Page Views: 6676

ગાંજા સાથે ઝડપાયેલા યુવાનને ભાવનગર કોર્ટે દસ વર્ષની કેદની સજા ફટકારી

એસઓજીની ટીમે વજા દાનસંગ વાળાને પોંણા પાંચ કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો

ભાવનગર-વર્તમાનન્યૂઝ.કોમ

સિહોરની વીજ કચેરીના દરવાજા પાસેથી ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફે નવાગામ (કનીવાવ)ના શખસને ૪.૭૬ કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી જે-તે સમયે ગુનો દાખલ કરાવ્યો હતો. જે કેસ આજરોજ ભાવનગર ન્યાયાલયમાં ચાલી જતા કોર્ટએ આરોપીને તકસીરવાન ઠેરાવી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા ફરમાવી હતી.બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપના સ્ટાફને મળેલ પૂર્વ બાતમી આધારે ગત તા.૧૩-૮-૨૦૧૮ના રોજ ઓપરેશન હાથ ધરી સિહોર વીજ કચેરી ઓફીસના દરવાજા પાસેથી વજા દાનસંગભાઇ વાળા (ઉ.વ.૬૮, રે.રામજી મંદિરની બાજુમાં, નવાગામ-કનીવાવ, તા.સિહોર)ને ઝડપી પાડી તેના કબજામાં રહેલ વેચાણ કરવાના ઇરાદે ખરીદી આર્થિક ફાયદો મેળવવાના હેતુથી રહેલ ગેરકાયદે પાસ પરમીટ વગરનો ગાંજો ૪.૭૬ કિ.ગ્રા. મળી આવતા કબજે લઇ ઉક્ત શખસ વિરૂધ્ધ જે-તે સમયે સ્પેશ્યલ ઓપરેશન ગૃપના પી.એસ.આઇ. ડી.ડી. પરમારે ફરિયાદ આપતા સિહોર પોલીસે એનડીપીએસ એક્ટ ૮(સી), ૨૦(બી) મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ કેસ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ એન્જ સેસન્સ જજશ્રી આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો, આધાર-પુરાવા અને સાક્ષીઓને ધ્યાને લઇ એનડીપીએસ એક્ટના ગુનામાં વજા દાનસંગભાઇ વાળાને તકસીરવાન ઠેરાવી ૧૦ વર્ષ સખ્ત કેદની સજા તેમજ ૩૩ હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.