મહુવા-વર્તમાનન્યૂઝ.કોમ
મહુવા તાલુકાના કાટીકડા ગામે રહેતા અને ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વીડિયો વાયરલ કર્યાની અદાવત રાખી આજે સવારે બે શખસોએ વિદ્યાર્થીને વાડીએથી ઉઠાવી લઇ પાઇપના મરણતોલ ફટકા મારતા ગંભીર હાલતે ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેણે અંતિમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો જેના પગલે પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મહુવા તાલુકાના કાટીકડા ગામે રહેતા અને ભાવનગર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રવિણભાઇ ગભાભાઇ ધાપા આજે સવારના ૧૧ કલાકના અરસા દરમિયાન પોતાની ગામ સીમાડે આવેલ વાડીએ હતા તે વેળાએ બે શખસોએ તેને ઉઠાવી જઇ પાઇપ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા તાત્કાલિક સારવાર અર્થે પ્રવિણભાઇને ભાવનગર સર ટી. હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન આજે સાંજના ૪.૨૫ કલાકના સુમારે તેઓનું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી અને મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો.
મૃતક યુવાન પ્રવિણભાઇના દાદાના દિકરા મથુરભાઇ તેજાભાઇ ધાપાએ જણાવ્યું હતું કે, પ્રવિણભાઇએ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કર્યો હતો જેની દાઝ રાખી આજ ગામમાં રહેતા મહિપત અને મેરામ નામના શખસોએ સવારે પ્રવિણભાઇને વાડીએથી તેઓની વાડીએ ઉઠાવી જઇ પાઇપના ઘા ફટકાર્યાં હતાં જેના પગલે પ્રવિણભાઇનું સારવારમાં મૃત્યુ નિપજવા પામ્યુ હતું. ઉક્ત ઘટનાની જાણ થતા દાઠા પોલીસ મથકનો કાફલો કાટીકડા ગામ ત્યારબાદ ભાવનગર સર ટી. હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
• Share •