Page Views: 4853

સંરક્ષણ મંત્રાલયે કાપડ સંબંધિત જરૂરિયાતોની માહિતી ચેમ્બરને મોકલી, કાપડ ઉદ્યોગ માટે વિશાળ તક

ભારતીય સેના માટે ટ્રાઉઝર્સ, કોટ, ગ્લેસિયર મેટ્રેસ, સ્લીપીંગ બેગ સ્પેશિયલ, એકસ્ટ્રીમ કલોથ વેધર કલોથિંગ સિસ્ટમ, ગ્લોવ્ઝ એન્ડ સોકસ વિગેરે વસ્તુઓની જરૂરિયાત

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના ડિફેન્સ સેક્રેટરી ડો. અજય કુમારને સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગની માહિતી આપી દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલા લઘુ ઉદ્યોગો ડિફેન્સ સપ્લાય ચેઇનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી શકે તેમ હોવાથી તે અંગેની માહિતી લઘુ ઉદ્યોગો સુધી પહોંચાડવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ દ્વારા ડિફેન્સ ક્ષેત્ર માટે યુનિફોર્મ, પેરાશુટ, અમ્બ્રેલા, ટેન્ટ અને સેફટી શુઝનું મેન્યુફેકચરીંગ કરવાની શકયતા રહેલી છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું. દરમ્યાન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય તરફથી ભારતીય સેના માટે રહેલી જરૂરિયાત વિશે ચેમ્બરને માહિતી પાઠવવામાં આવી છે. જેમાં ભારતીય સેના માટે ટ્રાઉઝર્સ, કોટ, ગ્લેસિયર મેટ્રેસ, સ્લીપીંગ બેગ સ્પેશિયલ, એકસ્ટ્રીમ કલોથ વેધર કલોથિંગ સિસ્ટમ, ગ્લોવ્ઝ એન્ડ સોકસ વિગેરે વસ્તુઓની જરૂરિયાત રહે છે તેમ જણાવવામાં આવ્યું છે. ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેકસટાઇલના એકમો જો ભારતીય સેના માટેની આ જરૂરિયાત પૂરી પાડી શકશે તો ભવિષ્યમાં કાપડ ઉદ્યોગ માટે ખૂબ જ વિશાળ તક ઉભી થવાની શકયતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયને સમયસર અને તાત્કાલિક ધોરણે ટેકસટાઇલ સંબંધિત જરૂરિયાતો પૂરી પાડીશું તો કાપડ ઉદ્યોગને નવી ફિલ્ડ મળી શકે તેવી સંભાવના છે. તેમણે વધુમાં કહયું હતું કે, આ અંગે ચેમ્બર દ્વારા દક્ષિણ ગુજરાતમાં આવેલા ટેકસટાઇલના ઉદ્યોગપતિઓ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. સાથે જ કાપડ ઉદ્યોગ માટે ઉભી થયેલી નવી તકને કેવી રીતે ઝડપી શકાય? તે વિશે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે. ટૂંક સમયમાં ચેમ્બર આ દિશામાં મિટીંગ અથવા અવેરનેસ પ્રોગ્રામનું પણ આયોજન કરશે. આ અંગેની વધુ માહિતી મેળવવા માટે ટેકસટાઇલના એકમો ચેમ્બર (૦ર૬૧ – રર૯૧૧૧૧)નો સંપર્ક કરી શકશે.