Page Views: 3818

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક જ દિવસે મત ગણતરી કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી

કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીની મત ગણતરી વહેલી ન કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી

અમદાવાદ-વર્તમાનન્યૂઝ.કોમ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે કરવા અંગેની કોંગ્રેસની અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટમાં કોર્પોરેશન અને નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, આ અરજી હાઇકોર્ટે ફગાવી છે. મતગણતરી ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખે જ થશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન 21મી ફેબ્રુઆરીએ થશે તેમજ મતગણતરી 23મી ફેબ્રુઆરીએ થશે. જ્યારે 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટ મતદાન 28 ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 2 માર્ચના રોજ હાથ ધરાશે. સ્થાનિક ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીમાં ચૂંટણીપંચે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની રજૂઆત કરાઈ હતી.