(વર્તમાન કાવ્યોત્સવમાં આજે નવોદિત ગઝલકારોની તરોતાજા ગઝલો અત્રે રજૂ કરી છે. આપને તેમનો આ પ્રયાસ કેવો લાગ્યો તે અંગે અમને વોટસ એપ નંબર 91735 32179 ઉપર જણાવશો તો આનંદ થશે.)
(સંકલન-નૂતન તુષાર કોઠારી નીલ- વાપી દ્વારા)
શીર્ષક: જીવી લો વર્તમાન
થશે જીવવું બહુ આસાન
જો જીવશું સહુ વર્તમાન.
થઈ જે ભૂલો ભૂતકાળે,
એમાંથી બોધ લો, નાદાન!
ન રાખો ચિંતા કોઈ કાલની,
જીવી લો આજને દઈ માન.
ન લટકે ભૂત કે ભાવિમાં,
વરતતાં આજમાં વિદ્વાન.
હશો રાજા ને થશો રંક કે
થશે એથી કદાચ વિપરીત,
બનો વર્તમાનના બાદશાહ,
જીવન જીવો રાખીને ઈમાન.
પ્રેમ, મૈત્રી, કરૂણાભાવ
રાખો સહુ જીવો પર,
'જીવો ને જીવવા દો'
એ છે કુદરતનું ફરમાન.
કોઈના આંસુ લૂછી લે,
સ્મિત આપ કોઈના અધરે.
હસી ઉઠશે ભાગ્ય તારું,
ઝળકી ઉઠશે વર્તમાન.
ધન-દોલત, સુખ-વૈભવ,
કાંઈ સાથે નહીં આવે.
સુકર્મોનું ભાથું બાંધી લે,
એ જ રહેશે પહેચાન.
આજ આ જ વાત કરું,
નથી કરવી કોઈ પંચાત.
'નૂતન' દ્રષ્ટિકોણ અપનાવી,
અહીં બની રહું મહેમાન.
:- નૂતન તુષાર કોઠારી 'નીલ'
- વાપી
*********************************************
શીર્ષક: પ્રેમગીત
જ્યાં જ્યાં જોયું આ નજરે, ત્યાં ત્યાં પ્રેમ દેખાયો,
પ્રેમ આ જગતે જોને ક્યાં ક્યાં નથી છવાયો?
ધરતીને ગગનનું મિલન ક્ષિતિજે દેખાય,
હોય ભલે આભાસ એ તો ભાસથી જ વર્તાય!
વિજોગી પ્રણય એમનો, જગે અલૌકિક કહેવાયો!
પ્રેમ આ જગતે જોને ક્યાં ક્યાં નથી છવાયો?
શશીને જોઈ દરિયો કેવો હેતથી હરખાય!
ઊછળી ઊછળી ઘૂઘવી ઘૂઘવી
લ્હેરો પણ મલકાય.
પાણીમાં પ્રતિબિંબે, ચાંદનો ચહેરો ચહેરાયો!
પ્રેમ આ જગતે જોને ક્યાં ક્યાં નથી છવાયો?
વૃક્ષને વળગી વેલી કેવી ચપોચપ ભીંસાય,
એને જોઈને વિરહદર્દે હૈયું મારું પિસાય.
પિયુ આવશે ક્યારે? આંખે ઉદધિ છલકાયો!
પ્રેમ આ જગતે જોને ક્યાં ક્યાં નથી છવાયો?
જ્યાં જ્યાં જોયું આ નજરે, ત્યાં ત્યાં પ્રેમ દેખાયો,
પ્રેમ આ જગતે જોને ક્યાં ક્યાં નથી છવાયો?
:- નૂતન તુષાર કોઠારી 'નીલ'
- વાપી
********************************************
*ભીતરે શ્વાસોની તું પિછાણ છે,*
*તું નથી તો આયખું નિષ્પ્રાણ છે.*
*જો ઋજુતા પ્રેમનો પર્યાય હો,*
*લાગણી ધબકાવતી પાષાણ છે!*
*લો હવા લહેરાય આજે શોખથી,*
*કોઈ શુભ-મંગળ મળ્યાં એંધાણ છે!*
*જ્યાં મિલનની શક્યતા વર્તાઈ ને,*
*ચાલતું શ્વાસો મહીં ઘમસાણ છે!*
*આંચ પણ નહિ આવશે સંબંધમાં,*
*લાગણીનું કાયમી રોકાણ છે!*
*કેમ હું છોડી શકું આખર તને,*
*પ્રેમની તારાં મળી જ્યાં આણ છે!*
*મન ભરી વાંચ્યા નયન તારાં સનમ,*
*પ્રીતનું એમાં જડ્યું પુરાણ છે!*
*ડૉ.માર્ગી દોશી*
*********************************************
મહોબ્બત
*સંવેદનો ઘૂંટી અમે લખશું મહોબ્બત કાગળે,*
*ને પહોંચશે ગાથા પ્રણયની આભનાં પણ આંચળે!*
*જ્યાં ઓસબૂંદોથી ખીલે સૌંદર્ય નાજુક ફૂલનું!*
*પર્ણો લખે એનાં પ્રણયને હર મુલાયમ ઝાકળે!*
*શબ્દોથી છે બેહદ મહોબ્બત, પ્રાણવાયુ છે ગઝલ,*
*એકાંત એથી લાગતું પ્યારું આ દિલને હર પળે!*
*વરસાદ નખશિખ ભીંજવે કોરી વસુધાને અગર,*
*લખતી ધરા ત્યારે મહોબ્બત ગાજતાં હર વાદળે!*
*ભીતર રગેરગમાં મઢ્યાં છે છૂંદણા પણ પ્રેમનાં,*
*ને રક્તનાં હર બૂંદમાં પળપળ મહોબ્બત ઝળહળે!*
*ચણશું મિનારા પણ મહોબ્બતનાં, અડે જે અંબરે,*
*લખશું અમર આ પ્રીત કોઈ અંજળે, સાગર તળે!*
*મોહતાજ ક્યાં કાયમ યુવાનીની મહોબ્બત હોય છે!*
*દિવાનગી આબાદ રહેશે આયુનાં અસ્તાચળે!*
*ડૉ. માર્ગી દોશી*
************************************************
ગઝલ: દીવો કરી ગઝલનો ને આરતી ઉતારો
થોડો સમય રહ્યો છે થોડી ગતિ વધારો!
મજધાર નાવ પ્હોચી બહુ દૂર છે કિનારો.
જેવી સમજ છે જેની , એવી સલાહ આપે
શું ભૂલ છે તમારી? જાતે તમે સુધારો.
જેવી ખબર મળી કે બાંધ્યુ છે ઘર હવાએ,
લઇ હાથમાં મશાલો , આવી ગયાં હજારો.
શબ્દો એ મારું ઘર છે, અર્થો એ મારી ઓળખ,
મન થાય આવવાનું બેશક તમે પધારો.
એક જાય બીજી આવે, આવ્યાં કરે ઉપાધી,
રાખીને ધ્યાન ખુદનું , જીવન સદા મઠારો.
સમસ્યા જટિલ લાગે , ઉકેલ ના મળે કંઇ,
બીજો ઉપાય શોધી બસ શાંતિથી વિચારો.
શબ્દોની ખૂબ ઊંચી , 'ઉડાન' હોય ભરવી,
દીવો કરી ગઝલનો ને આરતી ઉતારો.
:- ઈશ્વર ચૌધરી 'ઉડાન'
************************************************
ગઝલ: તમે પણ
તમે દીપ થઈને સદા ઝળહળો છો ખરાં છો તમે પણ
બીજાને હસાવી તમે ખુદ રડો છો, ખરાં છો તમે પણ!
તમે લક્ષ્યની ટોચ પર પહોંચવામાં સફળ એટલે છો,
ચડો છો પડો છો ફરીથી ચડો છો ખરાં છો તમે પણ.
તમારા વિચારો સુધી તો ભલા કોણ પ્હોચી શક્યું છે?
તમે કલ્પનાની ઉપર જઈ લખો છો, ખરાં છો તમે પણ.
તમારી એ છળવાની તરકીબને દાદ દેવી પડે હો,
તરસને તમે ઝાંઝવાથી છળો છો ખરાં છો તમે પણ
આ આખું જગત એકબીજાની સામે જ લડતું રહ્યું ને,
તમે તો ભલા જાત સાથે લડો છો ખરાં છો તમે પણ.
:-ઈશ્વર ચૌધરી 'ઉડાન'
• Share •