Page Views: 9472

ચૂંટણી પુરી થઇ સુરતીઓ કોરોનાનો દંડ ભરવા તૈયાર થઇ જાવ

પાલિકા કમિશનરે તમામ ઝોનને માસ્ક સહિતના મુદે સઘન કાર્યવાહી કરવા આદેશ કર્યો- પ્રજાની ગરજ પુરી થઇ હોવાથી હવે પોલીસ અને પાલિકા લુટણવાડો ચલાવશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

કોરોનાના કેસમાં ઘટાડો દર્શાવવામાં આવતો હતો તેમાં હવે આજથી વધારો થશે અને આંકડો વધશે કેમ કે, રાજકીય પાર્ટીઓએ કોરોનાની કોઇ ગાઇડ લાઇનનું પાલન કર્યું નથી. પરંતુ હવે શહેરના સામાન્ય નાગરિકોએ પાલિકા અને પોલીસના લુંટણવાડાનો ભોગ બનવું પડશે એ વાત ચોકકસ છે. આજથી ચૂંટણી પૂરી થતાની સાથે જ મહાનગરપાલિકાએ કોરોનાની કામગીરી આક્રમક બનાવવાનો નિર્ણય કરતા પાલિકાના આ નિર્ણય સામે આગામી દિવસોમાં વિરોધ થઇ શકે છે. રાજકારણીઓ સામે ઘૂંટણ ટેકવી દેનાર મહાનગરપાલિકા હવે સુરતી પ્રજા પાસે આકરો દંડ વસૂલી ને ખિસ્સા ખંખેરી લેશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ સતત કોરોનાના કેસ માં ઘટાડો આવતો હતો. જેને કારણે મહાનગરપાલિકાની કોઈ જ કામગીરી પણ ધીમી પડી ગઇ હતી. ચૂંટણીની જાહેર સભા પ્રચાર અને રેલીને કારણે ફરી કોરોના માથું ઉચકે તેમ છે. જેને કારણે મહાનગરપાલિકાએ ફરી એકવાર લોકો સામે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મહાનગર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ તમામ ઝોનને સૂચના આપી છે કે આગામી બે દિવસમાં કોરોના અટકાવવા માટેની કામગીરી વધુ સઘન બનાવાશે. તેઓ સૂચના આપી છે કે શાળા અને કોલેજ કે ટ્યુશન ક્લાસમાં એક પણ પોઝિટિવ કેસ આવે તો તે સંસ્થાને 14 દિવસ માટે બંધ કરાવી દેવાશે. આ ઉપરાંત માસ્ક નહીં કે પહેલા સામે પણ દંડ વસુલવાની કામગીરી વધુ આક્રમક બનાવાશે અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ કરાશે. જાહેર સ્થળોમાં લોકો ભેગા થાય તો સંક્રમણ થવાની શક્યતા વ્યક્ત કરતી મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં કોરોના નિયંત્રણ માટેની ગાઇડ લાઇનનો કડકાઇથી અમલ કરવા માટે ની સૂચના આપી છે.