સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
શહેરના વરાછા રોડ ખોડીયાર નગર ખાતે આવેલી શ્વેત રાજહંસ સોસાયટીમાં રહેતા બિલ્ડરના પરિવાર દ્વારા ત્રણ પુત્રીની માતા એવી પુત્રવધુને છેલ્લા દોઢ વર્ષથી ઘરમાંથી કાઢી મુકવામાં આવી હોવાના આરોપ સાથે પુત્રવધુએ પોતાના સસરાના બંગલા સામે જ ધરણા પર બેઠી છે. સમાજમાં પુત્ર પુત્રી એક સમાનની વાતો કરતા સમાજના મોભીઓએ આ મામલે મૌન સેવી લીધું છે અને ઘરનો ઝગડો હોવાનું કહીને પોતાના હાથ ઉંચા કરી લીધા છે. બીજી તરફ આ લાચાર મહિલાએ પોતાને એક પછી એક ત્રણ પુત્રીઓ જન્મતા તેની આવી હાલત કરવામાં આવી હોવાનો આરોપ સવાણી પરિવાર પર મુક્યો છે.
વરાછા રોડ ખોડીયાર નગર ખાતે આવેલી શ્વેત રાજહંસ સોસાયટી ખાતે રહેતા વિપુલ સવાણીના લગ્ન સોનલબેન સાથે થયા હતા. સોનલ બેને સમયાંન્તરે એક પછી એક ત્રણ પુત્રીઓને જન્મ આપ્યો હતો. ત્રણ ત્રણ પુત્રીઓના જન્મ બાદ સોનલબેન સાથે સાસરીવાળાઓનું વાણી વર્તન ફરી ગયા હતા અને બે પુત્રીઓ સહિત તેમને તેમનો પતિ વિપુલ સવાણી તેની બેનના ઘરે મુકી આવ્યો હતો અને ત્યાર બાદ તેડવાનું નામ લેતો ન હતો. સોનલબેન ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ ન કરે તેના માટે વિપુલ સવાણીનો પરિવાર કોર્ટમાંથી ઓર્ડર પણ લઇ આવતા આખરે સોનલબેન આજે ખોડીયાર નગર શ્વેત રાજહંસ સોસાયટી ખાતે તેના પતિના ઘરની બહાર જ પોતાની બે પુત્રીઓને સાથે લઇને ધરણા પર બેસી ગયા હતા. તેમણે સમાજ પાસે પણ ન્યાયની માંગણી કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, મારો વાંક માત્ર એટલો જ છે કે, મારી કૂખે ત્રણ પુત્રીઓ અવતરી છે અને એટલા માટે જ મને છેલ્લા દોઢ વર્ષથી દર દરની ઠોકરો ખાવા મજબુર કરવામાં આવી રહી છે. સસરાના ઘરમાં પ્રવેશ માટે સોનલબેને કોર્ટના ઓર્ડરને ઉપલી કોર્ટમાં પડકાર્યો છે અને તેની સુનાવણી આગામી 19મી તારીખે હાથ ધરમાં આવનાર છે.
• Share •