Page Views: 3795

સદાબહાર ગીતકાર આનંદ બક્ષી કે જેમણે 3500થી વધારે ગીતો લખ્યા

બે પેઢીના ગાયકો અને સંગીતકારો સાથે આનંદ બાબુએ કામ કર્યું છે

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર આનંદ બક્ષીની ૧૯મી પુણ્યતિથિ. ૩૦ માર્ચ, ૨૦૦૨ના રોજ ૭૨ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેમનું મૂળ નામ બખ્શી આનંદ પ્રકાશ વૈદ હતું. તેમના પૂર્વજોમૂળ કાશ્મીરના હતાં, તેઓ રાવલપિંડી પાસેના કુર્રીના મોહયાલ બ્રાહ્મણ પરિવારના હતા. આનંદ પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતા સુમિત્રાનું નિધન થયું હતું. દેશના ભાગલા પછી તેમનું પરિવાર ડાકોટા વિમાન દ્વારા દિલ્હી આવીને વસ્યું. ત્યારે આનંદ ૧૭ વર્ષના હતા. ત્યાંથી તેઓ પહેલાં પુણે, પછી મિરત અને અંતે દિલ્હીમાં જ વસ્યા.બચપણથી બક્ષીને કવિતા કરવાનો શોખ હતો. ૧૯૮૩માં દૂરદર્શનની મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે તેઓ અભ્યાસ બાદ ભારતીય સેનામાં જોડાયા હતા. જ્યાં સમય ન મળતાં તેઓ ઓછું લખતા હતા. તેઓ થોડા વર્ષ સેનામાં રહીને ત્યાંથી જ તેમના ગીતો મુંબઈની ફિલ્મોમાં આવે તેવું કરતા રહ્યા. પછી ૧૯૫૬માં ગાયક, ગીતકાર કે સંગીતકાર બનવા મુંબઈ આવ્યા. જેમાંથી તેઓ સફળ ગીતકાર બન્યા.બ્રીજ મોહનની ફિલ્મ ‘ભલા આદમી’ (૧૯૫૮)થી તેમણે શરૂઆત કરી, જેમાં ભગવાન દાદા હતા. વધુ થોડી ફિલ્મોમાં લખ્યાં બાદ કલ્યાણજી આનંદજીની ‘મેંહદી લગી મેરે હાથ’માં સફળતા મળી. ‘કાલા સમંદર’ ની કવ્વાલી ‘મેરી તસ્વીર લેકર ક્યા કરોગે’માં તેમનું નામ થયું. પણ ‘હિમાલય કી ગોદ મેં’માં જબ્બર સફળતા મળી. તરત જ ‘જબ જબ ફૂલ ખિલે’ આવી પછી સુપર હીટ ‘મિલન’ આવી. બસ, અહીંથી આનંદ બક્ષી એવાં જામી ગયાં કે તેમણે ૬૩૮ ફિલ્મોમાં ૩,૫૦૦થી વધુ ગીતો લખ્યાં.‘મોમ કી ગુડિયા’ (૧૯૮૨) જેમાં તેમણે ‘બાગો મેં બહાર આઈ’ ગીત લતાજી સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયું પણ હતું.

તેમણે એટલો લાંબો સમય અને સંખ્યામાં ગીતો લખ્યાં કે ગાયકો અને સંગીતકારોની બે પેઢી સાથે તેમણે કામ કર્યું. કિશોર કુમારથી કુમાર સાનુ અને શમશાદ બેગમથી કવિતા કૃષ્ણમૂર્થી સહિતના ગાયકોએ તેમના ગીતો ગાયા. તેઓ જે ફિલ્મોના ગીતો માટે યાદ કરાશે તેમાં ‘હિમાલય કી ગોદ મેં’, ‘દેવર’, ‘આસરા’, ‘જબ જબ ફૂલ ખિલે’, ‘મિલન’, ‘દો રાસ્તે’, ‘આરાધના’, ‘અમર પ્રેમ’, ‘હરે રામ હરે કૃષ્ણ’, ‘મૈ તુલસી તેરે આંગન કી’, ‘સીતા ઔર ગીતા’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘રોટી’, ‘જીને કી રાહ’, ‘આન મિલો સજના’, ‘શરાફત’, ‘ખિલૌના’, ‘મર્યાદા’, ‘કટી પતંગ’, ‘રાજા ઔર રંક’, ‘ફર્ઝ’, ‘લોફર’, ‘પિયા કા ઘર’, ‘અપના દેશ’, ‘આપકી કસમ’, ‘બોબી’, ‘મૈ સુંદર હું’, ‘અમર અકબર એન્થની’, ‘ધરમ વીર’, ‘શાલીમાર’, ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘જુલી’, ‘જવાની દીવાની’, ‘દોસ્તાના’, ‘હીરો’, ‘તકદીર’, ‘લવ સ્ટોરી’, ‘અવતાર’, ‘આશા’, ‘મિ. નટવરલાલ’, ‘સરગમ’, ‘જાનેમન’, ‘જુદાઈ’, ‘નમક હરામ’, ‘જીવન મૃત્યુ’, ‘શોલે’, ‘શાન’, ‘શક્તિ’, ‘સચ્ચા જુઠા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને યાદ કરી શકાય. પણ ત્યાર બાદની ‘પરદેશ’, ‘દુશ્મન’, ‘તાલ’, ‘મોહબ્બતેં’, ‘ગદર: એક પ્રેમ કથા’ કે ‘યાદેં’માં પણ તેમના ગીતો હતાં.

આનંદ બક્ષીએ લક્ષ્મીકાંત પ્યારેલાલ માટે ૩૦૨, રાહુલદેવ બર્મન માટે૯૯, કલ્યાણજી આનંદજી માટે ૩૨, અનુ મલિક માટે ૨૪, રાજેશ રોશન માટે ૧૩, સચિન દેવ બર્મન માટે ૧૩, આનંદ મિલિન્દ માટે ૮, રોશન માટે ૭, જતીન લલિત માટે ૭, એસ. મોહિન્દર માટે ૭, ભપ્પી લાહિરી માટે ૮, વિજુ શાહ માટે૮, એન. દત્તા માટે ૬, શિવ હરિ માટે ૫, ઉત્તમ સિંઘ માટે ૬, એ.આર. રેહમાન માટે ૩, રવીન્દ્ર જૈન માટે ૩, ઉષા ખન્ના માટે ૩, ચિત્રગુપ્ત માટેબે ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા. તે ઉપરાંત અન્ય અનેક સંગીતકારો સાથે તેઓ ગીતકાર રૂપે જોડાયા હતા.

જે નિર્દેશકોની ફિલ્મોમાં આનંદ બક્ષીએ સૌથી વધુ ગીતો લખ્યાં તેમાં ટી. રામા રાવની ૨૩ ફિલ્મો, રાજ ખોસલાની ૨૧,સુભાષ ઘાઈની ૧૫, શક્તિ સામંતની ૧૪, કે. બાપૈયાની ૧૦,મહેશ ભટ્ટની ૧૦, પ્રમોદ ચક્રવર્તીની ૧૦, દુલાલ ગુહાની ૯, રવિ નાગાઈચની ૮, મોહન કુમારની ૮, મનમોહન દેસાઈની ૮, જે. ઓમપ્રકાશની ૮, યશ ચોપ્રાની ૮, રાહુલ રવૈલની ૮, હૃષીકેશ મુખર્જીની ૫, રામાનંદ સાગરની ૫, આસિત સેનની ૪, રાજકુમાર કોહલીની ૪, તથા એલ.વી.પ્રસાદ કે દેવ આનંદની ત્રણ ત્રણ ફિલ્મોમાં ગીતો લખ્યાં હતા.

આનંદ બક્ષીના ૪૦ ગીતોને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીત રૂપે નામાંકન મળ્યાં હતાં, જેમાંથી ચારને એવોર્ડ મળ્યાં હતાં. એ ગીતો હતાં, ‘આદમી મુસાફિર હૈ (અપનાપન), તેરે મેરે બીચ મેં કૈસા હૈ (એક દુજે કે લિયે), તુજે દેખા તો યે (દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે) અને ઈશ્ક બિના ક્યા જીના યારો (તાલ).

પાછલી ઉમરમાં બક્ષી સાહેબને હૃદય અને ફેફસાંની બીમારી થઇ હતી. તેઓ આજીવન સિગરેટ પીતા રહ્યા તેનું તે ફળ હતું. ૨૦૦૨ના માર્ચમાં તેમને બેક્ટેરિયાનો ચેપ લાગ્યો, મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં નાનું ઓપરેશન થયું, અને મલ્ટીપલ ઓર્ગન ફેલીયોરના કારણે ૩૦ માર્ચ ૨૦૦૨ના રોજ ૭૨ વર્ષની વયે તેમનું નિધન થયું. ત્યારે તેમના ગીતોવાળી છેલ્લી ફિલ્મ ‘મેહબૂબા’ રજૂ થઇ હતી.

આનંદ બક્ષીની ખાસિયત એ રહી કે તેઓ કોઈ પણ સ્થિતિ પર ઝડપથી અને સરળ ભાષાના ગીતો લખી શકતા. જેમકે‘કોરા કાગઝ થા યે મન મેરા, લીખ લિયા નામ ઉસપે તેરા’, ‘ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે’ કે‘ન કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી ઝીંદગી હૈ ક્યા, એકકટીપતંગ હૈ’ કે‘અચ્છા તો હમ ચલતે હૈ, ફિર કબ મિલોગે, જબ તુમ કહોગે’. આ બધાં ગીતો સુપર હીટ થયાં હતાં. અહીં કાવ્ય તત્વ પણ છે અને સરળતા પણ છે. જે અનેક બોલી-ભાષાઓમાં વહેંચાયેલા હિન્દી ફિલ્મોના દર્શકો સરળતાથી સમજી શકતાં હતાં. કહે છે કે બક્ષી કોઈ એક ફિલ્મના પાંચ-છ ગીતો, ફિલ્મની જરૂરિયાત મુજબ, મુંબઈની લોકલ ટ્રેનમાં બેસી, ટ્રેઈન ચર્ચગેટથી બોરીવલી પહોંચે ત્યાં સુધીમાં લખી શકતા. આને કહેવાય માસ્ટરી. તેની સામે તેમણે ઉર્દુ-હિન્દીની મહાન કવિતાઓ-ગઝલ પણ આપી છે, ‘કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે’, કે‘બહારોં ને મેરા ચમન લૂટ કર, ખિઝા કો યે ઈલ્ઝામ કયું દે દિયા?’ કે‘ચાંદ સી મેહબૂબા હો મેરી કબ, ઐસા મૈને સોચા થા, હાં તુમ બિલકુલ વૈસી હો, જૈસા મૈને સોચા થા’ કે‘યહાં મૈ અજનબી હું, મૈ જો હું બસ વહી હું’. આનંદ બક્ષી જેવા ગીતકારો ક્યારેક જ જોવા મળે છે.