Page Views: 3029

રાજ્યમાં આવતી કાલે તાલુકા, જિલ્લા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીઓ

31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકા માટે મતદાન યોજાશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આવતીકાલે રવિવારે મતદાન યોજાશે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. ૨ માર્ચે મત ગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં પહેલા તબક્કામાં ૬ મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ. જેમાં ભાજપે બાજી મારી છે અને હવે તાલુકા-જિલ્લા-પાલિકાની ચૂંટણી પ્રચારમાં તમામ પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. મહાનગરપાલિકાની ચૂંટણીમા ફટકો પડતા કોંગ્રેસ પણ દોડતી થઈ છે. તો બીજી તરફ, જિલ્લા-તાલુકા અને પાલિકામાં ૨૮ તારીખે મતદાન માટે ગુજરાત પોલીસ પણ સજ્જ છે. ચૂંટણી બંદોબસ્ત માટે ૨૬ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને ૬૫ કંપની તૈનાત કરાયા છે. ૯૭ આંતર રાજય અને ૪૩૭ આંતરિક ચેકપોસ્ટ બનાવાઈ છે, જેથી નજર રાખી શકાય.

૬ મહાનગરપાલિકા પછી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના બીજા તબક્કામાં પાલિકા અને પંચાયતો માટે આવતીકાલે ૨૮ ફેબ્રુઆરીએ રવિવારે ૫૪૮૧ બેઠકો માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિત કુલ ૨૨,૧૭૦ ઉમેદવારો મેદાનમાં છે. શુક્રવારે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં ભાજપના મોટા નેતાઓએ મતદારોને રીઝવવા માટે અંતિમ તબક્કાનો ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. ભાજપના દિગ્ગજ નેતાઓએ રેલી તથા રોડ શો કરીને મતદારોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.