Page Views: 9879

પાંચ રૂપિયાની શિંગ...

શાળાના કુમળા બાળકોને વ્યસનનું ઘેલું લગાડતી ડ્રગ્ઝ-માફિયાની ગેંગ શહેરમાં સક્રિય છે એવી મને શંકા હતી પરંતુ...

(સંવેદના નામની આ વાર્તામાં સાકેત દવેની કલમે એક સળગતી સમસ્યાની સાથે વેદના છલકે છે. આપને આ વાર્તા કેવી લાગી તે અંગે આપનો અભિપ્રાય અમને વોટસએપ નંબર 9173532179 ઉપર આપશો તો ગમશે)

વર્તમાનન્યૂઝ.કોમ-સાકેત દવે દ્વારા

( સંકલન- નૂતન તુષાર કોઠારી-વાપી દ્વારા)

 

“ “દરેક શાળાને ૨૫% સંખ્યા પછાત વિદ્યાર્થીઓ દ્વારા ફરજીયાત ભરવાનો સરકારનો કડક આદેશ...”

સમાચારો પર નજર નાખી સાંધ્ય દૈનિક વાળીને મૂક્યા પછી રોજની જેમ આજે પણ હું દીકરીને લેવા સ્કૂલે સમયસર પહોંચી ગયેલો. ને આજે ય એ વૃદ્ધ માણસ શાળાના મેદાનમાં બેઠો બેઠો ક્યારા સાફ કરતો હતો. મને કાયમ એનું વ્યક્તિત્વ રહસ્યમય લાગેલું. સફેદ દાઢી, મોઢા પર શીળીના ચાઠાં, લઘરવઘર પહેરવેશ, હાથમાં ધારિયું ને ઊંડી ઉતરી ગયેલી આંખો... હા, આંખો... છૂટતાં છોકરાઓને જોતી એની ચકળવકળ આંખોમાં કાયમ મને કોઈ ગુનાહિત ભય નજર આવતો. આમ એ લાગતો માળી જેવો. ક્યારેક ક્યારી બનાવતો, સૂકાં પાંદડા ભેગા કરી લઈ જતો, તો કોઈક દિવસ એક ક્યારામાં ભરાયેલા પાણીને અન્ય સૂકા ક્યારા સુધી લઈ જવા માટેની નીક બનાવતા પણ એને જોયેલો. પણ શાળામાંથી છુટીને ઘરે જતાં દરેક બાળકને અધીરાઈથી જોવાનું કારણ મને ન સમજાતું. અને, કોઈ નિશ્ચિત વિદ્યાર્થીઓના સમૂહની પાછળ ચાલતા એ ડોસો રોજ સ્કૂલમાંથી વિદાય લેતો, તેની આ હરકત દરરોજ મારા મનની શંકાના વલયોનો વ્યાસ વધારતી રહેતી.

આજે મારી શંકા તીવ્રતમ તબક્કામાં હતી. કંઇક ખોટું થઈ રહ્યાનો અહેસાસ અગ્રિમ હતો. ડોસાની કોઈ ખોટી હરકત રંગે હાથ પકડી પાડવાની ઈચ્છા સબળ હતી. રોજની જેમ એ પોતાનું ધારિયું લઈ ચુપચાપ આઠેક બાળકોના ટોળા પાછળ નીકળ્યો. મેં દીકરીને સ્કૂલમાં જ જરાવાર બેસવાનું કહી તેનો પીછો કર્યો. જૂથના બાળકો એક-એક બબ્બે થઈ છૂટાં પડતાં ગયાં. બારેક વર્ષનો એક કિશોર એકલો જ્યારે ગલીમાં વળ્યો ત્યારે ડોસાએ ઝડપ વધારી. મારી ગતિમાં પણ ઝડપ ઉમેરાઈ. થોડી જ સેકંડોમાં ડોસો બાળક પાસે પહોંચી ગયો. તેણે ખિસ્સામાંથી એક પડીકું કાઢી બાળકને આપ્યું. 

મને થોડાં જ સમય પહેલાં વાંચેલા ડ્રગ-માફિયાના સમાચાર યાદ આવ્યા. મારી આંખોમાં ગુસ્સાની લાલાશ ફેલાઈ. દોડતા જઈ મેં ડોસાનું બાવડું ઝાલ્યું ને ગુસ્સાથી ફાટતા અવાજે કહ્યું, “આવા ધંધા કરો છો આ ઉંમરે... આટલા નાનાં બાળકોને ઝેર વેચો છો ? શરમ નથી આવતી ? ઊભા રહો, પોલીસને જ ફોન લગાવું છું....”

ડોસાએ આરોપનું ખંડન કરી પોતાનો ઘણો બચાવ કર્યો. પણ હું અડગ હતો. છેવટે મારા જેવાં બુદ્ધિજીવીની દલીલો આગળ ભાંગી પડેલા એ વૃદ્ધે હૃદય ખોલી નાખ્યું અને એ દરમ્યાન આ સાંજ મને જરા વધુ ઘેરી બનતી જતી લાગી...

“સાહેબ... આ મારો એકનો એક પૌત્ર. તેના માબાપ ચાર વર્ષ પહેલાં ફેક્ટરીમાં અકસ્માત થયો ત્યારે ગુજરી ગયાં. હું એકલો અને ગરીબ, ભણાવવાના પૈસા ક્યાંથી લાવું... કોઈકે કહ્યું કે બાળક પછાત હોવાથી નિશાળમાં મફત ભણાવશે. સ્કૂલવાળા પણ સાહેબ બહુ સારા. દાખલ કરી દીધો આને, પણ સાહેબ... જિંદગીમાં ક્યારેય કોઈનો મફતનો રૂપિયો લીધો નથી. સ્કૂલમાં દીકરાને કેવી રીતે મફતમાં ભણાવું ? એટલે સાહેબ, મેં બદલામાં પરાણે સ્કૂલનું માળીકામ કરવાનું માથે લીધું છે.

મારા આ કામથી દીકરો તેના મિત્રો સામે શરમાય નહિ એટલે રોજ છુપાઈ-છુપાઈને એને લેવા-મૂકવા આવું છું. અને સાહેબ, આ પડીકામાં તો પાંચ રૂપિયાની શિંગ છે... બહુ ભાવે દીકરાને, તો મજૂરીની પાળી પૂરી કરી પાછા આવતા લીધેલી.... 

એક વિનંતી કરું સાહેબ... કોઈને કહેશો નહિ આ... મુઠ્ઠી બાંધી રાખજો સાહેબ... નહિ તો આ મારો છોકરો શરમાઈને છોડી દેશે ભણવાનું....”

ગળે બાઝેલો ડૂમો આંસુ બની પ્રગટે એ પહેલાં હું મારી સમજણના રૂઆબને સંકેલી દીકરીને લેવા સ્કૂલે પાછો વળ્યો ત્યારે ઢળતી સાંજનો અંધકાર મારા હ્રદયમાં ભાર બની પ્રવેશી રહ્યો હતો...