Page Views: 12723

પાટીદારોના ગઢમાં રેલી કરવાની ચેલેન્જ સ્વિકાર્યા બાદ કોંગ્રેસના અમિત ચાવડા પાણીમાં બેસી ગયા

પાસના અગ્રણી અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ કોંગ્રેસને વરાછા વિસ્તારમાં રેલી કે જાહેર સભા કરવા ચેલેન્જ આપી હતી- વાત વણસે એ પહેલા જ કોંગ્રેસના મોવડી મંડળે ફેરવી તોળ્યુ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પાસના કાર્યકરોને તેમના કહેવા પ્રમાણે સુરત મહાનગર પાલિકામાં ચૂંટણી લડવા માટે ટિકીટો ફાળવવામાં ન આવતા ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું ન હતું. રોષે ભરાયેલા પાસ અગ્રણી ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથિરીયાએ કોંગ્રેસ દ્વારા તેમની સાથે દગો કરવામાં આવ્યાનો આરોપ મુકીને કોંગ્રેસના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી કે, તમારામાં તાકાત હોય તો હવે વરાછા વિસ્તારમાં રેલી કે સભા કરી બતાવો. કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાએ આ ચેલેન્જ સ્વિકારી હતી અને વરાછા વિસ્તારમાં જ બાઇક રેલી કરીને સભા કરવાની જાહેરાત કરી હતી. જો કે, પાસ દ્વારા કોંગ્રેસે ચેલેન્જ સ્વિકારી તેનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રેલી કરે તો કઇ રીતે તેમનો ખેલ ઉંઘો પાડવો તેનું આગોતરૂ આયોજન પણ કરી દેવામાં આવ્યું હતું. પરિસ્થિતિ વણસે એ પહેલા જ કોંગ્રેસના મોવડી મંડળે અગમચેતી વાપરીને વરાછા વિસ્તારની રેલી કેન્સલ કરવાનો નિર્ણય લીધો હતો તેમજ અમિત ચાવડાની આગેવાનીમાં સભા કે બાઇક રેલી નહીં કરવાનું ગણતરીના કલાકોમાં જ જાહેર કરી દીધું હતું. સુરત પાસના અગ્રણીઓએ કોંગ્રેસને પહેલાં જ ચીમકી આપી હતી કે, કોંગ્રેસની એક પણ જાહેર સભા કે કોઈ મોટો કાર્યક્રમ અમારા વિસ્તારમાં થવા દેવાશે નહીં ત્યારે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કોંગ્રેસને પાસે આપેલી ચેલેન્જને સ્વીકાર કર્યો છે. તેનો આડકતરી રીતે કટાક્ષ કર્યો કે એનો અર્થ એમ થાય છે કે કોંગ્રેસની રેલીમાં પાસ તોફાન ઊભું કરીને રાજકીય વાતાવરણ અસ્થિર કરી શકે છે.