સુરત-નરેશ કાપડીઆ દ્વારા
આપણે જેમને મહાન સંગીતકાર ખય્યામ રૂપે ઓળખીએ છીએ, તેઓ મોહંમદ ઝહુર ‘ખય્યામ’ હાસમીનોઆજે ૯૪મો જન્મ દિન. ૧૮ ફેબ્રુઆરી, ૧૯૨૭ના રોજ તેમનો જન્મ. ૧૯૫૩થી ચારેક દાયકા સુધી તેમની કરિયર વિસ્તરી હતી. ખય્યામ સાહેબને શ્રેષ્ઠ સંગીતકાર રૂપે ત્રણ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં, ‘કભી કભી’, ‘ઉમરાવ જાન’ અને ૨૦૧૦માં ‘લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’. ૨૦૦૭માં તેમને સર્જનાત્મક સંગીત આપવા બદલ સંગીત નાટક અકાદમીનો એવોર્ડ અપાયો હતો. ભારત સરકારે ૨૦૧૧ના રોજ ખય્યામ સાહેબને પદ્મ ભૂષણથી સન્માન્યા હતા.
અખંડ પંજાબના જલંધર જીલ્લાના નવાસહર તાલુકાના રહોનમાં તેમનો જન્મ. એક છોકરા રૂપે જ તેઓ સંગીત શીખવા માટે ઘરેથી ભાગીને દિલ્હી ગયા હતા. જોકે તેમને જબરજસ્તીથી ભણવા માટે મજબૂર કરાયા હતા. પછી તેઓ જાણીતા બાબા ચિસ્તી પાસે સંગીત શીખવા માટે લાહોર ગયા હતા.
ખય્યામનેભણવામાં રસ નહોતો, પણ ભારતીય સિનેમા સંગીતના તેઓ રસિયા હતા. નાનપણથી તેઓ સંગીતકાર બનવા માંગતા હતા. વારંવાર તેઓ ભાગીને ફિલ્મો જોવા શહેરમાં જતાં. તેઓ ભાગીને કાકાને ઘરે દિલ્હી ચાલ્યા ગયેલા, ત્યારે તેમને અભિનેતા બનવું હતું, પણ કાકાએ તેમને સ્કૂલમાં દાખલ કરાવી દીધા હતા. જોકે તેમની લગન જોઈને કાકાએ ખય્યામને સંગીત શીખવવાનો પ્રબંધ કર્યો હતો. અહીં તેઓ પંડિત અમર નાથ પાસે સંગીત શીખ્યા.માત્ર ૧૭ વર્ષની ઉમરે ખય્યામ પંજાબી સંગીતકાર બાબા ચિસ્તીના સહાયક બન્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન થોડો સમય તેઓ સેનામાં પણ જોડાયા અને પછી મુંબઈ પહોંચ્યા. ૧૯૪૮ની ‘હીર રાંઝા’ના સંગીતકારો શર્માજી-વર્માજીમાંના તેઓ શર્માજી હતા. દેશના ભાગલા પડતાં તેમના સાથી પાકિસ્તાન ગયા અને ત્યારે ‘બીવી’ ફિલ્મ માટે ખય્યામે રફી સાહેબ પાસે ગવડાવ્યું અને સફળતાનો પહેલો સ્વાદ ચાખ્યો. રાજ કપૂર -માલા સિંહાની ‘ફિર સુબહા હોગી’ના ગીતોથી તેઓ જાણીતા બન્યા. પછી ‘શોલા ઔર શબનમ’થી તેઓ મહાન સંગીતકાર રૂપે ગણાવા માંડ્યા. ચેતન આનંદની ‘આખરી ખત’નું સંગીત પણ વખણાયું.
‘શગૂન’માં જગજીત કૌર પાસે ‘તુમ આપના રંજ-ઓ-ગમ’ યાદગાર બન્યું. તો ‘લાલા રુખ’નું ‘હૈ કલી કલી કે લબ પર’ પણ યાદગાર હતું. ‘ફૂટપાથ’માં દિલીપ કુમાર માટે તલત સાહેબ ગાતા હતા, ‘શામ-એ-ગમ કી કસમ’. તો ‘મોહબ્બતઇસકોકેહતેહૈ’માંરફી-સુમન ગાતા હતાં ‘ઠહરિયે હોશ મેં આ લું’. ૧૯૭૦માં ફરીથી મળેલી સાહિરની કલામ પર યશ ચોપ્રા માટે ‘કભી કભી’નું સંગીત એ ખય્યામનું સૌથી સફળ કાર્ય બન્યું. તો ‘શંકર હુસૈન’માં રફીનું ‘કહીં એક માસુમ નાજુક સી લડકી’ અને લતાજીનું ‘આપ યું ફાસલોં સે ગુજરતે રહે’ પણ યાદગાર હતું.
સિત્તેરના દાયકાના અંતે અને એંશીના આરંભે ખય્યામની ‘ત્રિશુલ’, ‘થોડી સી બેવફાઈ’, ‘બઝાર’ અને ‘નૂરી’ આવી હતી. કમાલ અમરોહીની ‘રઝીયા સુલતાન’નું તેમનું સંગીત પણ કમાલનું હતું. હજી તેમની પાસે શ્રેષ્ઠ ધુનો હતી, જે મુજફ્ફર અલીની ‘ઉમરાવ જાન’ (૧૯૮૧) માટે આવી. આશાજીની શ્રેષ્ઠ રચનાઓ ‘ઇન આંખો કી મસ્તી કે’ કે ‘યે ક્યા જગહ હૈ દોસ્તો’, કે ‘દિલ ચીઝ ક્યા હૈ’ કેમ ભુલાય?
ખૈય્યામની કેટલીક ગૈર ફિલ્મી રચનાઓ પણ યાદગાર બની. ‘પાઉ પડું તોરે શ્યામ, બ્રીજ મેં લૌટ ચલો’ કે ‘ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા’ યાદગાર હતાં. મીના કુમારીએ ગયેલી તેમની પોતાની કવિતાઓ ‘આઈ રાઈટ, આઈ રીસાઈટ’નું સંગીત ખય્યામે આપ્યું હતું.
ખય્યામે મહાન કવિઓની રચનાઓને યાદગાર બનાવી. સંગીત અને ગાયક જેટલું જ મહત્વ ગીતકારનું છે, તે તેમના ગીતોમાં જણાય છે. તેમણે સર્જેલા ગીતોમાં મહાન કાવ્ય તત્વ અને અર્થસભરતા સંભાળવા મળી, જેણે ખય્યામ સાહેબને અમર બનાવી દીધા. તેમણે જે મહાન શાયરોની કવિતાને કમ્પોઝ કરી તેમાં મિર્ઝા ગાલિબ, વલી સાહેબ, અલી સરદાર જાફરી, મજરૂહ સુલ્તાનપુરી, સાહિર લુધિયાનવી, નક્સ લ્યાલપુરી, નિદા ફાઝલી, જાં નિસાર અખ્તર કે અહમદ વાસી હતાં. તેઓ જે ગીત-ગઝલ સ્વરબદ્ધ કરતા તેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો વારસો સંભાળવા મળતો. તેમના ગીતોમાં આત્મા, કર્ણપ્રિયતા, ભાવના હોય, સુંદર કાવ્યતત્વ હોય. તેથી ખય્યામ ત્યારના લોકપ્રિય સંગીતકારો કરતાં જુદા પડતા.
તેમના ૮૯માં જન્મદિને ખય્યામ સાહેબે ‘ખય્યામ જગજીત કૌર ચેરીટેબલ ટ્રસ્ટ’ બનાવી પોતાની તમામ સંપત્તિ એ ટ્રસ્ટને આપી દીધી, જે દ્વારા ઉભરતા કલાકારો અને ટેકનિશિયનને સહાય કરાશે. ત્યારે તેમની સંપત્તિ દસેક કરોડ રૂપિયાની અંકાઈ હતી.
સંગીતકાર ખૈય્યામના યાદગાર ગીતો: વો સુબહા કભી તો આયેગી, આસમાં પે હૈ ખુદા, ચી-ઓ-અરબ હમારા (ફિર સુબહા હોગી), જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ, જીત હી લેંગે બાઝી હમ તુમ (શોલા ઔર શબનમ), બહારોં મેરા જીવન ભી સવારો, ઔર કુછ દેર ઠહર (આખરી ખત), તુમ અપના રંજ-ઓ-ગમ (શગૂન), હૈ કલી કલી કે લબ પર (લાલા રુખ), શામ-એ-ગમ કી કસમ (ફૂટપાથ), ઠહરિયે હોશ મેં આ લું (મોહબ્બત ઇસ કો કેહ્તે હૈ), કભી કભી મેરે દિલ મેં, મૈ પલ દો પલ કા શાયર હું, તેરે ચેહરે સે (કભી કભી), કહીં એક માસૂમ નાજુક સી લડકી, આપ યું ફાસલોં સે (શંકર હુસૈન), મોહબ્બત બડે કામ કી ચીજ (ત્રિશુલ), બડી વફા સે નિભાઈ તુમને (થોડી સી બેવફાઈ), દિખાઈ દિયે યું (બઝાર), અય દિલ-એ-નાદાન (રઝીયા સુલતાન), ઇન આંખો કી મસ્તી કે, યે ક્યા જગહ હૈ દોસ્તો, દિલ ચીઝ ક્યા હૈ (ઉમરાવ જાન).
• Share •