Page Views: 6857

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું મુંબઇની હોટલમાં શંકાસ્પદ હાલતમાં મોત

પોલીસને હોટલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવતા આત્મહત્યાની આશંકા

મુંબઇ-વર્તમાનન્યૂઝ.કોમ

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકર (58)નો મૃતદેહ આજે મરિન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે. આ પ્રકરણે આત્મહત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેલકરની હોટલ રૂમમાંથી પોલીસને ગુજરાતી ભાષામાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. મોહન ડેલકર અપક્ષ સાંસદ હતા અને તેમના પરિવારમાં પત્ની કલાબેન અને બે બાળકો અભિનવ અને દિવિતાનો સમાવેશ થાય છે.મોહન ડેલકરે આત્મહત્યા પહેલા ગુજરાતીમાં લખેલી સુસાઈડ નોટમાં અમુક મોટા નેતાઓના નામ લીધા હોવાની શક્યતા વર્તાવવામાં આવી રહી છે. પોલીસે આ સુસાઈડ નોટ તાબામાં લઈ ડેલકરના મૃતદેહને જે.જે. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ સંદર્ભે મુંબઈ પોલીસના પ્રવકતા અનુસાર મૃત્યુનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ જ જાણવા મળશે. ડેલકર 1989માં પ્રથમવાર દાદરા અને નગર હવેલીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ટ્રેડ યુનિયન નેતા તરીકે કરી હતી. ત્યારબાદ તેઓ સતત સાતવાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2009માં તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો જોકે 1998માં તેઓ ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને 2019ની લોકસભાની ચૂંટણી તેઓ અપક્ષ તરીકે લડયા હતા. હાલ તેઓ લોકસભાની વિવિધ સમિતિમાં પણ કાર્યરત હતા.