Page Views: 7260

ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા રાંદેર વિસ્તારમાં ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– ૪’નું આયોજન કરાશે

મહિલા સાહસિકોને આયોજન કરવાની સુવર્ણ તક મળશે

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે કોવિડ–૧૯ના નિયમોને આધિન તા. ર૯, ૩૦ અને ૩૧ જાન્યુઆરી, ર૦ર૧ દરમ્યાન રાંદેર રોડ સ્થિત અમીધારા, કડવા પાટીદાર સમાજની વાડી ખાતે સવારે ૧૧:૦૦થી રાત્રે ૮:૦૦ કલાક સુધી આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– ૪નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા કાયમની જેમ આ વખતે પણ મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ગરીબ તથા મધ્યમ વર્ગની મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રોત્સાહિત કરવા ચેમ્બર દ્વારા અગાઉ ત્રણ વખત ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણેય એકઝીબીશનોને બહેનોનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડતા મહિલા સાહસિકોની માંગણીને ધ્યાને લઇને ચેમ્બર દ્વારા ચોથી વખત આ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઘર સુશોભન, ખાણીપીણીની ચીજવસ્તુઓ, સાજ સજાવટ અને ડ્રેસ મટિરિયલ્સ વિગેરેનું વેચાણ કરવામાં આવશે. આત્મનિર્ભર મહિલા એકઝીબીશનમાં ભાગ લેવા ઇચ્છુક મહિલા સાહસિકોને રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવા માટે ચેમ્બરની (સમૃદ્ધિ બિલ્ડીંગ, મકકાઇ પુલની બાજુમાં, નાનપુરા) ઓફિસ અથવા કડવા પાટીદાર સમાજની વાડીની ઓફીસે સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે ૦ર૬૧ – રર૯૧૧૧૧ ઉપર પણ સવારે ૧૧:૦૦થી સાંજે ૬:૦૦ કલાક સુધી સંપર્ક કરી શકાશે.