Page Views: 6995

ઇ.એસ.આઇ. હોસ્પિટલમાં આરોગ્યની સુવિધા વધારવા વિશે ચેમ્બરની શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારને રજૂઆત

શહેરના વિવિધ વિસ્તારોમાં ઇએસઆઇ હોસ્પિટલોના ડિસ્પેન્સરી સેન્ટરો શરૂ કરવા માંગણી

સુરત.વર્તમાનન્યૂઝ.કોમ

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ આજરોજ નવી દિલ્હી ખાતે ભારતના શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારને રૂબરૂ મળી સુરતમાં ઇ.એસ.આઇ. હેઠળ આવતી હોસ્પિટલોમાં સારવારની પરિસ્થિતિથી વાકેફ કરી આરોગ્યની સુવિધા વધારવા માટે નીચે મુજબ વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

૧. ઇ.એસ.આઇ.ની ૧૦૦ બેડેડ મોડેલ હોસ્પિટલ ત્રણ વર્ષમાં બાંધી કામદારોના ઈલાજ માટે ખૂલ્લી મૂકવાનો પ્રોજેકટમાં કોઈ ખાસ પ્રગતિ થઇ ન હોવાથી તેમજ ત્રણ વર્ષની સમય મર્યાદા પણ પૂર્ણ થઇ ગઇ હોવાથી તેના ઝડપી બાંધકામ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ર. ઇ.એસ.આઇ. દ્વારા ઈલાજ માટે મોટા ભાગના કર્મચારીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે, જ્યાં ઇ.એસ.આઇ. ફાળો જમા કર્યા પછી કોઈપણ કામદાર જવાનું પસંદ કરતા     નથી.

૩. સુરત શહેર લગભગ ૪૮૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું છે અને આખા શહેરમાં કુલ ૯થી ૧૦ ઇ.એસ.આઇ. ડિસ્પેન્સરી આવેલી છે. એટલે કે, આશરે ૪૮ કિલોમીટરે એક ડિસ્પેન્સરી ગણાય.     જેમાં વધારો કરવા તેમજ સુરતના અડાજણ, વરાછા, અમરોલી, પાલ, ઉધના, પલસાણા અને વાંઝ વિગેરે જેવા ગીચ વસવાટવાળા વિસ્તારોમાં ડિસ્પેન્સરીની જોગવાઈ કરવા અંગેની માંગ કરવામાં આવી હતી.

૪. સુરત ઇ.એસ.આઇ. હોસ્પિટલોમાં કામદાર અપૂરતા મેડીકલ સ્ટાફ અને અયોગ્ય સુવિધાઓના કારણે સાજા થવાને બદલે વધુ બીમાર પડી રહયા છે.

પ. હાલમાં ફક્ત ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે ઇ.એસ.આઇ.નું જોડાણ છે, જેના લીધે કર્મચારીઓએ પોતાના સ્વખર્ચે સુપર સ્પેશ્યાલિટી સારવાર મેળવવા ઇ.એસ.આઇ.ના ફાળા સિવાય ખર્ચ કરવો પડે છે. જેને ધ્યાને લઇ વધુ પ્રાઇવેટ હોસ્પિટલો સાથે જોડાણની રજૂઆત કરવામાં આવી હતી.

૬. પ્રાઇવેટ હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી સારવારની મંજુરી સરળતાથી મળી રહે અને ગરીબ કામદારનો સમય જટીલ પ્રક્રિયાના પડકારમાંથી બચી રહે તે અંગેની રજૂઆત કરવામાં આવી હતી. વધુમાં, ઇ.એસ.આઇ.ના રોકડ તથા અન્ય લાભોની સેવાને બિરદાવવામાં આવી હતી અને મંત્રાલયના ર૦રર ના વિઝન અંતર્ગત ઇ.એસ.આઇ. સ્કીમની દેશમાં સારી રીતે અમલવારી થાય તે માટે ચેમ્બર દ્વારા મંત્રાલયને શુભેચ્છાઓ અને સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવી હતી. સાથે સાથે મજુર કાયદાઓનું સરળીકરણ કરી ચાર નવા લેબર કોડની રચના માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને ઇ.એસ.આઇ.ની સુવિધા માટે સંબંધિત કચેરીઓને યોગ્ય પગલા લેવા અંગેની ખાતરી આપી હતી.