Page Views: 5253

ચેમ્બર દ્વારા આવતી કાલથી સુરતના આંગણે ‘સ્પાર્કલ’નું ભવ્ય આયોજન

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન‘સુરત સ્પાર્કલ– ર૦ર૧’માં ૧૦૦થી વધુ ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરર્સ એકજ પ્લેટફોર્મ પર એકત્રિત થશે

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦, ર૧ અને રર ફેબ્રુઆરી ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા છેલ્લાં ચાર વર્ષથી બી ટુ બી ધોરણે એકઝીબીશનનું આયોજન કરવામાં આવી રહયું છે, ત્યારે આ વર્ષે પણ આ અભિગમને જાળવી રાખવામાં આવ્યો છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં ડાયમંડ તથા જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોના બાયર્સને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. સ્પાર્કલના આયોજનમાંં આ વર્ષે પણ શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, તેનાથી સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે, કોવિડ– ૧૯ને કારણે લોકડાઉન બાદ ગુજરાત રાજ્યમાં પ્રથમ ફિઝીકલ એકઝીબીશન ‘સીટેક્ષ એક્ષ્પો’ યોજાયું હતું. ત્યારબાદ હવે ચેમ્બર દ્વારા બીજા ફિઝીકલ એકઝીબીશન તરીકે ‘સ્પાર્કલ પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સ્પાર્કલ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ર૦/ર/ર૦ર૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે યોજાશે. આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલના ચેરમેન કોલીન શાહના વરદ હસ્તે કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં દુબઇ સિટી ઓફ ગોલ્ડના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા મુખ્ય મહેમાન તરીકે તથા જુનાગઢના ભીંડી જ્વેલર્સના માલિક જિતેન્દ્ર ભીંડી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શનમાં નેચરલ ડાયમંડ એન્ડ જ્વેલરી મેન્યુફેકચરર્સ, સિન્થેટીક ડાયમંડ એન્ડ મશીનરી મેન્યુફેકચરર્સ, સમગ્ર હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ ઉત્સાહ દાખવ્યો છે. સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના સહયોગથી ૧૦૦ જેટલા જ્વેલરી મેન્યુફેકચરર્સ ભાગ લઇ રહયા છે. આમ કુલ ૧પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા લુઝ ડાયમંડ, ડાયમંડ જ્વેલરી, મશીનરી અને સિન્થેટીક ડાયમંડનું પ્રદર્શન કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ– ૧૯ પછી જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઉભી નહીં થશે તેવું લાગી રહયું હતું. પરંતુ અમેરિકા અને ચાઇના વચ્ચેના ટ્રેડવોરને કારણે મુંબઇથી જ્વેલરી મેન્યુફેકચરર્સ સુરતમાં સ્થળાંતરિત થઇ રહયા છે. જેનો સીધો લાભ સુરતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને થઇ રહયો છે. ડાયમંડ જ્વેલરીનું એક્ષ્પોર્ટ પણ સુરતથી વધી રહયું છે.

પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

જયંતિ સાવલીયાએ વધુમાં કહયું કે, માઇન્સમાંથી રફ હીરા નીકળ્યા બાદ તેને કટ એન્ડ પોલીશ્ડ કરવામાં આવે છે. ત્યારબાદ તેનો ડાયમંડ જ્વેલરીમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? ત્યાં સુધીની આખી પ્રક્રિયાનું લાઇવ બતાવવામાં આવશે, જે સ્પાર્કલ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

દેશભરમાંથી બાયર્સ સ્પાર્કલની મુલાકાતે આવશે

દેશના મુખ્ય શહેરો જેવા કે દિલ્હી, પંજાબ, ચંડીગઢ, ચેન્નાઇ, કોચી, ક્રિશુર, ત્રિવેન્દ્રમ, મલપ્પુરમ, કાલીકટ, બેંગ્લોર, કોઇમ્બતુર, મુંબઇ, પૂણે તથા ગુજરાતના મુખ્ય શહેરો કે જ્યાં ડાયમંડ એન્ડ ડાયમંડ જ્વેલરીનું મોટાપાયા ઉપર કન્ઝમ્પ્શન થાય છે ત્યાંના મોટા ચેનલ સ્ટોરના સંચાલકોને તથા બાયર્સને રૂબરૂ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ તમામ સ્થળેથી મોટી સંખ્યામાં બાયર્સ તથા વિવિધ એસોસીએશનના પ્રતિનિધી મંડળો સ્પાર્કલ એકઝીબીશનની મુલાકાત લેનાર છે. તદુપરાંત સોશિયલ મિડિયા અને ડિજીટલ માર્કેટીંગના માધ્યમથી પણ દેશ–વિદેશના બાયર્સને સ્પાર્કલ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન સેમિનાર અને પેનલ ડિસ્કશન યોજાશે     

સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન શનિવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ બપોરે રઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સેમિનાર હોલમાં ‘ઇનોવેશન્સ ઇન રિયલ એન્ડ લેબગ્રોન ડાયમંડ એન્ડ ટેકનોલોજીકલ ગ્રોથ ઇન જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ’વિષય ઉપર સેમિનાર યોજાશે. જેમાં નિષ્ણાંત વકતા તરીકે લેકસસ ગૃપના ડાયરેકટર એન્ડ કો–ફાઉન્ડર ઉત્પલ મિસ્ત્રી હેતુલક્ષી વકતવ્ય રજૂ કરશે. સેમિનારમાં પેનલ ડિસ્કશન પણ યોજાશે. જેમાં અંકીત જેમ્સના ડાયરેકટર પ્રિયાંશ શાહ, એલ્વી જ્વેલ્સના ડાયરેકટર કલ્પેશ વઘાસિયા, સુરત જ્વેલરી એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા, ભંડેરી લેબગ્રોન ડાયમંડના સીઇઓ ડો. સ્નેહલ પટેલ અને દુબઇ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગૃપના વાઇસ ચેરમેન ચંદુભાઇ સિરોયા ભાગ લેશે.

સંગીત સંધ્યા અને ફેશન શો યોજાશે

સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન શનિવાર, તા. ર૦ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ સાંજે ૬:૩૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટીનમ હોલ ખાતે બ્રહમાંડ ગૃપ દ્વારા સંગિત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયક ભગીરથ ભટ્ટ સહિતના કલાકારો વિવિધ ગીતો રજૂ કરશે. તદુપરાંત રવિવાર, તા. ર૧ ફેબ્રુઆરી ર૦ર૧ના રોજ સાંજે ૬:૩૦ કલાકે ડો. હીના મોદી અને મિસિસ એશિયા યુનિવર્સ ર૦૧૯ સ્વાતિ જાની દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ડાયમંડ જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.