ અને કોમા માં સરી પડ્યાં. ત્રણ દિવસ પછી ૩૧ માર્ચ, ૧૯૭૨ના રોજ માત્ર ૩૯ વર્ષની ઉમરે આ મહાન અભિનેત્રીએ જગતના તખ્તા પરથી આંસૂભરી વિદાય લીધી. મૃત્યુનું કારણ હતું, સીરોસીસ ઓફ લીવર. દારુ જીતી ગયો, મીના જી હારી ગયાં. તેમને મઝગાવના નારિયેલવાલી કબ્રસ્તાનમાં દફનાવાયા. તેમણે જાતે જ લખી આપેલાં શબ્દો તેના પર કોતરાયા, ‘તેણીએ તૂટેલા સાઝ સાથે જીવન પુરું કર્યું, તૂટેલા ગીત સાથે, તૂટેલા દિલ સાથે પણ કોઈ પછતાવા વિના..’ ‘પાકીઝા’ મીના કુમારીની છેલ્લી ફિલ્મ બની ગઈ. ગીતો તો હીટ બન્યાં જ હતાં, દર્શકો પોતાની પ્રિય અભિનેત્રીને જોવા સિનેગૃહમાં ગયાં. ફિલ્મ ન ધારેલી સફળતા મેળવી ગઈ. મીના કુમારીની પ્રેમી-પતિ કમાલ અમરોહીને અપાયેલી એ છેલ્લી ભેટ હતી. ૧૯૯૩માં મૃત્યુ પામેલા કમાલને મીના કુમારી સાથે દફનાવાયા.

મીના કુમારી હંમેશા યાદ રહેશે તેમની મહાન ભૂમિકાઓ માટે, બૈજુ બાવરા, પરિણીતા, ફૂટપાથ, અઝાદ, મીસ મેરી, યહૂદી, સહારા, ચિરાગ કહાં રોશની કહાં, કોહિનૂર, દિલ અપના ઔર પ્રીત પરાઈ, ભાભી કી ચૂડીયાં, સાહિબ બીબી ઔર ગુલામ, મૈ ચૂપ રહુંગી, આરતી, દિલ એક મંદિર, સાંજ ઔર સવેરા, ચિત્રલેખા, ભીગી રાત, બહુ બેગમ, બેનઝીર, કાજલ, ફૂલ ઔર પથ્થર, મેરે અપને, દુશ્મન અને પાકીઝા માટે. મીના કુમારીના યાદગાર ગીતો: બચપન કી મોહબ્બત કો (બૈજુ બાવરા), ગોરે ગોરે હાથોં મેં (પરિણીતા), કિતના હસીં હૈ મોસમ (આઝાદ), મેરી જાં મેરી જાં (યહૂદી), દો સિતારોં કા જમી પર હૈ મિલન (કોહિનૂર), અજીબ દાસ્તાં હૈ યે (દિલ આપના ઔર પ્રીત પરાઈ), ન જાઓ સૈયા ચુરા કે બૈયા અને પિયા ઐસો જીયા મેં સમાઈ ગયો રે (સાહિબ બીબી ઔર ગુલામ), રુક જા રાત ઠહર જારે ચંદા અને હમ તેરે પ્યાર મેં સારા આલમ (દિલ એક મંદિર), સંસાર સે ભાગે ફિરતે હો (ચિત્રલેખા), દિલ જો ન કેહ સકા (ભીગી રાત), દુનિયા કરે સવાલ તો (બહુ બેગમ), તોરા મન દર્પણ કેહલાયે (કાજલ), યુંહી કોઈ મીલ ગયા થા (પાકીઝા).