Page Views: 8944

ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેમ્પોની અવર જવર પરની પાબંદી દૂર કરવા જોઇન્ટ પોલીસ કમિશનરને આવેદન પત્ર અપાયું

ટેમ્પો ચાલકો હડતાળ પર જતા પણ ખચકાશે નહીં

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

 રિંગરોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વર્ષોથી ટ્રાફીકની સમસ્યા વકરેલી છે. ફ્લાય ઓવર બ્રીજ બન્યા પછી પણ માર્કેટ વિસ્તારમાં ટ્રાફીક જામની સમસ્યા યથાવત છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસીધ્ધ કરવામાં આવ્યુ છે અને કાપડના ટેમ્પોને માર્કેટ વિસ્તારમાં આવવા અંગે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. શહેરના રીંગરોડ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાના હેતુથી શહેર પોલીસ કમિશનરને કાપડની ડિલિવરી કરતા ટેમ્પોની અવરજવરનો સમય નિયંત્રિત કર્યો હતો. જેના પગલે ટેમ્પો ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે આજે ફોસ્ટા અને ગ્રે ફિનિષ્ઠ ડિલિવરી ટેમ્પો વેલ્ફર એસોસિએશન દ્વારા ફરી એકવાર ટ્રાફિક અને ક્રાઈમના જોઈન્ટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી જાહેરનામામાં સુધારો કરવા રજૂઆત કરાઈ હતી. આ સાથે જ ટેમ્પો ચાલક સંગઠનના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ સમયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો ગ્રે કાપડની ડિલિવરી અટકાવી દેવામાં આવશે. 1 ફેબ્રુઆરીથી શહેર પોલીસ કમિશનરને જાહેરનામાનો અમલ શરૂ કર્યો હતો, તે અનુસાર રીંગરોડ કાપડ માર્કેટ વિસ્તારમાં ટેમ્પો સહિતના ગુડ્સની હેરફેર કરતા વાહનોની અવરજવરનો સમય સવારે 9થી બપોરે 11 અને સાંજે 7થી 10 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો હતો. જેના પગલે કાપડની હેરફેરમાં 30 ટકાનો ઘટાડો આવી ગયો છે. આ જાહેરનામાના પગલે ટેમ્પોચાલકો તથા માલની હેરફેર સાથે સંકળાયેલા મજૂરોની આવક પર પણ અસર પડી છે. માલની ડિલિવરીની સમય અવધિ વધી જતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. જો ટેમ્પો ચાલકોની માંગણીને સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટેમ્પો ચાલકો હડતાળ પર જતા પણ ખચકાશે નહીં અને તેના કારણે કાપડ ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.