Page Views: 9367

આપના ધરપકડ કરાયેલા કોર્પોરેટરોને કોર્ટમાં રજૂ કરાયા ભાજપ પર તાનાશાહી ચલાવવાનો આરોપ

સુરત મહાનગર પાલિકાની ઓફ લાઇન સભા બોલાવવાની માંગણી પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ગત રોજ હોબાળો મચાવ્યો હતો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ગત રોજ સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભા ઓફ લાઇન બોલાવવાની માંગણી કરવામાં આવી હતી. તેમજ સુરત મહાનગર પાલિકાના ગેટ સામે દેખાવો કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેથી લાલગેટ પોલીસ દ્વારા આપના કોર્પોરેટરો અને કાર્યકરોને હટાવવાનો પ્રયાસ કરાયો હતો. તમામ 19 કોર્પોરેટરોની અટકાયત કર્યા બાદ મોડી સાંજે પોલીસે આપના દેખાવ કરનારા કોર્પોરેટરો અને કાર્યકરો વિરૂધ્ધ પેન્ડેમિક એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો. અટકાયત કરાયેલા કોર્પોરેટરોને રાત્રે કતારગામ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં લાલગેટ પોલીસે આજે સવારે કાર્યકરો અને નગર સેવકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ ભાજપના ઇશારે પોલીસ કામ કરતી હોવાના આરોપ સાથે ભાજપ દ્વારા તાનાશાહી ચલાવવામાં આવતી હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો.પાલિકાના શાસકો દ્વારા ઓનલાઇન બજેટ સભા રાખવામાં આવતા આપના કોર્પોરેટરોએ ઓફલાઇન સભા, સોનાની લગડી જેવી જમીન પાણીના ભાવે પધરાવાના ભાજપ શાસકોના નિર્ણય તેમજ પાણી બિલના મુદ્દે પાલિકાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી સમક્ષ ભારે વિરોધ કરતા અફરાતફરી મચાવી હતી. જેથી વિરોધ કરતાં આપના કાઉન્સિલરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ દ્વારા આજે કાઉન્સિલરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. એ વખતે કોર્ટ પરિસર બહાર આપના કાર્યકરોએ ભાજપની તાનાશાહી હોવાની નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે લાલગેટ પોલીસ મથકે ધરપકડ થયેલા કાઉન્સિલરને કોર્ટમાં રજૂ કરવા માટે પોલીસ લઈ ગઈ હતી. કોર્ટ પરિસર બહાર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપના કાર્યકરોએ ભાજપની તાનાશાહી અને ગુંડાગર્દીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આપના કાર્યકરોએ કહ્યું કે, ભાજપની તાનાશાહી ચાલી રહી છે. ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવતાં પોલીસ પણ તેમના ઈશારે કામ કરી રહી છે. ભાજપે લોકોના રૂપિયાની લ્હાણી કરી છે. જેનો વિરોધ કરતાં પોલીસે પણ ગેરવર્તન કર્યું હતું.